લાસ વેગાસ રક્તરંજિતઃ સનકી વૃદ્ધના અંધાધૂંધ ફાયરિંગે ૬૦ના જીવ લીધા

Wednesday 04th October 2017 06:12 EDT
 
 

લાસ વેગાસઃ અમેરિકાના ઈતિહાસમાં અત્યંત ઘાતકી કહી શકાય તેવા હુમલામાં એક ચિતભ્રમ શખસે મ્યુઝિક કોન્સર્ટ માણી રહેલા સંગીતપ્રેમીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કરીને ૬૦ને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ હુમલામાં ૪૦૬થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. લાસ વેગાસના માન્ડલે બે રિસોર્ટ એન્ડ કેસિનો સંકુલમાં બનેલી આ ઘટનામાં પોલીસે હુમલાખોર તરીકે સ્ટીફન પેડ્ડોક નામના ૬૪ વર્ષના બુઢ્ઢાનું નામ જાહેર કર્યું છે.
રુટ ૯૧ હાર્વેસ્ટ કન્ટ્રી મ્યુઝિક ફેસ્ટિવલના ભાગરૂપે જાણીતો સિંગર જેસન એલડીન સ્ટેજ પર પર્ફોર્મ કરી રહ્યો હતો ત્યારે જ કોન્સર્ટના સ્થળની એકદમ નજીક આવેલી હોટેલના ૩૨મા માળેથી સ્ટીફને ઓટોમેટિક ગનમાંથી ગોળીબાર શરૂ કરી દેતાં અફડાતફડી મચી ગઇ હતી. આમાંથી કેટલાક તો વરસાદની માફક ઉપરથી વરસી રહેલી બુલેટ માથામાં વાગતાં સીધા ત્યાં જ ઢળી પડ્યા હતા.
પોલીસ હત્યારાને પકડવા તેના સુધી પહોંચી તે પહેલાં તો તેણે આત્મહત્યા કરી લીધી હતી તેમ લાસ વેગાસના શેરીફ જોસેફ લોમ્બાર્ડોએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું. લાસ વેગાસ નેવાડા રાજ્યનું શહેર છે અને ગેમ્બલિંગ હબ તરીકે પૂરી દુનિયામાં જાણીતું છે. પોલીસે ગનમેને જ્યાંથી ફાયરિંગ કર્યું હતું તે રૂમમાંથી આઠ બંદુકો કબજે લીધી છે.
બીજી તરફ, ઈરાક અને સીરિયામાં સક્રિય એવા આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)એ દાવો કર્યો છે કે આ હુમલો તેણે કર્યો છે. તેણે કહ્યું છે કે થોડા મહિના પહેલાં જ સ્ટીફને ઈસ્લામ સ્વીકાર્યો હતો. આઈએસની ન્યૂઝ એજન્સી અમાકે કહ્યું કે, અમેરિકા અને સાથી દળોએ મધ્યપૂર્વમાં કરેલા હુમલાને પગલે આ એટેક કરાયો છે. જોકે, એફબીઆઈની તપાસમાં એવું બહાર આવ્યું છે કે સ્ટીફને કોઈ ઈસ્લામ સ્વીકાર્યો નહોતો અને આ ઘટનાને આતંકવાદ સાથે કોઈ નિસબત નથી.
રવિવારે સ્થાનિક સમય પ્રમાણે રાતે દસ વાગ્યે કોન્સર્ટ ચાલી રહી હતી ત્યારે સ્ટીફને ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યું હતું. અચાનક જ ગોળીબાર શરૂ થતાં જ લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી અને ડરના માર્યા સલામત સ્થાન શોધવા લાગ્યા હતા. લાસ વેગાસ સ્ટ્રીપથી ૧૩૦ કિલોમીટર દૂર આવેલા શહેરમાં સ્ટીફન રહેતો હોવાનું પોલીસે શોધી કાઢ્યું છે.
આ ઘટનાની વિશ્વના તમામ નેતાઓએ આકરી નિંદા કરી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઘટના અંગે ઉંડુ દુ:ખ વ્યક્ત કર્યું છે જ્યારે પોપ ફ્રાન્સિસે સંવેદનહીન ઘટના અંગે પીડા વ્યક્ત કરી છે. ઘટના નજરે જોનારાઓએ કહ્યું કે, શરૂઆતમાં હત્યારાએ લાંબું ચાલે તેવું ફાયરિંગ કર્યું હતું અને તે પછી બંદુક રિલોડ કરવા માંડી હતી. કેટલાક લોકોએ કહ્યું કે, તેમને શરૂઆતમાં કાચ તૂટતો હોય તેવા અવાજો સંભળાયા હતા. તે પછી ધાણી ફૂટે તેમ ગોળીઓ છૂટી હતી.

ગનમેનની પ્રેમિકાની ધરપકડ

લાસ વેગાસ પોલીસે પોતાને હત્યારા સ્ટીફન પેડોકની પ્રેમિકા ગણાવતી મેરિલૌ ડેનલેની ધરપકડ કરી છે. પોલીસે શૂટિંગની ઘટના પછી લાસ વેગાસમાં હત્યારા સ્ટીફનના ઘર પર દરોડો પાડ્યો હતો. ડેનલે ઈન્ડોનેશિન મૂળની ઓસ્ટ્રેલિયાની નાગરિક છે અને સ્ટીફન સાથે તે રહેતી હોવી જોઈએ તેમ પોલીસનું માનવું છે. સ્ટીફનના ભાઈ એરિકે કહ્યું કે, તેનો ભાઈ આવું કૃત્ય કરે તે માન્યામાં આવતું નથી. તેણે કહ્યું કે, તે કોઈ રાજકીય વિચારધારા સાથે પણ સંકળાયેલો નહોતો. તે એકદમ સાદો માણસ હતો.
અમેરિકી રેકોર્ડ પ્રમાણે, ડેનલે ૩.૯૬ લાખ ડોલરમાં ખરીદેલા ત્રણ વર્ષ જૂના બે બેડરૂમના ઘરમાં રહે છે. એરિઝોનાની સરહદ પાસે લાસ વેગાસથી ૮૦ માઈલ દૂર આવેલા મેસ્ટીક નામના વિસ્તારમાં તેનું ઘર આવેલું છે. સ્ટીફન સાથે આ મકાનમાં તે રહેતી હતી.

હત્યારા પાસે આઠ ગન હતી

લાસ વેગાસ પોલીસે કહ્યું છે કે તેમને સ્ટીફનના હોટેલ રૂમમાંથી આઠ ઓટોમેટિક ગન મળી આવી છે. ગનમેને જ્યાંથી ફાયરિંગ કર્યું હતું તે હોટેલના ૩૨મા માળેથી તેણે આ બંદુકો જપ્ત કરી છે. તેનો અર્થ એ થયો કે ગનમેન પૂરી તૈયારી સાથે આવ્યો હતો અને તેનો ઈરાદો વધુમાં વધુ લોકોને મારી નાંખવાનો હતો.

સ્ટીફન સામે કોઇ કેસ નહોતો
લાસ વેગાસનો હુમલાખોર નેવાડાનો વતની હતો. તેના પર કોઇ ક્રિમિનલ કેસ નોંધાયેલો નથી. તે લાસ વેગાસથી ૯૦ મિનિટના અંતરે આવેલાં મેસ્કિવટ ટાઉનમાં રહેતો હતો. ૬૪ વર્ષીય સ્ટીફન પેડ્ડોક નિવૃત્ત કોર્મિશયલ પાઇલટ હતો. તેણે ૨૦૧૫માં મેસ્કિવટ ખાતે ૪ લાખ ડોલરમાં પોતાનું મકાન ખરીદ્યું હતું. તેની પાસે હંટિંગ અને ફિશિંગનાં લાઇસન્સ પણ હતા. તેની સોશિયલ મીડિયામાં કોઈ પ્રવૃત્તિ ન હોવાને કારણે તેની ગતિવિધિઓ અંગે લોકો વધારે પરિચિત નહોતાં.રુટ ૯૧

હાર્વેસ્ટ કન્ટ્રી મ્યુઝિક ફેસ્ટિવલ

લાસ વેગાસના માન્ડલે બે રિસોર્ટ ખાતે છેલ્લાં ૪ વર્ષથી ૩ દિવસના કન્ટ્રી મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરાય છે. રવિવારે આ મ્યુઝિક ફેસ્ટિવલનો અંતિમ દિવસ હતો. ૧૫ એકરમાં ફેલાયેલા કેસિનો અને રિસોર્ટમાં ૨૨,૦૦૦ લોકો હાજર હતાં અને સંગીતની ધૂનોમાં મસ્ત હતાં. હુમલાખોરે ફેસ્ટિવલમાં થઈ રહેલી આતશબાજીની આડમાં ગોળીબાર શરૂ કરતાં પહેલાં તો લોકો સમજી શક્યાં નહોતાં કે આ ગનશોટના અવાજ છે કે આતશબાજીના. રિસોર્ટ ખાતે ગોળીબાર બાદ નાસી રહેલાં લોકોમાં અને સમગ્ર લાસ વેગાસ શહેરમાં ગોળીબાર અને કારબોંબ વિસ્ફોટની અફવાઓએ જોર પકડતાં ભયનું વાતાવરણ પ્રસરી ગયું હતું. પોલીસ અધિકારી લોમ્બાર્ડોએ જણાવ્યું હતું કે, શહેરમાં ગોળીબારની અન્ય ઘટનાઓ અને કારબોંબ વિસ્ફોટોની અફવાઓ ખોટી હતી.

‘ભયાનકતા પણ હદ વટાવી ગઈ હતી’

ગોળીબાર થયો ત્યારે મ્યુઝિક ફેસ્ટિવલમાં કન્ટ્રી સિંગર જેસન એલ્ડીન સંગીતના સૂર રેલાવી રહ્યો હતો. અચાનક આતશબાજી જેવા અવાજ શરૂ થયા હતા. પોતાની આસપાસનાં લોકોને લોહીમાં લથબથ ઢળી પડતાં જોઈ લોકોમાં નાસભાગ શરૂ થઈ ગઈ હતી. જેસન એલ્ડીનને પણ મંચ છોડીને જીવ બચાવવા નાસવું પડયું હતું. હુમલા બાદ જેસન એલ્ડીને જણાવ્યું હતું કે, આજની રાત તમામ ભયાનકતાની હદ વટાવી ગઈ હતી. ઘટનાને વર્ણવવા મારી પાસે શબ્દો નથી. હું એટલું કહી શકું છું કે, હું અને મારા સાથીઓ સલામત છીએ. મૃતકોના પરિવારજનો અને ઘાયલો પ્રત્યે મારી પ્રાર્થના છે. લોકો સંગીતનો આનંદ માણવા આવ્યાં હતાં અને આ કરુણાંતિકા સર્જાઈ તેનું મને ઘણું દુઃખ છે.

ભયભીત આંખો છુપાવા જગ્યા શોધતી રહી...

કોન્સર્ટમાં અમેરિકી સિંગર જેસન એલ્ડીન પહેલા સિંગર જેક ઓવને પર્ફોમ કર્યું હતું. તે ફાયરિંગથી થોડે દૂર ઊભો હતો. સ્થાનિક મીડિયા સાથે વાત કરતા ઓવને કહ્યું હતું કે ‘લોકો બચવા માટે ચીસાચીસ કરી રહ્યા હતા. દરેકની આંખમાં ભય હતો. લોકો છુપાવાની જગ્યા શોધવા અહીં તહીં રઝળી રહ્યા હતા.’

બચવા માટે એકબીજાનો સહારો

લાસ વેગાસમાં ત્રણ દિવસ સુધી રુટ ૯૧ હાર્વેસ્ટ મ્યૂઝિક ફેસ્ટિવલ ચાલવાનો હતો, જે સ્થળે આ હુમલો થયો ત્યાં આશરે ૩૦ હજાર જેટલા લોકો એકઠા થયા હતા. ગોળીબાર હોટેલથી થઇ રહ્યો હોવાથી શું થઇ રહ્યું છે તેનો કોઇને ખ્યાલ જ ન આવ્યો. કેટલાકને આતશબાજી લાગી જોકે બાદમા ટપોટપ લોકો મરવા લાગ્યા તો નાસભાગ થવા લાગી હતી. ખુલ્લુ સ્થળ હોવાથી લોકોને બચવા માટે એકબીજાની ઓથનો સહારો લેવો પડયો.


comments powered by Disqus