ટેમ્પા (ફ્લોરિડા)ઃ યુએસમાં ફ્લોરિડા સ્ટેટના ટેમ્પામાં વસતાં ડોક્ટર દંપતી કિરણ સી. પટેલ અને તેમના જીવનસાથી પલ્લવી પટેલે મેડિકલ શિક્ષણને વધુ મજબૂત કરવા નોવા સાઉથ-ઈસ્ટર્ન યુનિવર્સિટી (એનએસયુ)ને ૨૦૦ મિલિયન ડોલરનું માતબર દાન આપ્યું છે. ભારતીય ચલણમાં આ આંકડો માંડવામાં આવે તો અંદાજે ૧,૩૧૨ કરોડ રૂપિયા થાય છે. ગુજરાતી દંપતી દ્વારા અમેરિકાના હેલ્થકેર ક્ષેત્રમાં અપાયેલું આ સંભવતઃ સૌથી મોટું અનુદાન છે. આફ્રિકાના ઝામ્બિયામાં જન્મેલા કિરણ પટેલ વડોદરા જિલ્લાના મોટા ફોફળિયાના મૂળ વતની છે.
આ જંગી આર્થિક અનુદાનમાંથી ૫૦ મિલિયન ડોલર (રૂપિયા ૩૩૦ કરોડ) રોકડ સ્વરૂપે રહેશે, જ્યારે ૧૫૦ મિલિયન ડોલર (રૂપિયા ૯૯૦ કરોડ)માંથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે. આ નવું કેમ્પસ ક્લીઅરવોટર ક્રિશ્ચિયન કોલેજની અગાઉની સાઈટ પર બનાવાશે, જેના માટે પટેલના ફાઉન્ડેશને ભૂમિ હસ્તગત કરી લીધી છે.
આ પટેલ દંપતીએ માત્ર અમેરિકામાં જ જંગી દાન આપીને સંતોષ માન્યો છે તેવું નથી. માદરે વતન મધ્ય ગુજરાતમાં વડોદરા નજીક મેડિકલ કોલેજ સ્થાપવાની પણ તેમની યોજના છે.
યુનિવર્સિટીમાં આયોજિત સમારોહમાં પટેલ દંપતીએ આ દાન જાહેર કર્યું ત્યારે તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યું હતું. દાનની જાહેરાત બાદ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો. જ્યોર્જ એસ. હેનબરીએ કહ્યું કે યુનિવર્સિટીમાં ડો. કિરણ સી. પટેલ કોલેજ ઓફ ઓસ્ટિયોપેથિક મેડિસીન અને ડો. પલ્લવી પટેલ કોલેજ ઓફ હેલ્થ કેર સાયન્સિસ ચાલુ કરાશે.
ભારતીય-અમેરિકન દંપતીએ અમેરિકામાં ખાનગી યુનિવર્સિટી માટે રિજિયોનલ કેમ્પસની સ્થાપના માટે આટલી મોટી રકમ દાનમાં આપવાનું જાહેર કર્યું તે પ્રશંસનીય છે. પટેલ ફેમિલી ફાઉન્ડેશને આપેલા પાંચ કરોડ ડોલર ભેટ સ્વરૂપે રહેશે. બાકીના ૧૫ કરોડ ડોલરમાંથી ૩,૨૫,૦૦૦ ચોરસ ફૂટનું મેડિકલ એજ્યુકેશન કોમ્પ્લેક્સ બનશે. અમેરિકામાં કોઈ ભારતીયના નામે મેડિકલ સ્કૂલ શરૂ થઈ હોવાનો આ પ્રથમ કિસ્સો છે.
ડો. પલ્લવી પટેલે કહ્યું હતું કે આ પાર્ટનરશિપ હજારો પેશન્ટ્સ, સ્ટુડન્ટ્સ અને ડોક્ટર્સ માટે ખૂબ જ લાભદાયી બની રહેશે. આગામી ૨૦ વર્ષમાં NSU દ્વારા હજારો નવા ડોક્ટર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સને તાલીમ અપાશે. આ યુનિવર્સિટીમાંથી વર્ષે ૨૫૦ ડોક્ટરો બહાર પડશે. થોડા વર્ષો પછી આ સંખ્યા ૪૦૦ સુધી પહોંચશે.’
એનએસયુના કેમ્પસમાં ૨૫ સપ્ટેમ્બરના રોજ યોજાયેલા સમારંભમાં ડો. કિરણ પટેલે કહ્યું હતું કે આરોગ્ય અને શિક્ષણ સમાજના બે મહત્ત્વનાં પાસાં છે. મારી પાસે સંપતિ વધી રહી છે, ત્યારે હું તેનો આ રીતે સદુપયોગ કરવા પ્રયાસ કરું છું.
ફોફળિયાના વતની
ડો. કિરણ પટેલ મૂળ વડોદરાના શિનોર પાસેના મોટા ફોફળિયાના વતની છે. તેમનો જન્મ જોકે આફ્રિકાના ઝામ્બિયામાં થયો હતો. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ અમેરિકાના દક્ષિણી રાજ્ય ફ્લોરિડાના ટેમ્પામાં સ્થાયી થયા છે. અગાઉ કાર્ડિયોલોજિસ્ટ તરીકે કાર્યરત ડો. કિરણ પટેલ ટેમ્પા ખાતે જ ફ્રિડમ હેલ્થ કંપની ચલાવી રહ્યાં છે. તેમના પત્ની પલ્લવી પટેલ પીડિયાટ્રિશિયન છે. ડોક્ટર દંપતી ફ્લોરિડાના ટેમ્પમાં પ્રેક્ટિસ કરે છે અને તેમની આવી સામાજિક પ્રવૃત્તિઓને કારણે ફ્લોરિડા રાજ્યમાં ઘણુ ઉંચુ નામ ધરાવે છે.
ડોક્ટર્સ કિરણ એન્ડ પલ્લવી પટેલ ફેમિલી ફાઉન્ડેશન દ્વારા નિયમિત રીતે શિક્ષણ, આરોગ્ય, કળા-સંસ્કૃતિના ક્ષેત્રમાં મિલિયન ડોલરના હિસાબે ડોનેશન અપાતું રહ્યું છે. આ ફાઉન્ડેશન દ્વારા નિયમિત રીતે શિક્ષણ, આરોગ્ય, કળા-સંસ્કૃતિના ક્ષેત્રમાં મિલિયન ડોલરના હિસાબે ડોનેશન દેવાતું રહ્યું છે.
તેમણે યુએસમાં ખાનગી માલિકીના સૌથી મોટા હેલ્થ પ્લાન ‘America’s 1st Choice Holdings of Florida Inc’ની સ્થાપના કરી હતી. તેમણે વેલકેર હેલ્થ પ્લાન્સની પણ સ્થાપના કરી હતી, જે ૨૦૦૨માં ખાનગી ઈક્વિટી ફર્મને ૨૦૦ મિલિયન ડોલરમાં વેચી દેવાઈ હતી.
આફ્રિકા ખંડના દેશ ઝામ્બિયામાં જન્મેલા ડો. પટેલે ગુજરાતમાં શિક્ષણ લીધું છે. હવે તેઓ ભારત ઉપરાંત ઝામ્બિયામાં પણ વિવિધ સામાજિક કાર્યો કરે છે. ત્યાં પણ મેડિકલ અને હેલ્થકેર કોલેજની તેમની યોજના છે. હાલ તેઓ બિલિયન ડોલર કરતા વધુ મૂલ્યની કંપની ધરાવે છે. અઢળક સંપત્તિ પછી તેઓ પોતાના વતન મોટા ફોફળિયાને ભૂલ્યાં નથી.
વડોદરા પાસે વિશાળ મેડિકલ કોલેજ
અમેરિકામાં મેડિકલ કોલેજ શરૂ કર્યા પછી, ભારતમાં પણ યુનિવર્સિટી અને કોલેજ શરૂ કરવાનું તેમનું આયોજન છે. આ અંગે ડો. પટેલે જણાવ્યું હતું કે કોલેજ શરૂ કરવા માટે અમે સરકારને અરજી કરી દીધી છે. હવે સરકાર જેટલી ઝડપથી તે મંજૂર કરે એટલી ઝડપથી કાર્યવાહી આગળ વધશે. મંજૂરી મળશે એટલે એનએસયુની મદદથી જ મોટા ફોફળિયા નજીક ૪૦ હેક્ટર જમીનમાં ૭૦૦ પથારી ધરાવતી મેડિકલ કોલેજ શરૂ કરવાનું તેમનું આયોજન છે.
આ મેડિકલ કોલેજમાં અમેરિકન અધ્યાપકો પણ ભણાવશે અને ભારતના અધ્યાપકોને પણ તાલીમ લેવા માટે નોવા યુનિવર્સિટીમાં બોલાવાશે. જેથી તેઓ પાછા જઈને અમેરિકન શિક્ષણ પદ્ધતિથી ભારતમાં ભણાવી શકે. આ મેડિકલ કોલેજમાંથી દર વર્ષે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને મેડિકલની ડિગ્રી મળશે.

