વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓમાં પ્રિયંકા ચોપરા બીજા સ્થાને

Wednesday 05th April 2017 08:05 EDT
 
 

લોસ એન્જલસઃ બોલીવૂડ પછી હોલીવૂડમાં પણ સ્થાન જમાવનારી ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ વિશ્વમાં બીજા ક્રમની સૌથી સુંદર સ્ત્રીનું સન્માન મેળવ્યું છે. લોસ એન્જલસ સ્થિત ફોટો, જર્નલ અને વીડિયો શેરિંગ સોશિયલ મીડિયા નેટવર્ક બઝનેટ દ્વારા કરાયેલા ઓનલાઈન પોલમાં પોપ દિવા બિયોન્સ પ્રથમ ક્રમે રહી હતી. જોકે, ૩૪ વર્ષીય પૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકાને તેનો અફસોસ નથી કારણ કે તે ખુદ બિયોન્સને અતિ સુંદર ગણાવે છે. પ્રિયંકા ચોપરાના ચાહકો અને પ્રશંસકો ઓનલાઈન પોલના પરિણામોથી ઉત્સાહમાં આવી ગયા છે.
‘ક્વોન્ટિકો’ સીરિઝની સ્ટાર પ્રિયંકાએ વિશ્વપ્રસિદ્ધ સુંદરીઓ એન્જલિના જોલી, એમા વોટસન, બ્લેક લાઈવલી અને મિશેલ ઓબામાને પાછળ રાખીને આ બહુમાન પ્રાપ્ત કર્યું છે. મોહિત કરે તેવો કરિશ્મા અને કુદરતી અભિનયસજ્જતાના જોરે આગળ વધેલી પ્રિયંકા હોલીવૂડમાં પણ મક્કમ પગલે આગળ વધી રહી છે. પ્રિયંકાએ તેને મત આપવા બદલ પ્રશંસકોનો આભાર માનવા ટ્વીટર પર જણાવ્યું હતું કે, ‘બઝનેટ અને મત આપનારા તમામનો આભાર. બિયોન્સ મારાં માટે પણ નંબર વન છે.’
વિશ્વની સૌથી સુંદર સ્ત્રી માટેની સ્પર્ધામાં ૭૦ લાખથી વધુ લોકોએ મતદાન કર્યું હતું. આ યાદીમાં ૨૦૧૬-૨૦૧૭ની સૌથી મજબૂત, બુદ્ધિશાળી, મનમોહક, લોકપ્રિય, આકર્ષક અને સફળ સ્ત્રીઓનો સમાવેશ થયો હતો.
વર્લ્ડ્સ મોસ્ટ બ્યુટિફૂલ વુમન ઓફ ૨૦૧૭ની યાદીમાં મોડેલ અને વિક્ટોરિયા’સ સિક્રેટ એન્જલ ટેલર હિલ્સ ત્રીજા સ્થાને છે, જ્યારે એમા વોટસન અને ડાકોટા જ્હોન્સન અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે. યુએસએના પ્રમુખપદ માટે ડેમોક્રેટિક પાર્ટીના પૂર્વ ઉમેદવાર હિલેરી ક્લિન્ટને છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું. સાતથી ૧૦મા સ્થાનમાં અનુક્રમે ઓસ્ટ્રેલિયન અભિનેત્રી માર્ગોટ રોબી, હોલીવૂડ સ્ટાર એન્જેલિના જોલી, તુર્ક અભિનેત્રી ફહરીય એવસેન અને ‘બેવોચ’ની અભિનેત્રી એલેકઝાન્ડ્રા ડડ્ડારિઓ છે.
‘બ્યૂટી એન્ડ ધ બીસ્ટ’ની અભિનેત્રી એમા સ્ટોનનો આ યાદીમાં ૧૨મો ક્રમ છે, જ્યારે પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાએ ૨૧મો ક્રમ મેળવ્યો છે. ટોપ-૩૦ની યાદીમાં ગીગી હાદિદ (૧૩), એશ્લે ગ્રેહામ (૧૫), બ્લેક લાઈવલી (૧૭), ઓપરાહ વિન્ફ્રે (૨૨), મોડેલ નાઓમી કેમ્પબેલ (૨૭) અને એલિસિયા વિકાન્ડર (૨૯)નો પણ સમાવેશ થયો છે.


comments powered by Disqus