બોલિવૂડના પીઢ અભિનેતા ટોમ ઓલ્ટરનું ૨૯મી સપ્ટેમ્બરે ૬૭ વર્ષે નિધન થયું છે. ટોમને સ્કિનનું કેન્સર થયું હતું અને તેમની સારવાર મુંબઇની સૈફી હોસ્પિટલમાં ચાલી રહી હતી. અગાઉ અહેવાલો હતાં કે ટોમને હાડકાંનું કેન્સર છે, પરંતુ તબીબોએ સ્પષ્ટતા કરી હતી કે ટોમને ત્વચાનું કેન્સર છે અને ચોથા સ્ટેજ પર પહોંચી ગયું છે. આ રોગનું નામ સ્ક્વેમસ સેલ કાર્સિનોમા છે. આ કેન્સરને પગલે ગયા વર્ષે જ ટોમનો એક અંગૂઠો કાપવો પડયો હતો. ઇન્ડિયન અમેરિકન એક્ટર ટોમ ઓલ્ટરનો જન્મ મસૂરીમાં થયો હતો અને તેઓ શિક્ષક હતા. વર્ષ ૧૯૭૬માં આવેલી ફિલ્મ ‘ચરસ’થી ટોમે બોલિવૂડમાં પોતાના અભિનયની કારકિર્દી શરૂ કરી હતી. ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કરનાર ટોમ ટેલિવિઝનની દુનિયામાં પણ એક જાણીતા અભિનેતા હતા. ટોમ છેલ્લે ફિલ્મ મેકર ઇમરાન ખાનની ફિલ્મ ‘સરગોશિયાં’માં તેમજ સ્ટારપ્લસના શો ‘ચક્રવ્યૂહ’માં જોવા મળ્યા હતા. વર્ષ ૨૦૦૮માં ટોમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો.

