ગાગરમાં સાગર સમાવવાનો પ્રયાસ

જીવંત પંથ

સી. બી. પટેલ Wednesday 05th July 2017 06:52 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણા સહુના જીવનને એક યા બીજી રીતે વધુ સ્પર્શતા કેટલાક મુદ્દાઓ વિશે આપ સહુ સમક્ષ આજે રજૂઆત કરવાની મારી ઇચ્છા છે. જોકે આ સપ્તાહે વાતોના વિષય જ એટલા બધા છે કે મનોમન મીઠી મૂંઝવણ અનુભવી રહ્યો છું કે આપની સેવામાં શું સાદર કરવું અને શું નહીં. કલમ આજે કોલમની બહાર નીકળી જાય તો પણ નવાઇ નહીં, અને આ પછી પણ વાત પૂરી થશે કે કેમ વાતે મને શંકા છે. ખેર, અત્યારે તો મારો પ્રયાસ ગાગરમાં સાગર સમાવવાનો છે. ઇશ્વરેચ્છા બલિયસી...

વ્યસનમુક્તિ

આ શબ્દો તો પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ અને નરેન્દ્ર મોદી જેવા મહાનુભાવો વાપરે, પણ સાચા અર્થમાં વ્યક્તિએ વ્યસનનો વળગાડ કેમ કરીને દૂર કરવો તેની વિચારણા કે ઝૂંબેશ હોય છેને? આધિ-વ્યાધિ-ઉપાધિ સૌને વળગતી હોય છે. આયુષ્ય, આરોગ્ય, આર્થિક બાબત, અંગત જીવનમાં ઉથલપાથલ કે તેના જેવા અનેક પ્રશ્નો માનવીને સતાવે, મૂંઝવે તેમાં કંઇ નવાઇ નથી. આ પણ સહજ છે.
બ્રિટનમાં તો શાળાના શિક્ષકો જે તનાવ અનુભવે છે તે માટે ટીચર્સ યુનિયન અને બીજા બધા વર્ષોથી ખૂબ ચિંતિત છે. શિક્ષકોને આ માટે તેમના હેડ માસ્તર કે સ્કૂલ ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો કે નેશનલ હેલ્થ સર્વીસ દ્વારા ચિકિત્સા પૂરી પાડવામાં આવે છે. તો પણ આ જે તનાવ છે, ડિપ્રેશન છે તે એટલું બધું પીડાજનક હોય છે કે ચાર કે સાત વર્ષની ટીચર્સ ટ્રેનિંગ બાદ ડિપ્લોમા કે ડિગ્રી મેળવ્યા હોય તો પણ શિક્ષકોનું આરોગ્ય કથળી જાય છે.
લેહ એકેડેમિક્સ ટ્રસ્ટ કેટલીક શાળાઓનું સંચાલન કરે છે. તેણે હવે નવો માર્ગ અપનાવ્યો છે. આ ટ્રસ્ટના એચઆર ડિરેક્ટર રિચાર્ડ ટેલર જણાવે છે કે તનાવયુક્ત (વાળા) શિક્ષકોને ૨૦ મિનિટ સુધીની માઇલ્ડ ઇલેક્ટ્રિક શોક ટ્રીટમેન્ટ લેવા માટે ભલામણ કરવામાં છે. બ્રિટિશ લશ્કરમાં તનાવથી પીડાતા સૈનિક કે અધિકારીને Alpha Stim નામના સાધન દ્વારા ઈલેક્ટ્રીક શોક આપવામાં આવે છે. પરિણામે તેનાથી તેમને રાહત મળતી હોવાનું મનાય છે.
ગયા સપ્તાહના ‘એશિયન વોઇસ’માં પેજ નં. ૮ ઉપર ગોલ્ડી નામના પોપ સિંગરની વાત છે. ૫૧ વર્ષના આ કલાકારે આગલા સપ્તાહે ગ્લેસ્ટનબરી મ્યુઝિક ફેસ્ટિવલમાં ધમાકેદાર પર્ફોર્મ કર્યું. એક અઠવાડિયાનો આ ગીત-સંગીતનો જલ્સો માણવા માટે પાંચેક લાખ યુવક-યુવતીઓ ઉમટ્યા હતા. ગોલ્ડીએ વ્યસનના વળગણ વિશે જાહેરમાં સ્વીકાર્યું છે કે શરૂમાં ખૂબ સિગારેટ પીતો હતો. મિત્રો સાથે હસતાં હસતાં થોડીક ફૂંકો મારવા સાથે દેખાદેખીમાં શરૂઆત થઇ. બંધાણી બની ગયો. તે પછી દારૂ, ડ્રગ્સ સહિતના વ્યસનો વળગ્યા. ૩૫ વર્ષ ભારે હેરાન થયો. છેવટે આ બધી લતમાંથી છૂટકારો મેળવ્યો. પણ કેવી રીતે? યોગ થકી.
મેં આપ સહુ સમક્ષ ગયા સપ્તાહે જણાવ્યું હતું કે આ ગંભીર બાબત મુદ્દે મને કેટલાક સાઇકિયાટ્રીસ્ટ, માનસશાસ્ત્રીઓ અને સોશ્યલ વર્કરો સાથે વાત કરવાનો અવસર સાંપડ્યો હતો. એપ્રિલમાં અમેરિકા પ્રવાસ વેળા અને જૂનમાં ઇટલીમાં તથા લંડનમાં ત્રણેક સ્થળોએ આ લોકોને મળ્યો. ખૂબ વિસ્તારથી આ મુદ્દે વાતો થઇ. આ બલા કેવી રીતે પકડ ગલા જેવી પીડાદાયક બની રહે છે તે સમજવાથી માંડીને તેની ચિકિત્સા, ઉપાય વગેરે બાબત અંગે અમે કુલ્લે આઠેક કલાક મુક્ત મને ચર્ચા કરી. અલબત્ત, - ભોગ બનેલાઓના નામોલ્લેખ વગર. વ્યસનગ્રસ્ત જો સુધરે નહીં તો સર્વ રીતે નિષ્ફળ નીવડે. લગ્ન વિચ્છેદ, પરિવાર ત્યાગ, કમોતે મોત.
આવા વ્યસનોનું વળગણ ધરાવનારાઓનો પોતાની કુટેવ વિશે કેવો ‘બચાવ’ કરતા હોય છે? કેટલાક ઉદ્ગારોની યાદી...
• ‘મારું જીવન સાવ નિરસ થઇ ગયું છે...’
• ‘બધે જ અભાવ દેખાય છે...’
• ‘કોઇને મારામાં વિશ્વાસ નથી, એટલે મનેય કોઇનામાં વિશ્વાસ નથી...’
• ‘મારું કોઇ સાંભળતું નથી. મારે કોઇનું સાંભળવું નથી...’
• ‘મારો વિશ્વાસ ડગમગે છે, જીવ બળે છે...’
• ‘મારું ક્યાંય કશું જ ઉપજતું નથી...’
• ‘મારી કાયમ ઉપેક્ષા જ થાય છે...’
• ‘મારું મન ડંખે છે, જીવ બળે છે...’
• ‘શ્રદ્ધા રાખવાનું કોઇ સ્થળ કે વ્યક્તિ નથી...’
• ‘ગુરુ ગોત્યા હતા, પણ તે જ ઘંટ નીકળ્યા...’
• ‘આ મળે કે તે મળે, પણ તેથી શું વળે..?’
• ‘મારાથી ભૂલ થઇ, ખોટું થયું, પણ હું શું કરું..?’
• ‘મેં ક્યારેય કોઇને અન્યાય નથી કર્યો, પણ હું અન્યાયનો સતત ભોગ બનું છું તેનું શું..?’
• ‘શું થાય છે? કારણ સમજાતું નથી...’
વાચક મિત્રો, હું વ્યસનની ચુંગાલમાં ફસાયેલા આવા લોકોને એટલું જ કહેવા માગું છું કે અલ્યા ભ’ઇ, આ બધું સાચું, પણ તું લપછપ છોડ, તારું ભવિષ્ય તારા જ હાથમાં છે. મન ચંગા તો કથરોટ મેં ગંગા, ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. જીવન છે તો ચિંતા, મુશ્કેલી, પડકારો તો આવતા રહેવાના, તેથી કંઇ આપણા જીવનને રફેદફે થોડું કરી નંખાય?! અગાઉ આપણે વાત કરી યોગ સાધનાની. યોગાનુયોગ આપણી સમક્ષ કેવો પ્રેરણાદાયી દાખલો આવ્યો છે.
ગ્રંથ ગરબડ કરી, વાત સાચી ન કરી... કંઇકેટલાય જાતે બની બેઠેલા ગુરુઓ છેતરપિંડી કરતા હોય, ભોળા સંજોગોનો ભોગ બનેલાઓ સાથે છેતરપિંડી કરતા હોય તો શું થઇ ગયું? સમય વર્ત્યે સાવધ થઇને તેમનાથી દૂર થઇ જવું. પણ ઘર બળ્યે ગામ ન બળાય, અને ગામની આગ તો ઘરમાં ન જ ચંપાય.
વ્યસનીઓ સાથે ક્વોલિફાઇડ, ટ્રેઇન્ડ માનસશાસ્ત્રીઓ નિષ્ણાતો આ પ્રકારનો હકારાત્મક, મનોબળ મક્કમ બનાવે તેવો અભિગમ અપનાવતા હોય છે. સાચા ધર્મગુરુઓ પણ આવી જ સલાહ આપે.
વર્ષોપૂર્વે... ૧૯૭૮માં પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ સાથે ચારેક કલાક સાથે રહેવાનો, તેમને લંડનમાં કેટલાક સ્થળે પધરામણી માટે લઇ જવાનો મને મહામૂલો અવસર સાંપડ્યો હતો. હરિભક્ત દ્વારા જીવનમાં આવતી નાનામોટી સમસ્યાઓ રજૂઆત થતી હતી. જેમાં મોટા ભાગે ગુટખા, સિગારેટ, દારુ, જુગાર, ડ્રગ્સ જેવા જીવનશૈલી સાથે જોડાયેલા દૂષણોની વાતો મુખ્ય રહેતી હતી. આવી સમસ્યાઓના નિવારણ માટે પ્રમુખસ્વામી જેવા ઊંચા પ્રકારના ગુરુઓ આગવો અભિગમ અપનાવતા હોય છે તે નજરે નિહાળ્યું. બોલચાલ, હાવભાવ, નર્યો પ્રેમ અને નિસ્વાર્થ લાગણી - આમાં કેન્દ્રસ્થાને હોય છે. આવો અભિગમ અપનાવનારા બીજા પણ ગુરુઓ હશે, પરંતુ હું તો આ સમયે એટલું જ કહીશ કે
જ્યાં લગી આત્મ ચિન્યો નહીં,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી...
થોડાક મહિના પૂર્વે એક વાચક મિત્રે મારી ઉપર કેટલાક ફોટોગ્રાફ મોકલી આપેલા. બે જુદા જુદા સમયખંડના ફોટોગ્રાફ્સ હતા તો મારા ખુદના જ, પરંતુ તેમાં ફરક આસમાન-જમીનનો હતો. તાજેતરના ફોટોગ્રાફ્સમાં મારી તંદુરસ્તી ટનાટન દેખાતી હતી, તો ૧૯૮૪ના ફોટોમાં હું કંતાઇ ગયેલો દેખાતો હતો. મિત્રો, આપ સહુને યાદ હશે જ કે વિશ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય ગુજરાતી પરિષદ ૧૯૮૪માં લંડનમાં યોજાઇ હતી. આ પરિષદનો હું મંત્રી હતો. અને વાચક મિત્રે તે જ પરિષદના એક કાર્યક્રમનો મારો ફોટો મોકલ્યો હતો. તેમાં મારો ચહેરો થાકેલો, નિસ્તેજ દેખાતો હતો. અને તાજેતરના ફોટોગ્રાફ્સમાં? કંઇ કહેવાની જરૂર ખરી?!
વાચક મિત્રે ફોટોની સાથે સવાલ પણ મોકલ્યો હતો કે ઉંમર વધવાની સાથે આપની તંદુરસ્તી ખીલી રહી છે તેનું રહસ્ય શું છે? જવાબમાં એટલું જ કહીશ કે બાપલ્યા, હું ખીલ્યો તો નથી, પરંતુ ‘જાગ્યો’ જરૂર છું, અને તેનું જ આ પરિણામ છે.
આપ સહુ આત્મિયજનો સમક્ષ હું હંમેશા મારી વાત સંકોચ વગર, નિખાલસભાવે જણાવતો રહું છું. તે વેળા ધુમ્રપાન તથા દારૂનું વધુ સેવન કરવાની (કુ)ટેવ હતી. અહીં જવું - ત્યાં પહોંચવું... બધે ફરી વળવું. પુષ્કળ ડ્રાઇવીંગ કરતો હતો. ખાવાપીવાના કોઇ ઠેકાણા નહીં. પરિણામે ઘણા ઘરનો પરોણો ભૂખે મરે તે ન્યાયે આહારવિહારમાં ખામીના કારણે પેટમાં પારાવાર અલ્સરથી પીડાતો હતો. દિવસમાં બે - બે વખત ઝેન્ટેક જેવી દવા લેવી પડતી હતી. ડાયાબિટિસ સાથે તો જૂની અને કાયમી મિત્રતા હતી જ. તેને પણ સાચવી શકતો નહીં. શરીરે બળવો પોકાર્યો. બે વખત ટ્રાન્ઝીયન સ્ટ્રોક પણ આવી ગયો. એક વખત હૃદયમાં દુખાવો શરૂ થયો. એમ્બ્યુલન્સ બોલાવી. ત્રણ-ચાર દિવસ હોસ્પિટલના ખાટલે પડ્યા રહેવું પડ્યું. આ અરસામાં મને જાત સાથે વાત કરવાનો મોકો મળ્યો. મારી જાતને ઓળખવાનો અદભૂત અવસર મળ્યો એમ કહું તો પણ ખોટું નથી.
જીવનશૈલી બદલવાનો દૃઢ નિર્ધાર કર્યો. જોકે જીવનશૈલી બદલતાં પૂર્વે મેં માનસશુદ્ધિના નિરંતર પ્રયાસ કર્યે રાખ્યા. નાના-મોટા કોઇ પણ વ્યસનના મૂળમાં શંકા-કુશંકા, આત્મવિશ્વાસનો અભાવ, અન્ય પ્રત્યે અવિશ્વાસની ભાવના, વધુ પડતી સફળતા હાંસલ કરવાના અબળખા અને કૃપણતા અથવા તો કહો કે નર્યો સ્વાર્થ, અહંકાર, અને અમુક અંશે માન-અપમાનની ખોટી સમજ જેવા પરિબળો હોય છે. આવા નઠારા પરિબળોને મનમાંથી હાંકી કાઢવા, તેનાથી દૂર રહેવા પ્રયાસ શરૂ કર્યા. નવરું મન શેતાનનું ઘર હોય છે એ જાણતો હતો. આથી જ્યારે જ્યારે નવરો પડતો હતો ત્યારે કોઇ પણ જાતના ખોટા કે મનને નુકસાનકારક વિચારોથી બચવા મારા પરમાત્માનો પંચાક્ષરી મંત્ર જ રટ્યા કરતો.
આ બાબત એક વખત પ્રો. લોર્ડ ભીખુભાઇ પારેખે પણ મને પૂછ્યું હતું અને અમારે ખાસ્સી ચર્ચા થઇ હતી. મેં તેમને મારો અભિગમ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે મારું માનવું છે કે કોઇ એક મંત્ર કે ઇશ્વરની પ્રાર્થના કે તેના જેવા કોઇ પ્રેરણાદાયી પરિબળ સાથે આપણું ચીત્ત સતત ચોંટેલું હોય રહે તો મનમાં નબળાઇ કે નવરાશ પ્રવેશવાનો અવકાશ જ ન રહે... મન નબળું હોય તો નબળો વિચાર આવેને? સબળા મનમાં નબળો વિચાર આવે જ નહીં...
વાચક મિત્રો, બસ તે સમયથી આપના સીબીની કથરોટમાં સતત સક્રિયતાની, હકારાત્મક્તાની ગંગા વહ્યા જ કરે છે, અને તેનું પરિણામ એટલે આજની ટનાટન તંદુરસ્તી. આ કોઇને સલાહ તો નથી, પણ હોસ્પિટલમાં બિછાને પડ્યા બાદ સમજાઇ ગયું હતું કે નાના-મોટા વ્યસનોથી ભલે ઘેરાઇ ગયો હોઉં, પણ તેમાંથી નીકળવાનો દરવાજો બંધ નથી થઇ ગયો તે હું જાણતો હતો. મને સમજાઇ ગયું હતું કે જો બાહ્ય પરિબળોને આધારે જ મારી જિંદગીને દોરવ્યા કરીશ તો આખરે મારા સ્વાસ્થ્યને જ નુકસાન થશે. પરિણામે પરિવાર પણ હેરાનપરેશાન થશે. હવે મને નકારાત્મક વિચારો આવતા નથી. કેમ? આપણું આરોગ્ય આપણા હાથમાં છે. આપણા ઋષિમુનિઓએ સૈકાઓ પૂર્વે સમગ્ર વિશ્વને આપેલા આ મૂલ્યવાન સંદેશને ઓછાવત્તા અંશે હું અપનાવી શક્યો છું તે બદલ ઇશ્વરકૃપા, પરિવારજનોના પ્રેમ, સાથીદારોના સહયોગ અને આપ સહુ આત્મીયજનોના ઉષ્માસભર સંગાથને યશ આપું છું.

ઊલમાંથી ચૂલમાં...

બ્રિટનની રાજકીય, અને તેના પરિણામ સ્વરૂપ આર્થિક, આંતરરાષ્ટ્રીય પ્રભાવ તથા અન્ય બાબત વિશે અત્યારે કફોડી હાલત જોઇ શકાય છે. નાહક અને બિનજરૂરી રીતે યુરોપિયન યુનિયન (ઇયુ) માટે રેફરન્ડમ યોજ્યું. સાવ પાયા વગરના અને ખોટા અપપ્રચાર દ્વારા તેની તરફેણમાં પરિણામ મેળવાયું. બહુ પાતળી બહુમતીથી ઇયુને છોડવાની તરફેણ થઇ. વડા પ્રધાન પદેથી ડેવિડ કેમરને ચાલતી પકડી. થેરેસા મે અનુગામી તો બન્યાં, પણ હાર્યો જુગારી બમણું રમે એવી નીતિ અપનાવી. શરૂઆતના પાંચ સપ્તાહમાં કરેલા બધા જ દાવાઓ, વાયદાઓમાં પલ્ટી મારી. પ્રચંડ બહુમતીની અપેક્ષાએ મધ્યસત્ર ચૂંટણી યોજવાનો દાવ તો ખેલ્યો, પણ હવેલી લેતાં ગુજરાત ખોયું.
કાગળ પર કહેવાતી બહુમતી સાધવા માટે નોર્ધર્ન આયર્લેન્ડની ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી (ડીયુપી)ને ૨.૨૫ બિલિયન પાઉન્ડની ‘રાજકીય લાંચ’ આપી.
સરકાર ટકાવવા માટે પક્ષની ‘બહારના લોકો’ પાસેથી સમર્થન મેળવ્યું, તો હવે ‘અંદરના લોકો’ વંકાયા છે. પ્રધાનમંડળના સભ્યો વચ્ચેના આંતરિક મતભેદો, થેરેસા મે સામેનો અસંતોષ દિવસોના વીતવા સાથે બહાર આવી રહ્યો છે. સરકારી કરકસર બંધ કરો (મતલબ ખર્ચ વધારો), યુનિવર્સિટીની ફી ઘટાડો, શિક્ષણ માટે વધુ ફંડ ફાળવો, પબ્લિક સેક્ટરના કર્મચારીઓનો પગાર વધારો... કોના બાપની દિવાળી?
થેરેસા મે જેવા રાજકારણીઓ સગવડિયાં સ્વાર્થ કે સત્તા ટકાવવા માટે સાવ નીચલી પાયરીએ જઇ બેસે છે. જોકે આવું કરતી વેળા તેઓ એ ભૂલી જતા હોય છે કે તેમના અપકૃત્યોના પરિણામ આમ આદમીને પેઢીઓની પેઢી સુધી ભોગવવા પડતા હોય છે.

૧૪૦ વર્ષની વિમ્બલ્ડન ટુર્નામેન્ટ

આજે, સોમવારથી ટેનિસ જગતની શિરમોરસમાન વિમ્બલ્ડન ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો છે. સતત ૧૪૦મા વર્ષથી ટૂર્નામેન્ટ યોજાઇ રહી છે તેથી આપ સહુ કલ્પના કરી શકો છો કે તેની સાથે કેવો ભવ્ય ઇતિહાસ વણાયેલો હશે. ટેનિસ ચાહકોમાં પણ આ ટૂર્નામેન્ટ માટે ગાંડપણ(!)ની હદે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમવારે રમાનારી મેચની ટિકિટ મેળવવા દર્શકોમાં રીતસર પડાપડી જોવા મળતી હતી.
ઘણા તો આગલા દિવસથી જ ડેરાતંબૂ નાંખીને ટિકિટની લાઇનમાં ગોઠવાઇ ગયા હતા. માન્યામાં ન આવતું હોય તો આ સાથેનો ફોટોગ્રાફ જોઇ લેજો.
આ ભવ્ય ટૂર્નામેન્ટ સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ આંકડાકીય માહિતી પર નજર ફેરવવા જેવી છે. જેમ કે,
- બે સપ્તાહની ટૂર્નામેન્ટ દરમિયાન કુલ ૫૪ હજાર ટેનિસ બોલનો ઉપયોગ થશે.
- ૫૦૦,૦૦૦ (પાંચ લાખ) પ્રેક્ષકો મોંઘીદાટ ટીકીટ ખરીદી રમત માણશે. વિદેશથી હજારો ખાસ મેચ જોવા આવે છે.
- લંચ દરમિયાન દર્શકો આશરે ૨૮ ટન સ્ટ્રોબેરી અને ૨૯ હજાર બોટલ શેમ્પેઇન પેટમાં પધરાવી દેશે તેમ મનાય છે.
- ખેલાડીઓ મેચ જીતવા માટે મેદાનમાં દોડાદોડ કરીને પરસેવો વહાવશે. આ પરસેવો લૂછવા માટે ૧૯ હજાર કોટન ટોવેલ વપરાશે. ગયા વર્ષે આ ટોવેલ ગુજરાતની કંપની પાસેથી મંગાવવામાં આવ્યા હતા. સંભવતઃ આ વર્ષે પણ ગુજરાતની કંપનીએ જ ટોવેલ્સ પૂરા પાડ્યા છે.
- આ ટેનિસ ટૂર્નામેન્ટ ગ્રાસ કોર્ટ પર રમાય છે. ટેનિસ કોર્ટમાં જોવા મળતું આ ઘાસ સામાન્ય નથી. વિન્ટર દરમિયાન તેને ખાસ કાળજી લઇને ઉછેરવામાં આવે છે. મજબૂતાઇની સાથોસાથ તેની કુમાશ પણ જળવાઇ રહે તે માટે દિવસે તેના પર ચોક્કસ પ્રકારના કેમિકલ્સનો છંટકાવ કરવામાં આવે છે. અને રાત્રે સોડિયમ લાઇટના પ્રકાશ વડે ગરમી આપવામાં આવે છે.
વાચક મિત્રો, વર્ષોના વહેવા સાથે ટૂર્નામેન્ટના અને તેમાં ભાગ લેનારા ખેલાડીઓના રંગરૂપ પણ બદલાયા છે. આ સાથે રજૂ કરેલા ફોટોગ્રાફ પર નજર ફેરવશો તો તમને સમજાઇ જશે. વિજય અમૃતરાજથી માંડીને અનેક ભારતીય ખેલાડીઓ વિમ્બલ્ડન ટૂર્નામેન્ટમાં રમી ચૂક્યા છે. હા, આજ સુધીમાં કોઇ ભારતીયે મેન્સ કે વિમેન્સ ટૂર્નામેન્ટ ટાઇટલ જીત્યું નથી એ અલગ વાત છે.
ખેર, વિમ્બલ્ડનનો આ અફસોસ છોડીને... ચાલો આનંદની વાત કરું.
રવિવારે મારે ત્રણ કાર્યક્રમમાં હાજરી આપવા જવાનું હતું. આપ સહુ જાણો છો તેમ હાલ ઈંગ્લેન્ડની ધરતી પર વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ રમાઇ રહ્યો છે. રવિવારે ભારત અને પાકિસ્તાનની ટક્કર હતી. રમત ભલે ગમે તે હોય, ભારત - પાકિસ્તાનનો મુકાબલો હોય એટલે કોઇ પણ ભારતીયને રસ પડવાનો જ. મેં પણ કાર્યક્રમ માટે રવાના થતાં પૂર્વે ટીવી પર નજર નાખી તો ભારતીય ટીમે ઘણી જ નબળી શરૂઆત કરી હતી. ૩૫ ઓવરમાં છ વિકેટે ૧૧૫ રન થયા હતા. ઘણો અફસોસ થયો. મન કચવાતું હતું કે હારીએ તેનો વાંધો નહીં, પણ આ રીતે? કંઇક ટક્કર તો આપવી જોઇએને...
ખેર, ઈંગ્લેન્ડમાં રહ્યે રહ્યે પણ ભારતીય ટીમના દેખાવ માટે મનમાંને મનમાં અફસોસ કરી રહ્યો હતો અને મને દસકાઓ જૂની એક વાત યાદ આવી ગઇ.
૧૯૮૪-૮૫ની વાત છે. વડા પ્રધાન માર્ગરેટ થેચર સરકાર દેશની શાસનધૂરા સંભાળતાં હતાં. પ્રધાનમંડળના વરિષ્ઠ સભ્ય નોર્મન ટેબિટ તેમના બહુ માનીતા. તેમણે ખુલ્લેઆમ નિવેદન કર્યું કે કોઇ વ્યક્તિના રાષ્ટ્રપ્રેમને મૂલવવો હોય તો ઈંગ્લેન્ડમાં રમાઇ રહેલી ટેસ્ટ મેચ વખતે તે વ્યક્તિ કઇ ટીમ તરફ ઢળે છે તેના પર નજર નાખવી જોઇએ. તરત જ ખબર પડી જશે કે વ્યક્તિ ઈંગ્લેન્ડને કેટલો પ્રેમ કરે છે. આમ તેમણે વ્યક્તિનો રાષ્ટ્રપ્રેમ નક્કી કરવા ‘અનોખો માપદંડ’, (ટેબિટ ક્રિકેટ ટેસ્ટ) નક્કી કર્યો હતો.
તેમનું આ નિવેદન ખાસ્સું ચર્ચાસ્પદ બન્યું હતું. આ જ અરસામાં ચેનલ ૪ના પત્રકારે મારો ઇન્ટરવ્યુ લીધો હતો. મુખ્ય વિષય અલગ જ હતો, પરંતુ ચતુર પત્રકારે આ વિવાદાસ્પદ મુદ્દો પણ તેના પ્રશ્નમાં વણી લીધો. તેણે પૂછ્યું કે આ ધરતી પર ઈંગ્લેન્ડ અને ભારતની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાય તો તમે કોને સપોર્ટ કરો, ચિયરઅપ કરો?
મેં લાગલો જ જવાબ આપ્યોઃ ભારતને જ સપોર્ટ કરવાનો હોયને... પત્રકારે વળતો પ્રશ્ન પૂછ્યોઃ શા માટે? તમારો આવો એટિટ્યુડ હશે તો ‘ટેબિટ ટેસ્ટ’માં તમે નાપાસ થશો...
આ પછી મારો સવિસ્તર જવાબ કંઇક આવો હતોઃ ટેબિટના ટેસ્ટમાં ભલે ફેઇલ થઉં, પણ મારું વલણ બદલાવાનું નથી. કારણ? ઈંગ્લેન્ડ વિકસિત દેશ છે, જ્યારે ભારત વિકાસના પંથે પા પા પગલી માંડી રહેલો દેશ છે. સહાનુભૂતિ કે સમર્થન શક્તિશાળીને ન હોય, નબળાને હોય... સ્વાભાવિક છે કે પ્રશ્નકર્તા મારા જવાબથી ખુશ(!) થઇ ગયો હતો.
ખેર, આ તો મારું વાકચાતુર્ય હતું. આપણે ફરી ભારત-પાકિસ્તાન વિમેન્સ મેચમાં પાછા ફરીએ. પાકિસ્તાની ખેલાડીઓ ઊંચી - લાંબી હતી તેથી લાગતું હતું કે આપણી બોલિંગ વગર વરસાદે ધોવાય જાય તો નવાઇ નહીં. સાંજે કાર્યક્રમ પતાવીને પાછો ફર્યો. ભારતીય ટીમ કેટલા રને હારી હશે તેવી સાહજિક ઉત્સુક્તાથી ટીવી ઓન કર્યું અને રિઝલ્ટ જોઇને આશ્ચર્યચકિત થઇ ગયો.
ભારતીય ટીમનો દાવ ભલે ૧૬૦ રનમાં સમેટાઇ ગયો હતો, પણ આપણી વિરાંગનાઓએ પાકિસ્તાની બેટ્સમેનોની બૂરી વલે કરી હતી. આખી ટીમને માત્ર ૮૫ રનમાં પેવેલિયન ભેગી કરી દીધી હતી. બાસિતે તો માત્ર ૧૮ રનમાં પાંચ વિકેટ ઝડપીને પાકિસ્તાનનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. વાચક મિત્રો, આનું નામ રમત... આજે જીત તો કાલે હાર, અને આજે હાર તો કાલે જીત...
આપણે વાત શરૂ કરી હતી વિમ્બલ્ડન ટૂર્નામેન્ટથી... તો પૂરી પણ તેનાથી જ કરીએ. વાત થોડીક કઢંગી છે, પણ રસપ્રદ હોવાથી ટાંકી રહ્યો છું. બોલને વળતો ફટકારવા માટે ટેનિસ કોર્ટમાં ફરી વળતા ખેલાડીઓને ભરપૂર પરસેવો થતો હોય છે. અધૂરામાં પૂરું ઘણી વખત સેટ પણ બહુ લાંબો સમય ચાલતો હોય છે. સતત દોડાદોડ અને ભરપૂર પરસેવાના કારણે ખેલાડીને શારીરિક એનર્જી ટકાવવા મેચ દરમિયાન સતત પાણી, જ્યુસ કે એનર્જી ડ્રિન્ક ગટગટાવતા રહેવું પડે છે. વારેઘડીએ પ્રવાહી પેટમાં પધરાવો તો શું થાય તે આપના જેવા સુજ્ઞ વાચકોને સમજાવવાની જરૂર નથી.
ખેલાડીઓની આ સ્થિતિને નજરમાં રાખીને વિમ્બ્લડનના આયોજકોએ છેલ્લા કેટલાક વર્ષથી મેચ દરમિયાન અમુક મિનિટ માટે કમફોર્ટ (ટોઇલેટ) બ્રેકની જોગવાઇ કરી હતી. હવે એવા અહેવાલ છે કે કેટલાક ખેલાડી ટોઇલેટ બ્રેકના આ સમયનો દુરુપયોગ કરી રહ્યા છે. એક વર્ગની ફરિયાદ છે કે આ સમયનો ઉપયોગ રેસ્ટ માટે થાય છે, જે રમતની ભાવનાથી વિપરિત છે. આથી ટોઇલેટ બ્રેકની જોગવાઇ રદ કરવી જોઇએ. આ સમગ્ર ઘટના માટે આપણે કહી શકીએ કે ઊંટ કાઢે ઢેકાં તો માણસ કાઠે કાઠાં.

પાલક પશુઓ માટે અફલાતુન સવલતો

ન્યૂ યોર્કના જ્હોન એફ. કેનેડી એરપોર્ટ પર વર્ષેદહાડે લાખો પ્રવાસીઓ તો અવરજવર કરે જ છે, પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે આ જ એરપોર્ટ પરથી ૨૦ લાખ જેટલા પાલક પશુ-પંખીઓની પણ અવરજવર થાય છે. કૂતરાં, બિલાડાં, ઘોડા, ઘેટાં, બકરાં, પોપટ જેવા પશુપંખીઓ આ એરપોર્ટ પરથી દુનિયાભરના ખૂણેખાંચરે પહોંચે છે. કોઇ નસીબદાર પશુપંખી નવી વનરાજીમાં જઇ પહોંચે છે, થોડાક ઓછા નસીબદાર ઝૂમાં જઇ પહોંચે છે તો કોઇ કમનસીબ માંસાહારીના પેટમાં. જેવા જેના નસીબ. જો આ એરપોર્ટ પર પેસેન્જરોને પણ આધુનિકતમ સાધનસુવિધા પૂરી પાડવામાં આવતી હોય પશુપંખીઓ કેમ બાકાત રહી જાય? માન્યામાં ન આવતું હોય તો સાથેના ફોટોગ્રાફ પર નજર ફેરવી લોને... બધું સમજાઇ જશે.

પ્રભાવશાળી પ્રતિભાના પરિણામે

તાજેતરમાં લિયો વરાડકરે આયર્લેન્ડના રાજકીય ઇતિહાસમાં કેટલાય નવા સીમાચિહનો અંકિત કર્યા છે. તેમણે સૌથી નાની વયે - માત્ર ૩૮ વર્ષની વયે કોઇ રાષ્ટ્રના વડા પ્રધાન બનવાનો વિક્રમ સર્જ્યો. આયર્લેન્ડમાં પહેલી વખત કોઇ ભારતીય વંશજ આ સર્વોચ્ચ સ્થાને પહોંચ્યો છે. ભારતીય પિતા અને આઇરિશ માતાના પુત્ર લિયોને પોતાની ગે તરીકેની ઓળખ જાહેર કરવામાં કોઇ છોછ નથી. મિત્રો, આ વાત લખવા-વાંચવામાં જેટલી સરળ દેખાય છે તેટલી આયર્લેન્ડમાં વાસ્તવિક જીવનમાં અપનાવવી સરળ નહોતી. આયર્લેન્ડ કેથલિક ખ્રિસ્તીઓની બહુમતી ધરાવતો દેશ છે, અને અહીં પરંપરાનું રૂઢિચુસ્ત ઢબે પાલન થાય છે.
આમ છતાં મહારાષ્ટ્રીયન પરિવારના લિયો વરાડકર સર્વોચ્ચ સ્થાને જઇ પહોંચ્યા. કઇ રીતે? લિયોએ યુતિ સરકારને એકતાંતણે બાંધવામાં પ્રભાવશાળી ભૂમિકા ભજવી છે. તેમના રાજદ્વારી કુનેહ-કૌશલ્યને જોતાં માનવામાં આવે છે કે તેઓ બ્રેક્ઝિટ પ્રક્રિયાની વાટાઘાટમાં પણ ચાવીરૂપ યોગદાન આપશે અને બ્રિટન તથા યુરોપિયન યુનિયનને ઓછામાં ઓછું નુકસાન થાય તેવો કોઇ વચલો માર્ગ કાઢશે.
વાચક મિત્રો, લિયો જેવી આવડત તો બીજા નેતાઓમાં પણ હશે, પરંતુ અહીં મૂળ વાત છે એટિટ્યુડની. તમે તમારા વિચારને કઇ રીતે સાકાર કરો છો તેના પર તમારી યોજનાની સફળતાનો આધાર હોય છે. લિયો પહેલાં લક્ષ્ય નક્કી કરે છે, અને પછી દૃઢતા, પ્રતિબદ્ધતા સાથે તેને હાંસલ કરે છે.
સફળતા માટે આંખો આંજી નાખતા વિચારો કે લોકોને અભિભૂત કરી દે તેવી ઘોષણાની જરૂર નથી. તમે કેવી વિચારસરણી સાથે નાનામાં નાની વાતને લોકો સમક્ષ રજૂ મૂકો છો તેના પર સમગ્ર બાબતનો આધાર હોય છે.
લિયો વરાડકરે પોતે ગે હોવાની વાત રૂઢિચુસ્ત આઇરિશ પ્રજા સમક્ષ કઇ રીતે રજૂ કરી હતી? તેમણે કહ્યું હતું કે તમે જાતીયતાના મુદ્દે જ્યારે પણ વિચારો કે કોઇ નિર્ણય કરો ત્યારે હંમેશા તમારા પરિવારની કોઇ વ્યક્તિ, સ્વજન કે પડોશીને નજરમાં રાખજો. તમારા સંપર્કમાં રહેલી કોઇ વ્યક્તિ જાતીયતાના મુદ્દે પ્રચલિત સામાજિક અભિગમ કરતાં અલગ માન્યતા ધરાવતી હોય તો તેને સમાન હક્ક મળવો જોઇએ કે નહીં તે વિચારીને તમારો અભિપ્રાય આપજો.
અને વાચક મિત્રો આપણે સહુ જાણીએ છીએ તેમ લિયોની આ રજૂઆત લોકોના હૃદયને સ્પર્શી ગઇ. લોકોએ તેમને અપનાવ્યા એટલું જ નહીં, પરંતુ દેશનું સુકાન પણ સોંપ્યું.

૯૪ વર્ષના યુવાન હેન્રી કિસિન્જર

એક સમયે હેન્રી કિસિન્જર શક્તિશાળી દેશના શક્તિશાળી વિદેશ પ્રધાન તરીકે ઓળખ ધરાવતા હતા. પરંતુ આજે આ ભૂતપૂર્વ અમેરિકી વિદેશપ્રધાન આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત તરીકે વધુ જાણીતા છે. ઉંમર ૯૪ વર્ષની છે, પણ ૪૯ વર્ષની વ્યક્તિને શરમાવે તેવા સ્ફૂર્તિલા છે. જો આવું ન હોત તો તેઓ આજે એક દેશમાં તો કાલે બીજા દેશમાં ઊડાઊડ ન કરતા હોત. કિસિન્જરના દોડધામભર્યા સમયપત્રકની અહીં એક ઝલક રજૂ કરી છે. કિસિન્જરના સમવયસ્કો માત્ર વાંચીને જ હાંફી જાય તો પણ નવાઇ નહીં...
• ૨૫ ઓક્ટોબર ૨૦૧૬ઃ અમેરિકાથી લંડન આવ્યા. પોલિટિકલ કોન્ફરન્સને ઉદ્બોધન કર્યું. બ્રિટનના વડા પ્રધાન એડવર્ડ હિથની સ્મૃતિમાં યોજાયેલા આ વ્યાખ્યાનમાં ૧૫૦ મહેમાનો આમંત્રિત કરાયા હતા, જેમાંથી માત્ર ૧૨થી ૧૩ એશિયન હતા. આમાં એક નામ મારું પણ હતું.
• ૨ ડિસેમ્બર ૨૦૧૬ઃ બૈજિંગ પહોંચ્યા. ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય રાજકીય સ્થિતિ વિશે ચર્ચાવિચારણા કરી.
• ૨૦ જાન્યુઆરી ૨૦૧૭ઃ સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં ઐતિહાસિક પ્રવચન આપ્યું.
• ૨૫ એપ્રિલ ૨૦૧૭ઃ જર્મનીના બર્લિન જઇ પહોંચ્યા. ચાન્સેલર એન્જેલા મર્કેલે તેમને વિચારોનું આદાનપ્રદાન કરવા તેડાવ્યા હતા.
• ૧૦ મે ૨૦૧૭ઃ વોશિંગ્ટનમાં નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ આમંત્રણથી તેડાવ્યા. અમેરિકાને સ્પર્શતા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે તેમના દૃષ્ટિબિંદુ જાણ્યા.
• ૨૭ જૂન ૨૦૧૭ઃ લંડનમાં પુનરાગમન. કોન્ફરન્સમાં હાજરી આપીને આંતરરાષ્ટ્રીય રાજકારણ વિશે પોતાના વિચારો રજૂ કર્યા.
• ૩૦ જૂન ૨૦૧૭ઃ માદરે વતનમાં વોશિંગ્ટનમાં...
માત્ર ૯૪ વર્ષનો આ યહૂદી વંશજ દુનિયાભરમાં ફરતો રહે છે. તેના વિચારો જાણવા, સમજવા આખી વિશ્વભરના નેતાઓ તત્પર રહે છે તો આ ‘યુવાન’ પણ પોતાનું જ્ઞાન, વિચારો, અનુભવો વહેંચવાનો કેટલો ઉમંગ ધરાવે છે... શાબાશ.

આતંકવાદ

આ આતંકવાદ બારામાં અમે પણ ઘણું બધું લખ્યું છે, લખતા રહીએ છીએ અને આપે પણ ઘણું વાંચ્યું હશે કે ટીવી પરદે નિહાળ્યું હશે. સંભવ છે કે ક્યારેક થોડાક કંટાળતા પણ હશો. અને થોડીક ચિંતા પણ કરતા હશો. જોકે વાસ્તવિક પરિસ્થિતિ કંઇક અલગ જ છે. અલબત્ત, આવું લખીને સમસ્યાની ગંભીરતા ઘટાડવાનો આ પ્રયાસ નથી, પરંતુ મને લાગે છે કે આતંકવાદના મુદ્દે અયોગ્ય, અઘટિત અને નાહક અતિશ્યોક્તિ થઇ રહી છે.
અરે, પહેલાં પણ આવી ઘટનાઓ બનતી હતી, અત્યારે જ આવી ઘટનાઓ વધુ બને છે તેવું નથી. અત્યાર કરતાં તે સમયે વધુ નિર્દોષોનું લોહી રેડાતું હતું. સાચા અર્થમાં જોઇએ તો અત્યારે પરિસ્થિતિ કંઇક અંશે સુધરી હોય તેવું જણાય છે. કારણ? આ શેતાની, રાક્ષસી વૃતિ ધરાવતી વ્યક્તિઓ - પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે - સમજે છે, જાણે છે કે અંતે તો તેઓ નઠારા માર્ગે તેમના લક્ષ્ય સિદ્ધ
કરવામાં નિષ્ફળ જ રહ્યા છે. ક્યો રાક્ષસ કે જુલમગાર પોતાના પદે દીર્ઘકાલ માટે ટકવામાં સફળ રહ્યો છે? (ક્રમશઃ)


comments powered by Disqus