તેલ જુઓ, તેલની ધાર જુઓ

સી. બી. પટેલ Tuesday 04th April 2017 12:57 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, અગાઉ જાહેરાત કર્યા અનુસાર ૨૯ માર્ચે બ્રિટને યુરોપિયન યુનિયન (ઇયુ) કમિશનને વિધિવત્ પત્ર પાઠવીને આ સંગઠનમાંથી નીકળી જવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. બ્રિટનના રાજકીય વર્તુળો અને સમાચાર માધ્યમોના મતે વડા પ્રધાન સુશ્રી થેરેસા મેએ લખેલા આ છ પાનના પત્રમાં વિવેક તેમજ સન્માન સાથે મક્કમતાનો સૂર ગુંજે છે. કેટલાક વળી એવું માને છે કે બ્રિટિશ સરકારે, અને તેના દ્વારા યુનાઇટેડ કિંગ્ડમના પ્રજાજનોએ આ બિનજરૂરી જુગાર ખેલવાની શરૂઆત કરી છે. અગોચરમાં પ્રવેશવું જરૂરી હતું ખરું?!
કેટલાક માને છે કે આ માટે ભ્રામક સ્વાભિમાન કારણભૂત છે તો કેટલાકને વળી આ માટે અહં વધુ કારણભૂત જણાય છે. જ્યારે સરકાર હવે સમજતી લાગે છે કે યુરોપિયન યુનિયનમાંથી નીકળી જવાનું પગલું બેધારી તલવાર પર ચાલવા જેવું છે. બુધવાર ૨૯ માર્ચે પાર્લામેન્ટમાં ‘બેડ ડીલ’ અને ‘નો ડીલ’ની નોબત વાગી.
જો તમે યુરોપિયન યુનિયનમાંથી નીકળી જવાના - બ્રેક્ઝિટ સમયપત્રક પર નજર ફેરવશો તો જણાશે કે એક મહિના બાદ - ત્રીજી મેથી યુરોપિયન કમિશન અને બ્રિટિશ સરકાર દ્વારા નિયત થયેલા પ્રતિનિધિઓ વચ્ચે વાટાઘાટોનો દોર શરૂ થશે. આ પૂર્વે એક મહત્ત્વના મુસદ્દા પર મંત્રણા થશે, જેના કેન્દ્રસ્થાને હશે યુરોપિયન યુનિયનનું સભ્યપદ ધરાવતા - યુનાઇટેડ કિંગ્ડમ સિવાયના - ૨૭માંથી ૨૦ દેશોની સંમતિ. બ્રિટનને ઇયુમાંથી નીકળવા માટે ૬૫ ટકા દેશોની સંમતિ મળવી આવશ્યક છે.
આ તમામ પરિબળો સાથે સવા - સવા મણના જો અને તો સંકળાયેલા છે. જો આમ થશે તો તેમ થશે અને જો તેમ થશે તો આમ થઇ શકે છે... બ્રિટન તરફથી મંત્રણા કરનાર પ્રતિનિધિ મંડળની આગેવાની એમપી અને કેબિનેટ પ્રધાન ડેવિડ ડેવિસ કરશે. આ વાટાઘાટો જૂન ૨૦૧૭થી શરૂ થશે અને ઓક્ટોબર ૨૦૧૮ સુધી ચાલશે. આ તેની નિયત સમયમર્યાદા છે. બન્ને પક્ષકારોએ સાથે મળીને સમજૂતીના જે મુસદ્દાને તૈયાર કરશે તેને ઇયુ પાર્લામેન્ટમાં તેમજ બ્રિટિશ પાર્લામેન્ટમાં બહુમતીથી મંજૂર કરાવવાનો રહેશે. એટલું જ નહીં, યુરોપિયન કાઉન્સિલના ૨૭માંથી ૨૦ દેશોની પણ તેને મંજૂરી મળવી આવશ્યક છે. આમ બધું સમુસૂતરું પાર પડે તો (અને તો જ) બ્રિટન વિધિવત્ રીતે માર્ચ ૨૦૧૯માં યુરોપિયન યુનિયનમાંથી છૂટ્ટું પડી શકે.
પ...ણ જો આ સમયગાળા દરમિયાન બન્ને પક્ષકારો વચ્ચે સંમતિ સાધી ન શકાય તો શું? વાટાઘાટનો સમયગાળો લંબાવવાની પણ તેમાં જોગવાઇ છે. આનો અર્થ એવો થયો કે છૂટા પડવું છે, છૂટાછેડા લેવા જ છે તેવી મનોકામના કે ઇચ્છા હોવા છતાં તેની શરતો બાબત હજુ ભેંશ ભાગોળે છાશ છાગોળે ને ઘેર ધમાધમ જેવો મામલો છે. બધા આ વાત જાણે છે અને આમ છતાં સહુ કોઇ વાતોના વડા કરવા માટે રણે ચઢ્યા છે. છૂટા પડવું છે ચોક્કસ, પણ નક્કી નહીં.
બ્રિટિશ સરકાર વૈશ્વિક પ્રભાવ વધારવા અને સવિશેષ યુરોપિયન યુનિયન સાથેની વાટાઘાટમાં પોતાનો પક્ષ મજબૂત કરવા માટે આકાશપાતાળ એક કરી રહી છે. વડા પ્રધાન થેરેસા મે અમેરિકા જઇને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળી આવ્યા છે. ભારત જઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી આવ્યા છે. ચીન પણ જઇ આવ્યા છે, અને હવે તેઓ ગલ્ફ દેશોના પાંચ દિવસના પ્રવાસે છે. કંઇક વધુ મેળવવાની અપેક્ષા રાખવામાં કશું ખરાબ નથી, પરંતુ ભર્યું ભાણું ઠુકરાવી દેવું અને પછી નવેસરથી રાંધવા બેસવામાં કેટલું ડહાપણ છે?
બ્રિટિશ સરકારે ઇયુને પાઠવેલા છ પાનના પત્રમાં યુરોપિયન ‘સલામતી’ શબ્દનો ઉપયોગ એવો બખૂબી કરવામાં આવ્યો છે કે જાણે એવું જ લાગે કે બ્રિટન છૂટાછેડા લઇને યુરોપિયન યુનિયનમાંથી અલગ થશે એટલે યુરોપિયન દેશોને - સવિશેષ સામ્યવાદી દેશો રશિયા, ચીન કે આતંકવાદ જેવા સંભવિત પ્રતિસ્પર્ધી સાથે ટક્કર ઝીલવામાં આ ૨૭ દેશોને ફેણ પડી જશે. અલ્યા ભાઇ, શું કરવા ભ્રમમાં રહો છો?
ધારો કે યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન નીકળી ગયું તો પણ NATO (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન)માં તો બ્રિટન અમેરિકા પછીના સૌથી મહત્ત્વના દેશ તરીકે જોડાયેલો રહેવાનો જ છે તે કોઇએ ભૂલવું જોઇએ નહીં.
વાચક મિત્રો, એક બીજી પણ ઘણી જ મહત્ત્વની બાબત બ્રિટિશ રાજકારણીઓ કે સમાચાર માધ્યમો અવગણી રહ્યા છે. પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધમાં બ્રિટનનું જે અનુદાન હતું તેમાં બ્રિટિશ સામ્રાજ્યનો ભરપૂર સથવારો, મજબૂત યોગદાન હતું. તે વેળા ભારત બ્રિટિશ સામ્રાજ્યનું કોલોની હતું. પ્રથમ વિશ્વયુદ્ધમાં ૧૪ લાખ બ્રિટિશ ઇંડિયન સૈનિકો સીધા જ યુદ્ધમાં જોડાયા હતા. જ્યારે બીજા લાખો સૈનિકો શસ્ત્રસરંજામના ઉત્પાદન સહિત અન્ય લશ્કરી સેવાઓમાં સક્રિયપણે સામેલ હતા. બ્રિટિશ ઇંડિયન સરકારની તિજોરીએ તે વેળા બ્રિટિશ હિતના જતન માટે અબજો રૂપિયા ન્યોછાવર કર્યા હતા. રાજા-મહારાજા, નવાબો કે રાવસાહેબો જેવા ઇલકાબધારી ધનપતિઓએ વાઇસરોય અને બ્રિટિશ ગવર્નરોને ખુશ કરવા માટે અફાટ ધનદોલત બ્રિટિશ તાજના ચરણે ધરી દીધી હતી.
પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ બીજા વિશ્વયુદ્ધ વખતે તો બ્રિટિશ સામ્રાજ્ય હેઠળના દેશોનું વિશેષ યોગદાન હતું તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. જર્મની સામે બ્રિટનને કટોકટીનો જંગ ચાલતો હતો. તે વેળા બ્રિટિશ ઇંડિયા તરફથી ૪૨ લાખ સૈનિકો બ્રિટન અને મિત્ર દેશોની પડખે રહીને લડ્યા હતા. આ લોહિયાળ સંઘર્ષમાં ૭૪ હજાર ઈન્ડિયન સૈનિકો મોતના મુખમાં હોમાઇ ગયા હતા અને ઇજાગ્રસ્તોના આંકડાની તો કોઇ ગણતરી જ નહોતી. તે વેળા બ્રિટિશ ઇંડિયન તિજોરીએ ૮૦૦ મિલિયન પાઉન્ડની જંગી રકમનું બ્રિટનને ધિરાણ કર્યું હતું. આજના ભાવે ગણો તો ૩૦ બિલિયન પાઉન્ડ થાય.
ભારતના રાજદ્વારી અને સ્કોલર શશી થરુરે લખેલા ‘ઇનગ્લોરિયસ એમ્પાયર’ નામના બહુચર્ચિત પુસ્તકમાં આ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી છે. બ્રિટિશ સામ્રાજ્ય દરમિયાન સૌથી વધુ માનવશક્તિ અને આર્થિક સહાય બ્રિટિશ ઇંડિયા તરફથી તો મળી જ છે, પરંતુ બ્રિટિશ સામ્રાજ્ય કોલોનીના અન્ય દેશો ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ, કેનેડા, મલેશિયા, સાઉથ આફ્રિકા સહિતના આફ્રિકન દેશો પાસેથી પણ ‘મદદ’ના નામે અધિકારપૂર્વક અઢળક સહાય મેળવતું હતું.
બ્રિટને એ ન ભૂલવું જોઇએ કે આ સમય હવે ભૂતકાળ બન્યો છે. આજે ‘સામ્રાજ્ય’ નથી. બ્રિટિશ ઇંડિયા જેવા સબળા આર્થિક દેશોનો સહારો પણ નથી. આ સંજોગોમાં ન કરે નારાયણ અને લશ્કરી કટોકટીના સંજોગો સર્જાય તો ભારે પડી જાય. બ્રિટને એકલા હાથે જ આર્થિક માર અને ભાર વેંઢારવો પડે. યુરોપિયન યુનિયનના ૨૭ દેશો આ વાસ્તવિક્તાથી પરિચિત છે. ‘સલામતી’નું ડિંડવાણું આગળ કરીને બ્રિટન નાજુક વાટાઘાટ વેળા પોતાનું પલ્લું નીચું રાખવામાં સફળ થાય તેવી લેશમાત્ર સંભાવના જણાતી નથી.

કોથળીમાંથી....

બ્રિટને ગયા બુધવારે યુરોપિયન યુનિયનના બંધારણની ૫૦મી કલમ અનુસાર સંગઠનમાંથી નીકળી જવાની અરજી તો કરી છે, પરંતુ આ તો પાશેરામાં પહેલી પૂણી છે. અત્યારથી જ બ્રિટિશ સરકારના કેટલાક પ્રવક્તાઓ, લંડનના મેયર સાદિક ખાન તેમજ અખબારી માધ્યમો તાકીદ કરી રહ્યા છે કે યુરોપિયન યુનિયનના ૨૭ દેશોએ બ્રિટનને કોઇ પણ પ્રકારની સજા કરવાનો અભિગમ ન રાખવો જોઇએ.
આ તો અત્યારથી જ એક તરફ ગર્ભિત ધમકી તો બીજી બાજુ કાકલૂદી જેવો ઘાટ થઇ રહ્યો છે. હકીકત સ્પષ્ટ છે - એક બાજુ બ્રિટન બ્રેક્ઝિટ રેફરન્ડના પગલે ઇયુમાંથી ફારગતિ લેવા માગે છે તો બીજી તરફ તારી સાથે રહીશ નહીં અને મારે ઘરે જઇશ નહીં તેવું જક્કી વલણ પણ ધરાવે છે. આવો અભિગમ રાજકારણમાં કે જનજીવનમાં અવાસ્તવિક અને અયોગ્ય જ ગણવો રહ્યો. અગાઉ આપણે આ જ કોલમમાં ચર્ચા કરી ચૂક્યા છીએ તે અનુસાર, સ્કોટલેન્ડ બાબતમાં યુનાઇટેડ કિંગ્ડમ સરકારને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્કોટલેન્ડ સરકારના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને તો ગયા શુક્રવાર ૩૧ માર્ચે જ ખુલ્લેઆમ ઘોષણા કરી દીધી છે કે યુરોપિયન સંદર્ભે નવી સ્થિતિમાં સ્કોટલેન્ડ સ્વતંત્ર દેશ બને તે બાબત રેફરન્ડમ અનિવાર્ય છે.
નોર્ધર્ન આયર્લેન્ડ બાબતમાં તો બ્રિટિશ સરકાર અને આઇરિશ સરકાર માટે મા મને કોઠીમાંથી કાઢ જેવી કફોડી હાલત સ્પષ્ટ જોઇ શકાય છે. બ્રિટનની સૌથી જૂની કોલોની (આઈરિશ રિપબ્લિક) અને હાલ યુનાઇટેડ કિંગ્ડમ સાથે જોડાયેલા નોર્ધન આયર્લેન્ડ વચ્ચે લોકોની આવનજાવન કે વેપારવણજ સહિતની આર્થિક લેવડદેવડ માટે કોઇ અંકુશ નથી, સરહદ નથી. બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી નીકળી જવા આતુર છે, પણ આઇરિશ સરકાર સ્પષ્ટ જણાવે છે કે તેના હિત યુરોપિયન યુનિયનમાં વધારે આવકાર્ય છે. આ સંજોગોમાં નોર્ધર્ન આઇલેન્ડ અને આઇરિશ પ્રજાસત્તાક વચ્ચે પ્રતિ સપ્તાહ એક બિલિયન પાઉન્ડનો વેપલો થઇ રહ્યો છે તેનું શું કરવું? બ્રિટિશ સરકાર હજુ સુધી તો આ પ્રશ્નનો જવાબ શોધી શકી નથી.

•••

જિબ્રાલ્ટરનો જટિલ મુદ્દો

ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર વચ્ચે યુગોથી જિબ્રાલ્ટરનો ખડક ઊભો છે. ત્રણસો એક વર્ષથી બ્રિટન તેના પર કબજો ધરાવે છે. બ્રિટન જિબ્રાલ્ટરને યુનાઇટેડ કિંગ્ડમનો જ એક ભાગ ગણી રહ્યું છે. અહીંની વસ્તી માંડ ૪૦ હજાર હશે, અને તેમાં પણ ૩૫૦૦થી ૪૦૦૦ તો ભારતવંશી છે. આમાંય મુખ્યત્વે સિંધી છે. ૯૭ ટકા જિબ્રાલ્ટરવાસીઓ પોતાને બ્રિટનનું અવિભાજ્ય અંગ સમજી રહ્યા છે. જ્યારે સ્પેન જિબ્રાલ્ટરને પોતાનો પ્રદેશ ગણાવવા માટે આકાશપાતાળ એક કરતું રહ્યું છે. આ મુદ્દે વારંવાર તણાવ પણ જોવા મળે છે.
કેટલાક બ્રિટિશ પ્રધાનોએ ખુલ્લેઆમ જણાવ્યું છે કે જિબ્રાલ્ટરના ખડકને યુનાઇટેડ કિંગ્ડમમાં રાખવા માટે જરૂર પડે તો સ્પેન સાથે અમે યુદ્ધ આદરવા વિચારશું. જોકે વડા પ્રધાન થેરેસા મેએ સોમવારે તેમના મધ્ય પૂર્વના પ્રવાસ દરમિયાન સ્પષ્ટ કહ્યું છે કે આવી યુદ્ધની કોઇ બાબત વિચારાધિન નથી.
છેલ્લા ૭૦ વર્ષમાં યુરોપમાં કોઇ મોટું યુદ્ધ થયું નથી તેનો યશ યુરોપિયન યુનિયનને આપવો જ ઘટે. ‘બ્રેક્ઝિટ’ બાદ યુનાઇટેડ કિંગ્ડમ તેમજ યુરોપના બાકીના ૨૭ દેશો વચ્ચે અવનવા મતભેદો ઉભા થતા શંકા-કુશંકા-સંશયના વરવા રૂપ બહાર આવી રહ્યા છે અને વધુને વધુ આવતા રહેશે.
હવે આ જ ‘ખેંચતાણ’ને આપણે યુરોપિયન યુનિયન સંદર્ભે નિહાળીએ... ૨૭ દેશોના બનેલા યુરોપિયન યુનિયનમાં સ્પેન મહત્ત્વનું સ્થાન ધરાવતો દેશ છે. આમ સ્પેન અને યુરોપિયન યુનિયન અથવા તો બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચેની મંત્રણા કે સમજૂતીમાં સ્પેનનો અભિગમ, વીટો (વિશેષાધિકાર) ખૂબ નિર્ણાયક ભૂમિકા ભજવશે તે સ્પષ્ટ છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્પેનની આડોડાઇ બ્રિટન સરકારના માથે દુઃખનું ઝાડવું નહીં, પણ જંગલ ઉગાડશે તેમાં બેમત નથી.

સાઠે બુદ્ધિ નાઠી

યુરોપિયન એકીકરણની પ્રક્રિયા શરૂ થયાને પહેલી એપ્રિલે બરાબર ૬૦ પૂરા થયાં. યોગાનુયોગ વડા પ્રધાન થેરેસા મેના ૨૯ માર્ચના પત્રના ત્રીજા દિવસે - પહેલી તારીખે મીટિંગ થઇ તેમાં આ પ્રસંગની ઉજવણી પણ કરવામાં આવી. જોકે ખરેખર તો આને ઉઠમણાંનો આરંભ ગણવો રહ્યો. ઇયુ માટે તો સાઠે બુદ્ધિ નાઠી તેવો ઘાટ થયો છે.

પાણી પહેલાં પાળ બાંધવા પ્રયાસ

બ્રિટન જાણે છે કે યુરોપિયન યુનિયન સાથે છેડો ફાડ્યા બાદ વેપાર-વણજ પર વિપરિત અસર થઇ શકે છે. આથી જ તેણે પાણી પહેલાં પાળ બાંધવાનું શરૂ કરી દીધું છે. બ્રિટિશ સરકાર અન્ય દેશો સાથે ટ્રેડ એગ્રીમેન્ટ કરવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે. વડા પ્રધાન થેરેસા મે એક પછી એક દેશોની મુલાકાત લઇ રહ્યા છે તો નાણાં પ્રધાન, વિદેશ પ્રધાન, સંરક્ષણ પ્રધાન અને ટ્રેડ મિનિસ્ટર પણ કંઇ કેટલાય દેશોની મુલાકાતે જઇ આવ્યા છે કે જવાની યોજના ઘડી રહ્યા છે.
વળી અહીં એક નવું ચક્કર એ ચાલ્યું છે કે યુરોપિયન યુનિયનમાંથી નીકળી ગયા બાદ રાષ્ટ્ર સમૂહના દેશો સાથે કોમનવેલ્થ ૨.૦ સ્વરૂપનું એક આર્થિક અને વ્યાપારિક સંગઠન ઉદભવી શકે છે. ૧૦૦ વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, કેનેડા, સાઉથ આફ્રિકા, ઇંડિયા તેમજ અન્ય કોલોની સાથે બ્રિટન ઇમ્પિરિયલ ટ્રેડ પ્રેફરન્સની વાત ચલાવતું હતું. ખરેખર તો આ પ્રેફરન્સ બ્રિટનના હિતાર્થે, દૃષ્ટિકોણથી નક્કી થતો હતો. હવે આ બધા દેશો સ્વતંત્ર થઇ ગયા છે. હવે ત્યાં બ્રિટનની હકુમત ચાલતી નથી તે લાગતાવળગતાઓએ લક્ષમાં લેવું જ રહ્યું.

•••

લાભ કરતાં નુકસાન વધતું જણાય તો....

બ્રિટિશ પ્રજા હોય કે શાસકો, તેઓ હંમેશા એ મુદ્દે આતુર રહ્યા છે કે ઇતિહાસ તેમની નોંધ લે. સાડા છ કરોડની વસ્તી ધરાવતો એક ટચુકડો, દોઢ ટાપુનો બનેલો આ દેશ વૈશ્વિક સ્તરે ભારે પ્રભાવ પ્રાપ્ત કરી શક્યો છે. જોકે હવે દેશના આર્થિક-રાજકીય સંજોગો બદલાઇ શકે છે. એક બાજુ યુરોપિયન યુનિયનમાંથી અલગ થવા અરજી કરવામાં આવી છે, દુનિયાભરના દેશો સાથે વેપાર તેમજ અન્ય પ્રકારના સંબંધોની સાંઠગાંઠમાં ફેરવિચારણા જરૂરી બની છે ત્યારે બ્રિટિશ નેતાઓએ અને જનસાધારણે સ્પષ્ટ વિચારી લેવું રહ્યું કે ભાવિ પેઢી અત્યારના વહીવટકર્તાઓને કઇ રીતે મૂલવશે.
વાચક મિત્રો, આપણામાંથી ઘણા લોકોએ એક યા બીજા સમયે વડીલોને એવું બોલતાં સાંભળ્યા હશે - હાથમાં તે સાથમાં. આ ઉક્તિમાં જીવનના અનુભવનો અર્ક સમાયેલો છે. આ ઉક્તિ દર્શાવે છે તમારી પાસે અત્યારે - વર્તમાનમાં શું છે તેનું મહત્ત્વ સમજો. ભવિષ્યમાં વધુ મેળવવાની લાલચમાં અત્યારે હાથમાં રહેલી તક વેડફી ન નંખાય. આ ઘડીએ તમારી પાસે જે કંઇ છે તેને હોડમાં મૂકીને વધુ સારા (આર્થિક કે અન્ય કોઇ પણ પ્રકારના) લાભ કે સંજોગો માટે વલખાં મારવાનું ઉલમાંથી ચૂલમાં પડવા જેવું તો સાબિત નહીં થાયને?
એક બીજી અતિશય મહત્ત્વની બાબત પણ બ્રિટિશ અગ્રણીઓ વિસરી જતા હોય તેમ લાગે છે. વિશ્વમાં, સવિશેષ તો વિકસિત દેશો અને સમાજમાં બ્રિટન તેની સભ્યતા, મેનર્સ માટે માનવંતુ સ્થાન ધરાવે છે. અન્ય દેશોના મુકાબલે થેન્ક્સ, સોરી, માય એપોલોજીસ જેવા શબ્દો સહજ રીતે ઉચ્ચારાય છે. એ પણ સ્વીકારવું રહ્યું કે કોઇ પણ નાનું-મોટું ઘર્ષણ કે મતભેદ હોય, પછી તે બે સંસ્થા વચ્ચે હોય કે બે દેશ વચ્ચે હોય - ભૂલ્યા ત્યાંથી ફરી ગણો તે ન્યાયે ક્ષમાયાચના કરીને આગળ ન વધી શકાય?
આ અર્થમાં મૂલવીએ તો... બે વર્ષ પછી પણ ઉભય પક્ષને સ્વીકાર્ય સમજૂતી સધાવાની શક્યતા જો ચોક્કસ-અચોક્કસના લોલક પર નિર્ભર હોય તો પછી અત્યારે અહંની ટંગડી ઊંચી રાખવાના બદલે પોતાની મૂંછ નીચી કરીને એવું કેમ ન કહી શકાય કે ૨૯ માર્ચ, ૨૦૧૭ના રોજ યુરોપિયન યુનિયનથી અલગ થવાનો જે પ્રસ્તાવ મૂક્યો છે તેને પરત લઇએ છીએ...
ડાહ્યોડમરો, પરિપકવ, રાજકીય મુત્સદ્દીગીરી માટે જગવિખ્યાત એવો આ દેશ બ્રેક્ઝિટ મુદ્દે શા કારણે આંધળુકિયા કરી રહ્યો હશે?
ઘણું માથું ખંજવાળ્યું, મને તો જવાબ નથી મળ્યો. વાચક મિત્રો, જરા તમે પણ ટ્રાય કરજો ને... (ક્રમશઃ)

•••


comments powered by Disqus