લંડનઃ ક્રેડિટ કાર્ડની વિગતો તફડાવીને ૪૫,૦૦૦ પાઉન્ડના ટ્રાન્ઝેક્શન કરનાર ઈલ્ફર્ડના ૨૮ વર્ષીય દીપ માનને આઈલવર્થ ક્રાઉન કોર્ટે ગત ૨૬ જૂને બે વર્ષની જેલની સજા ફરમાવી હતી. માને છેતરપિંડી દ્વારા ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ અને ૩૦ જાન્યુઆરી ૨૦૧૬ વચ્ચે અમેરિકન ક્રેડિટ કાર્ડધારકોની વિગતો મેળવીને કિંમતી સામાન ખરીદ્યો હતો. આ કિસ્સાને લીધે હવે ક્રેડિટ કાર્ડ મર્ચન્ટે ફોન પર વેપાર બંધ કરી દીધો છે. આવી ખરીદી હવે સ્ટોરમાં ગ્રાહકની હાજરીમાં ચીપ અને પીન પ્રોસેસ દ્વારા જ કરવાની ફરજિયાત બનાવાઈ છે.
માન ફોન દ્વારા ઈલિંગ, મેર્ટન, બ્રોમ્લી, રેડબ્રીજ, એસેક્સ અને હર્ટફર્ડશાયર બરોની શોપ્સમાંથી વોશિંગ મશીન, ટબ્મલ ડ્રાયર્સ, ઈલેક્ટ્રીક અને પ્લમ્બીંગનો સામાન, વુડ ફ્લોરિંગ અને ટાઈલ્સ ખરીદતો હતો. ક્રેડિટ કાર્ડની વિગતો અપાઈ જાય પછી તે સામાન લેવા માટે લોકલ કુરિયર સર્વિસનો સંપર્ક સાધતો અને પોતાના ઘરથી દૂર અલગ અલગ જગ્યાએ કુરિયર સર્વિસવાળા પાસેથી તેની ડિલિવરી લેતો હતો.
એક કાર્ડધારકે પોતે ખરીદી જ ન કરી હોવા છતાં તેના બિલ માટે બેંકમાં તપાસ કરતા ઠગાઈ થઈ હોવાનું બહાર આવ્યું હતું. ઈલિંગના સીઆઈડી ઓફિસરોએ ૨૯ જાન્યુઆરીએ તેને ઈલ્ફર્ડમા કુરિયર સર્વિસ પાસેથી સામાનની ડિલિવરી લઈને પોતાની વાનમાં મૂકતા જોયો હતો. વાનની તલાશી લેતા એક ક્રેડિટકાર્ડ સાથે ૧૩૦૦ પાઉન્ડનો સામાન મળતા ખોટી રજૂઆત બદલ તેની ધરપકડ કરાઈ હતી. તેના ઘરની તપાસમાં તેણે ૪૫,૦૦૦ પાઉન્ડથી વધુ રકમનો સામાન ખરીદ્યો હોવાનું જણાયું હતું.
માનની માલિકીની કોઈ સંપત્તિ ન હોવાથી પીડિતોને વળતર ચૂકવવા માટે કોર્ટ તેને આદેશ કરી શકી ન હતી.

