લંડનઃ NHS હોસ્પિટલો, કાઉન્સિલો અને ગર્નસે ગવર્નમેન્ટ સહિત ૨૨ જેટલી જાહેર સંસ્થા સાથે ૧૨.૬ મિલિયન પાઉન્ડની ઠગાઈ કરીને તે રકમ વિદેશમાં મોકલવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. દસ લોકોને સજા ફરમાવતા લેસ્ટર ક્રાઉન કોર્ટના જજ ફિલિપ હેડે જણાવ્યું હતું કે આ ષડયંત્ર ખૂબ વ્યવસ્થિત અને વ્યાપક હતું કે તે પકડાયું ન હોત તો ૨૦ મિલિયન પાઉન્ડનું નુક્સાન થયું હોત.
બિલ્ડીંગ કંપનીઓના નકલી લેટર દ્વારા તેમણે આ સંસ્થાઓ સાથે ઠગાઈ કરી હતી. તેનો સૂત્રધાર નાઈજીરીયાનો બેયો એવોનોરિન હજુ લાપતા છે. તેના વિશ્વાસુ સાથી સાઉથવર્ક, લંડનના સ્ટીફન ટીનડેલ (૪૭)ને દસ વર્ષની, દુબઈના આસિફ હબીબ (૫૩), લેંકેસ્ટરના ઈમ્તિયાઝ ખોડા (૪૪), રેડડીચ, વર્સેસ્ટરશાયરના અબ્દુલ નઈમ (૩૬) અને તેના ભાઈ મોહમ્મદ નઈમ (૩૩)ને સાડા પાંચ વર્ષ સુધીની જેલ થઈ હતી. જજે અન્ય ચારને સસ્પેન્ડેડ સજા જ્યારે તારીકખાન(૩૫)ને આઠ મહિનાની જેલની સજા ફરમાવી હતી.
