આજકાલ ડબલ રોલ ધરાવતી ફિલ્મોનો ક્રેઝ વધતો જાય છે. આ વર્ષે ‘મુબારકાં’, ‘અ જેન્ટલમેન’ અને ‘જુડવા ટુ’ જેવી ડબલ રોલનો કોન્સેપ્ટ ધરાવતી ફિલ્મો વિશે દર્શકોએ સાંભળ્યું છે, પરંતુ બહુ ઓછા લોકોને જાણે છે કે ભારતીય સિનેમામાં સૌથી પહેલી ડબલ રોલવાળી ફિલ્મ કઈ હતી. આજે તમામ ટેકનોલોજીના કારણે ડબલ રોલને શૂટ અને એડિટ કરવા સરળ છે, પણ આ પ્રકારના ડબલ રોલવાળી ફિલ્મ આજથી ૧૦૦ વર્ષ પહેલાં ૧૯૧૭માં બની હતી. આ ફિલ્મનું નામ ‘લંકા દહન’ હતું અને એના દિગ્દર્શક ભારતીય ફિલ્મોના પિતામાં દાદાસાહેબ ફાળકે હતા. ‘લંકા દહન’ સાયલન્ટ ફિલ્મ હતી અને વાલ્મિકીની ‘રામાયણ’ પર આધારિત હતી.
૧૯૧૩ની પહેલી ફિલ્મ ‘રાજા હરિશ્ચચંદ્ર’ બન્યા બાદ દાદાસાહેબ ફાળકેની આ બીજી ફિલ્મ હતી. આ ફિલ્મમાં અભિનેતા અન્ના સાલુંકેએ ભારતીય ફિલ્મ ઈતિહાસમાં પહેલો ડબલ રોલ ભજવ્યો હતો. સાલુંકેએ રામ અને સીતા એમ બન્નેનું પાત્ર ભજવ્યું હતું. સામાન્ય રીતે એ જમાનામાં મહિલાઓએ ફિલ્મમાં કામ કરવું એ સામાન્ય વાત ન હતી. આથી અભિનેતા જ મહિલા પાત્ર ભજવતા હતા.

