નાગપુરઃ રોહિત શર્માની ૧૪મી સદી સાથેની ૧૨૫ રનની ઈનિંગને સહારે ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી અને આખરી વન-ડેમાં ૪૩ બોલ બાકી હતા ત્યારે સાત વિકેટે વિજય મેળવ્યો હતો. આ સાથે કોહલીની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા ફરી વખત વન-ડે રેન્કિંગમાં નંબર વન બની છે. આ સાથે ક્રિકેટ જગત પર ભારતે દબદબો પ્રસ્થાપિત કરી દીધો છે કારણે આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં તો ભારત વિશ્વની નંબર વન ટીમ તરીકેનો તાજ ધરાવે જ છે.
ઓસ્ટ્રેલિયા સામેની આખરી વન-ડેમાં વિજયી ઈનિંગ રમવા બદલ રોહિત શર્મા મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો અને ભારતે પાંચ વન-ડેની શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી. જ્યારે હાર્દિક પંડયાને પાંચ વન-ડેમાં છ વિકેટ ઝડપવા ઉપરાંત બે અડધી સદી સાથે ૨૨૨ રન ફટકારવા બદલ મેન ઓફ ધ સિરિઝ જાહેર કરાયો હતો.

