વડીલો સહિત સહુ વાચક મિત્રો, બહુચર્ચિત બ્રેક્ઝિટ મામલે ગ્રેટ બ્રિટન જાણે હવે નબળું બની રહ્યું છે. ૨૦૧૬ના રેફરન્ડમમાં કારમી પછડાટ સાંપડતા વડા પ્રધાન ડેવિડ કેમરન પાણીમાં બેસી ગયા. થેરેસા મેએ બળતું પકડ્યું. તે સમયે હાઉસ ઓફ કોમન્સમાં ટોરી પાસે, ભલે પાતળી પણ સ્પષ્ટ બહુમતી હતી. પરંતુ થેરેસા મેને વધુ મજબૂત બહુમતી હાંસલ કરવાનો અભરખો જાગ્યો, તુક્કો સૂઝ્યો. નવીસવી સત્તા સંભાળનારા મે આત્મવિશ્વાસથી થનગનતા હતા, પરંતુ મેડમ મે એ વાત ભૂલી ગયા કે આત્મવિશ્વાસ સારો, પણ મર્યાદામાં હોય ત્યાં સુધી જ. તેમણે મધ્યસત્ર ચૂંટણીઓ યોજી, પરંતુ ગધેડી અને ફાળિયું બન્ને ગુમાવ્યાં. મતદારોએ પાતળી બહુમતી પણ છીનવી લીધી.
આ પછી હાર્યો જુગારી બમણું રમે તે ન્યાયે સત્તા ટકાવવા રાજકીય કડદાબાજી શરૂ કરી. નોર્ધર્ન આયર્લેન્ડની કેથલિક પ્રજાનું હીત મધ્ય નજર રાખીને ડેમોક્રેટિક યુનિયન પાર્ટી (ડીયુપી)ના ૧૦ સાંસદોનો ટેકો મેળવવા માટે મે સરકારે - ‘સ્થાનિક કાર્યક્રમોને પ્રોત્સાહન’ આપવાના નામે ૧૩ મિલિયન પાઉન્ડની લાંચ આપી. આવું ખુલ્લેઆમ થયું. ભ્રષ્ટાચાર અને સત્તાનો સિમેન્ટ ભલભલાને ચલિત કરી દેતો હોય છેને? લક્ષ્મી દેખી મુનિવર ચળે, જ્યારે આ તો આજના રાજકારણી. કન્ઝર્વેટિવ પક્ષના બળવાખોર એવા બોરિસ જ્હોન્સન, માઇકલ ગોવ જેવા અસંતુષ્ટો પાછા મે સરકારમાં જોડાયા. પણ યુરોપિયન યુનિયન (ઇયુ)માંથી છૂટાછેડા લેવાના નામે શરૂ થયેલું આ કમઠાણ હજુ થાળે પડ્યું નથી. ઇયુ સાથે છેડો ફાડવાની વાટાઘાટોમાં વેગ આવતો નથી જેના પરિણામે દેશનો આર્થિક, રાજકીય માહોલ ખરડાઇ રહ્યો છે.
બે સપ્તાહ પૂર્વે દૈનિક ડેઇલી ટેલિગ્રાફે વિદેશ પ્રધાન બોરિસ જ્હોન્સનની ભાવિ વડા પ્રધાન તરીકે છાપ ઉપસાવતો એક મસમોટો લેખ લખ્યો હતો. આશરે ૪૦૦૦ શબ્દમાં ફેલાયેલા લેખમાં પ્રવર્તમાન સંજોગોમાં બ્રિટનનું વલણ કેવું હોવું જોઇએ, ભાવિ સરકારનું માળખું કેવું હોવું જોઇએ તેવી બધી વાતો કરીને નટખટ જ્હોન્સનના વ્યક્તિત્વનું ગુલાબી ચિત્ર નીખારવાનો પ્રયાસ થયો છે.
પોતાની જ કેબિનેટના એક સિનિયર પ્રધાન આ પ્રકારે સરકાર સામે આડકતરી ખટપટ કરે અને કેબિનેટની એકસૂત્રતાનો ભંગ કરતા હોય ત્યારે વડા પ્રધાન થેરેસા મેએ પોતાની સત્તાનો ઉપયોગ કરીને તેમને રાતોરાત રુખસદ આપી દેવી જોઇએ, પણ કમનસીબે મેડમ મે અત્યારે રાજકીય બાબતોમાં માંદલુ વલણ અપનાવી રહ્યા છે.
સન્ડે ટાઇમ્સમાં એક પુસ્તક હપ્તાવાર પ્રસિદ્ધ થઇ રહ્યું છે. તેનું નામ છેઃ A Fallout: Year of Political Mayhem (અ ફોલઆઉટઃ યર ઓફ પોલિટિકલ મેહેમ). રાજકીય યાદવાસ્થળીના વિષયવસ્તુને કેન્દ્રસ્થાને રાખીને લખાયેલા આ પુસ્તકમાં થેરેસા મેની રાજકીય કારકિર્દીનો શરમજનક કહેવાય તેવો એક ઘટનાક્રમ રજૂ થયો છે. મધ્યસત્ર ચૂંટણીના પરિણામો મોડી રાત્રે જાહેર થયા. ચિત્ર લગભગ સ્પષ્ટ થઇ ગયું હતું. લોકોએ કન્ઝર્વેટિવ પક્ષને સ્પષ્ટ બહુમતી આપવાનું ટાળ્યું હતું. લોકચુકાદાથી હચમચી ગયેલા થેરેસા મેએ વહેલી સવારે બકિંગહામ પેલેસમાં નામદાર મહારાણી એલિઝાબેથને મેસેજ મોકલીને દાવો કર્યો કે અમને સરકાર રચવા માટે ભલે સ્પષ્ટ બહુમતી મળી ન હોય, પરંતુ ડીયુપીના ૧૦ સંસદ સભ્યો અમને સમર્થન આપી રહ્યા હોવાથી કન્ઝર્વેટિવ પક્ષ સ્થિર અને સક્ષમ સરકાર રચી શકે છે. આમ કહીને તેમણે નામદાર મહારાણીને મળવા માટે સમય માગ્યો. બકિંગહામ પેલેસમાં મહારાણી સાથેની મુલાકાત માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ. વાત છેક આ હદે પહોંચી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે ડીયુપી સાથેની વાટાઘાટો કે પછી રાજકીય સમજૂતીને હજુ સત્તાવાર બહાલી તો મળી જ નથી! સરકાર બચાવવાની લાયમાં ભાંગરો વાટી નાંખ્યાની જાણ થતાં જ થેરેસા મે રડી પડ્યા. જોકે આખરે ઘીના ઠામમાં ઘી ઢળ્યું, અને ડીયુપી સાથેની સમજૂતી વાસ્તવિક્તા બની. થેરેસા મે નામદાર મહારાણીને મળવા પહોંચ્યા ત્યારે આંખો રડી રડીને લાલ થઇ ગઇ હતી. તાત્કાલિક ફરી લગાયેલો મેકઅપ ચહેરા પર ચમક લાવી શકે, આંખોમાં તો ન લાવી શકેને...
તે દિવસે આવું જ તેમણે ગ્રેનફેલ ફાયર ટ્રેજેડી વેળા બાફ્યું હતું. વિનાશક આગમાં ભસ્મીભૂત થઇ ગયેલા ટાવરના ઘટનાસ્થળની મુલાકાતે વડા પ્રધાન થેરેસા મે પહોંચી રહ્યાનું જાણીને સહુ કોઇ માનતું હતું કે તેઓ અસરગ્રસ્ત પરિવારના સભ્યોને મળશે અને સાંત્વના પાઠવીને દિલસોજી વ્યક્ત કરશે. સરકારી સહાયનો સધિયારો આપશે. પણ આ તો થેરેસાબહેન. મોડામોડા ઘટનાસ્થળે પહોંચ્યા ખરા, પણ ફાયર રેસ્ક્યુ ટીમ અને પોલીસ સહિતના અધિકારીઓ સાથે જ ચર્ચા કરીને પાછા ફર્યા. થોડાક ડગલાના અંતરે જ અસરગ્રસ્ત પરિવારના સભ્યો ઉભા હતા, પણ તેમની સામે નજરેય નાંખ્યા વગર રવાના થઇ ગયા નામદાર મહારાણીને મળવા. તેમને વડા પ્રધાન તરીકે બીજી ટર્મ માટે શપથ લેવાના હતા. તેમના આ અભિગમની ચારેબાજુથી આકરી ટીકા થઇ હતી.
આવા સૂઝબૂઝ વગરના અને સંવેદનાહીન નબળા નેતૃત્વના કારણે આજે બ્રિટન જી-૭ દેશોની યાદીમાં તળિયે જઇ બેઠું છે. અમેરિકા, જાપાન, જર્મની, ઇટલી, બ્રિટન, ફ્રાન્સ અને કેનેડા - એમ સાત દેશોના બનેલા આ વૈશ્વિક સંગઠનમાં એક સમયે બ્રિટન બીજા કે ત્રીજા સ્થાને બિરાજતું હતું. એક સમયે આર્થિક સદ્ધર બ્રિટન આજે આર્થિક મામલે અદ્ધર થઇ ગયું છે. છેલ્લા આંકડા પ્રમાણે પાઉન્ડ નીચે જઇ બેઠો છે. એક સમયે મજબૂત પાઉન્ડનું ૨૦ ટકા અવમૂલ્યન થયું છે. પરિણામે આયાત મોંઘી થઇ છે. ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો છે અને બજારમાં મંદીનો માહોલ છવાયો છે.
જાતે જ વહોરી લીધેલી ઉપાધિના કારણે થેરેસા મેની હાલત આજે મા મને કોઠીમાંથી કાઢ જેવી થઇ છે. પ્રવર્તમાન સંજોગોમાં તેમને હિંમતભર્યા પગલાં ભરવાની જરૂર છે. દૃઢ નિર્ણાયક્તા દાખવવાની જરૂર છે, અને આ બન્ને ત્યારે જ શક્ય બનશે જો તેઓ ઉચ્ચ મહત્ત્વાકાંક્ષા દાખવશે.
આ દિવસોમાં કન્ઝર્વેટિવ પક્ષનું માંચેસ્ટરમાં વાર્ષિક સંમેલન યોજાયું છે. આ કોલમ આજે સોમવારે લખાઇ રહી છે અને મેડમ મે મંગળવારે તેને સંબોધવાના છે. તેઓ તેમની અને સરકારની કામગીરી વિશે કેટલું અને કેવું બોલશે તેમજ લોકો તેને કઇ રીતે મૂલવશે એ તો સમય જ કહેશે, પરંતુ અત્યારે એક વાત તો નક્કી છે કે તેમની નબળી નેતાગીરીના પાપે બ્રિટનને ભારે નુકસાન પહોંચી રહ્યું છે.
•••
આપણી મરવા પડેલી એક જમાનાની ખ્યાતનામ સંસ્થાઓ
નબળી નેતાગીરી માત્ર દેશને જ નુકસાન કરતી હોય છે એવું નથી. સામાજિક સંસ્થા હોય કે પછી વેપારવણજનું સંગઠન - તમામને આ વાત એટલી જ લાગુ પડે છે. મિત્રો, અત્યંત પીડા સાથે હું આ રજૂઆત કરી રહ્યો છું. બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલી રાષ્ટ્રીય સ્તરની કહેવાય એવી ચારેક સંસ્થાઓ અત્યારે મરવાના વાંકે જીવી રહી છે.
વાચક મિત્રો, મને માફ કરશો... હું આ સંસ્થાઓ કે સંગઠનોનો નામજોગ ઉલ્લેખ કરીને તેમને ‘છાપે ચઢાવવા’ નથી માગતો. તો બીજી તરફ, સગવડિયું મૌન પણ રાખી શકું તેમ નથી. મારી વાતને આગળ વધારું તે પહેલાં એક ઉદાહરણ પર નજર ફેરવી લઇએ. આ પ્રસંગ વાંચીને તમને સમજાશે કે જો નેતામાં વિઝન હોય તો તેના સુ-ફળ મળતા હોય છે.
‘આયર્ન લેડી’ તરીકે જાણીતા વડા પ્રધાન માર્ગારેટ થેચરના શાસનકાળની વાત છે. તે વેળા એક તબક્કે માઇકલ હેઝલટાઇન નાયબ વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળતા હતા. છ ફૂટ ઊંચો કદાવર બાંધો અને માથે ગુચ્છાદાર વાળ. વિચારોમાં પરિપકવ અને સ્પષ્ટવક્તા. મુત્સદ્દીગીરીમાં પણ માહેર. જેટલા મોટા ગજાના નેતા એટલું જ ઉમદા તેમનું વ્યક્તિત્વ. આ ઠાલાં શબ્દો નથી. તેમને વ્યક્તિગત મળવાનો સોનેરી મોકો મને પણ મળ્યો હતો અને એટલે જ આટલા વિશ્વાસથી હું તેમના માટે આમ કહી શકું છું.
રાજકારણમાં આગમન પૂર્વે તેમણે હે માર્કેટ પબ્લિશિંગ નામની મસમોટી પ્રકાશન પેઢી સ્થાપી હતી. તેના આશરે ૧૦૦ જેટલા પ્રકાશનો હતા. દિગ્ગજ પ્રકાશક એવા હેઝલટાઇનને મળવાનો અવસર મને મળ્યો તે વેળા પ્રકાશન ક્ષેત્રમાં હું પા પા પગલી ભરી રહ્યો હતો. આ મુલાકાત દરમિયાન મેં આપણા ગ્રૂપ દ્વારા ચાલતી પ્રકાશન પ્રવૃત્તિથી આ કંપનીને વાકેફ કરીને તેમનું માર્ગદર્શન માંગ્યું. વાચક મિત્રો, હું તેમની પાસેથી નાણાં નહોતો ઇચ્છતો, તેમના જ્ઞાન, અનુભવની જાણકારી ઇચ્છતો હતો. તે કંપનીના દિગ્ગજો સાથે મારી બેઠક યોજાઇ. હું ત્રણેક કલાક તેમની કંપનીમાં રોકાયો. આ દરમિયાન તેમના ઉચ્ચ અધિકારીઓએ નાનામાં નાની બાબતથી માંડીને મેનેજમેન્ટ સહિત મહત્ત્વની બાબતો વિશે જાણકારી આપી. વિગતવાર સમજણ આપી. હેઝલટાઇનની કંપનીમાં જાણેલી, સમજેલી વાત આજે પણ મને આ પ્રકાશન વ્યવસાયના સંચાલનમાં ઉપયોગી બની રહી છે.
આ મોટા ગજાના હેઝલટાઇને થેચર સરકારના વરિષ્ઠ પ્રધાન તરીકે આમ તો અનેક મહત્ત્વના પ્રોજેક્ટ પાર પાડ્યા છે, પરંતુ મારી દૃષ્ટિએ તેમની શિરમોરસમાન કામગીરી એટલે કેનેરી વોર્ફ. ૧૯૭૯માં ‘આઈલ ઓફ ડોગ્સ’ સહિતનો થેમ્સ નદી સાથે જોડાયેલો હેમ્લેટ બરો એકદમ કંગાળ અને બદતર હાલતમાં હતો. એક સમયે વેપારી જહાજોની અવરજવરથી ધમધમતા આ બંદરી વિસ્તારમાં સમયના વહેવા સાથે ધંધો ઠપ્પ થયો હતો. મોટા ભાગના વેરહાઉસ લગભગ કંગાળ હાલતમાં ખાલીખમ પડ્યા હતા.
માર્ગરેટ થેચરે હેઝલટાઇનને આ વિસ્તારને ફરી વ્યાવસાયિક પ્રવૃત્તિઓથી ધમધમતો કરવાની જવાબદારી સોંપી. તેમની સૂઝબૂઝ, દૂરંદેશી અને સુચારુ આયોજનનું પરિણામ આપણી નજર સમક્ષ છે. આજે વિશ્વભરમાં ટોચની હરોળમાં સ્થાન ધરાવતી ૪૦૦થી વધુ બેન્કો, નાણાં સંસ્થાઓ, ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, બહુરાષ્ટ્રીય કંપનીઓ વગેરે કેનેડી વોર્ફમાં કાર્યરત છે.
આશરે એક લાખ કરતાં વધુ લોકો તગડા પગાર સાથે કામ કરે છે. સમગ્ર એરિયાની શકલ બદલાઇ ગઇ છે. એક સમયે જ્યાં લોકો એક ચોરસ ફૂટ જમીન માટે એક પાઉન્ડ પણ આપવા તૈયાર નહોતા ત્યાં આજે તમે ફૂટના ૧૦૦૦ પાઉન્ડ ચૂકવવા તૈયાર હો તો પણ જગ્યા મળી જ જશે તેવી કોઇ ગેરન્ટી નથી.
આવા વિઝનરી હેઝલટાઇને તાજેતરમાં થેરેસા મે વિશે સરસ વિચાર વાત કરી છે. તેમનું કહેવું છે કે આપણા સહુના દુર્ભાગ્યે થેરેસા મે સરકાર બહુ નબળી પુરવાર થઇ છે. કેટલાક પ્રધાનો સરકારમાં બેઠાં બેઠાં જ બંડ પોકારી રહ્યા છે અને વડા પ્રધાનથી માંડીને પક્ષનું હાઇ કમાન્ડ મૂક સાક્ષી બની રહ્યા છે. આવા લોકોને કોઇ કહેવાવાળું જ નથી કારણ કે પક્ષ ટોળાશાહી (ટ્રાઇબલિઝમ) છે. માત્રને માત્ર પોતાની પાંખ સાચવી રાખવા સાચું કહેવાના બદલે સૌ મૌન ધારણ કરીને બેઠા છે. આ પ્રકારનું વલણ વ્યક્તિગત કે પક્ષના હિતોને તો ઠીક, રાષ્ટ્ર હિતને નુકસાન કરી રહ્યું છે.
હેઝલટાઇને કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઠાલવેલી હૈયાવરાળ આપણી આ ચારેય સંસ્થાઓને પણ એટલી જ લાગુ પડે છે. આ ચારેય સંસ્થાઓ ભારતીય અને સવિશેષ તો ગુજરાતી સમુદાય સાથે સંકળાયેલી છે. આમાંની એક સંસ્થા જ્ઞાતિની છે. બીજી સંસ્થા ભારતના પનોતાપુત્રના નામે છે પણ (ગોકળગાયની ગતિએ) ચાલે છે. ત્રીજી સંસ્થા રાષ્ટ્રીય સ્તરનું સંગઠન છે અને ગુજરાતી હિતોની રખેવાળ હોવાનો દાવો કરતી રહી છે. જ્યારે ચોથી સંસ્થા બ્રિટનમાં વસતાં ભારતીયોના તમામ સંગઠનોને એકતાંતણે બાંધતું અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન - છત્ર સંગઠન હોવાનો વાહિયાત દાવો કરે છે.
એક સમયે આ ચારેય સંગઠનોનો આગવો દબદબો હતો, ભારે પ્રભાવ હતો. બ્રિટનની સરકાર હોય કે ભારતની, આ દેશનો રાજકીય પક્ષ હોય કે સ્વ-દેશનો, સહુ કોઇને તેની લાગણી અને માગણીની નોંધ લેવી પડતી હતી. તેની પ્રતિષ્ઠા, વિશ્વસનિયતા, સન્માન એવા હતા કે તેને નજરઅંદાજ કરવાની કોઇની હિંમત નહોતી. પરંતુ આજે?! અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે કોઇ તેને ગણકારતું નથી. કોઇ ભોજિયો ભાઇ તેનો ભાવ પૂછતું નથી. થેરેસા મેની નબળી નેતાગીરીએ જેવા હાલ બ્રિટનના કર્યા છે તેવા જ હાલ નબળી નેતાગીરીએ આ સંસ્થાના કર્યા છે. આ બધું કહેતાં હૃદય દ્રવી ઉઠે છે, વ્યથા થાય છે, શરમ-સંકોચ પણ ઉપજે છે.
આથી જ વિજયાદસમીની પૂર્વસંધ્યાએ - ૨૯ સપ્ટેમ્બરે મેં આ ચારેય સંસ્થાના મોભીઓને તેમજ કમીટી મેમ્બરોને એક પત્ર પાઠવીને મારી લાગણીને વાચા આપી છે, ચિંતા વ્યક્ત કરી છે. મેં આ સંસ્થાના હોદેદારોને પાઠવેલા પત્રમાં પણ આ જ લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે...
આપ સહુ આ સંસ્થાઓ માટે વર્ષોથી સમય, શક્તિ અને સ્રોત ખર્ચી રહ્યા છો. એક સમયે આ સંસ્થા-સંગઠન રાષ્ટ્રીય સ્તરે આગવી નામના ધરાવતા હતા. તેમની હાજરી, પ્રદાન અને પ્રભાવની નોંધ લેવાતી હતી. આ સંસ્થાઓ આપણા સહુનો અવાજ હતી. પરંતુ આજે શું સ્થિતિ પ્રવર્તે છે? શું આપણી બંધારણીય જવાબદારીઓ નિભાવવા માટે જરૂરી આપણા યોગદાન બદલ ગૌરવ અનુભવીએ છીએ? શું આપણે ખરા અર્થમાં આપણા સભ્યોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ? આપણને તેમની લાગણીઓ, ચિંતાઓની ખરેખર કેટલી પરવા છે? આ પ્રશ્નો આપણે આપણા દિલને પૂછવા જેવા છે. આત્મમંથન કરવાનો સમય હવે પાકી ગયો હોય તેવું લાગે છે. કોઇ ચોક્કસ મુદ્દાનો ઉલ્લેખ નથી કરતો, આ બાબત હું તમારા પર જ છોડી રહ્યો છું...
વાચક મિત્રો, આ સંસ્થાઓના હોદ્દેદારોને પત્ર લખવાના, અને તેને જાહેર કરવાના અનેક કારણ છે. તેમાનું એક કારણ છે એક જ વ્યક્તિની એકથી વધુ સંસ્થાઓમાં સામેલગીરી. વ્યક્તિ એક હોય પણ હોદ્દા ચારેય સંસ્થામાં સંભાળે. એકલદોકલ નહીં, દસ જેટલા મહાનુભાવ એવા છે જે ચારેય સંસ્થામાં મહત્ત્વના હોદા સંભાળે છે. આ ઉપરાંત પોતાની વ્યક્તિગત અને પારિવારિક જવાબદારી પણ હોવાની જ. આમાં આ લોકોને મારા-તમારા કે સમાજના હિતો માટે વિચારવાનો સમય ક્યાં મળવાનો હતો?
આ તબક્કે હું એક સ્પષ્ટતા અવશ્ય કરીશ કે આ તમામ મહાનુભાવો સાથે મારે વ્યક્તિગત ધોરણે ખૂબ જ સારા સંબંધો છે. પરંતુ અફસોસ છે કે આમ છતાં મારે આ બધું લખવું પડ્યું છે. સગવડીયું મૌન મારા અંતરાત્માને મંજૂર નથી. સમાજના હિતોનું કે વાચકોનું અહિત કરું તો મારો માંહ્યલો લાજે... (ક્રમશઃ)

