શાકાહાર આરોગ્ય માટે શ્રેષ્ઠ છે, પણ કોઈના સ્વાદ પર અંકુશ ન મૂકી શકાયઃ યોગી

Wednesday 05th April 2017 08:30 EDT
 
 

નવી દિલ્હીઃ યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું છે કે ગેરકાયદે કતલખાના સામે કાર્યવાહી કોઈ મનમાની નથી. સરકાર ફક્ત એનજીટી અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ લાગુ કરી રહી છે. તેમણે કહ્યું કે ભલે શાકાહાર સ્વાસ્થ્ય માટે સારો છે, પણ હું કોઈના સ્વાદ પર અંકુશ લગાવી ન શકું. તેમણે યુપીના મુખ્ય પ્રધાન બન્યા પછી આરએસએસના મુખપત્ર ‘પાંચજન્ય’ને આપેલા પ્રથમ ઈન્ટરવ્યૂમાં આ પ્રકારની ઘણી રસપ્રદ વાતો કરી તેના અંશો...
સવાલ: વિદેશી અખબાર અને દેશનો એક તબક્કો તમારો વિરોધી બની રહ્યો છે. ટીકાઓ વિશે શું કહેવા માગશો?
જવાબ: ભગવાધારી મુખ્ય પ્રધાન બની ગયો એટલે ઘણાને માઠું લાગશે. સેક્યુલરિઝમ, તુષ્ટિકરણના નામે દેશની પરંપરા અને સંસ્કૃતિને અપમાનિત કરનારાને તેમનું અસ્તિત્વ ભયમાં દેખાય છે. મારા વિશે નકારાત્મક ટિપ્પણીઓ તો કરતા રહેશે. મને કોઈ પરવાહ નથી. અમારું કામ બોલશે કે અમે શું છીએ.
સવાલ: રાજ્યમાં તાજેતરનાં ભૂતકાળમાં ઘણાં કોમી તોફાનો થયાં હતાં. તેની પાછળ તંત્રનું કૂણું વલણ જવાબદાર હતું કે બીજું કોઇ કારણ હતું?
જવાબ: અગાઉની સરકાર ખોટા હાથોમાં હતી. શાસકો તોફાનીઓને સંરક્ષણ આપે, સરકારી વિમાનથી બોલાવીને સન્માનિત કરે તો તેમનું દુ:સાહસ વધવાનું. અમે તંત્રને કહ્યું છે કે ચહેરો જોઇને કાર્યવાહી કરો.
સવાલ: લોકો કહે છે કે માંસનું ગેરકાયદે વેચાણ કરતા હોય તેમની સામે કડક વલણ લીધું છે. તમે લોકોના સ્વાદને ખલેલ પહોંચાડી છે ?
જવાબ: હું કંઇ મનમાની તો નથી કરતો. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ૨૦૧૫માં અને સુપ્રીમ કોર્ટે ૨૦૧૭માં યુપીમાં ગેરકાયદે કતલખાનાં મામલે રાજ્ય સરકારને આદેશ કર્યાં હતાં. અમે કાર્યવાહી કરી. જેની પાસે લાઇસન્સ છે તેને કોઇ તકલીફ નહીં પડે. રહી વાત સ્વાદને ખલેલની તો શાકાહાર સ્વાસ્થ્ય માટે સારો છે પણ દરેક વ્યક્તિનો પોતાનો સ્વાદ હોય છે. મને તેના પર પ્રતિબંધ લાદવાનો અધિકાર નથી.
સવાલ: અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિનો મુદ્દો ફરી મંત્રણા તરફ પાછો ફરતો જણાઇ રહ્યો છે. તમારી શું ભૂમિકા હશે?
જવાબ: બંને પક્ષો મંત્રણા દ્વારા માર્ગ શોધે. તેમાં ક્યાંક સહયોગ કરવો છે, તો સરકાર સહમત છે. સૌહાર્દપૂર્ણ રીતે સમાધાન થાય તો સારું રહેશે. જે લડાઇ હતી તે ૨૦૧૦ની ૩૦મી સપ્ટેમ્બરના ચુકાદાથી સ્પષ્ટ થઇ જાય છે. બધું સ્પષ્ટ છે તો મંત્રણાથી સમાધાન સારું રહેશે.


    comments powered by Disqus