વસુંધરા રાજેના વડસસરાએ જોધપુરના મહારાજાને પાકિસ્તાનમાં જોડાવા ઝીણાને મળવા સૂચવ્યું હતું!

ઇતિહાસના નીરક્ષીર

ડો. હરિ દેસાઈ Monday 03rd July 2017 08:49 EDT
 
 

તખ્તો ગોઠવાઈ ગયો હતો. જોધપુરના ૨૩ વર્ષીય મહારાજા હણવંતસિંહ પાકિસ્તાનના જનક મોહમ્મદ અલી ઝીણાને મળીને પોતાનું રજવાડું પાકિસ્તાન સાથે જોડવાની વેતરણમાં હતા. ભોપાલના નવાબ હમીદુલ્લાખાન ભોપાલ અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચે આવતાં હિંદુ રજવાડાંને ઝીણા સાથે ઘરોબો કેળવવા લલચાવી રહ્યા હતા. ૯ ઓગસ્ટ ૧૯૪૭ની એ બેઠકમાં મહારાજા હણવંતસિંહ તો પાકિસ્તાન સાથે જોડાઈ જવા સંમત હતા એટલે કાયદેઆઝમ જેસલમેરના મહારાજકુમાર ભણી વળ્યાઃ ‘બોલો, મહારાજકુમાર, જોધપુર તો તૈયાર છે. તમે ય હવે પાકિસ્તાન સાથે જોડાઈ જશો ને?’ જોધપુર અને જેસલમેર બેઉ સરહદી રજવાડાં હતાં. ઝીણાએ મહારાજાને કોરા કાગળ પર સહી કરીને એમાં શરતો ભરી લેવા એ કાગળ આપ્યો હતો. મામલો ફીટ હતો. બાજી બરાબર આગળ વધતી હતી.

બધું સમુસૂતરું ઉતરવાનાં એંધાણ હતાં, ત્યાં જ જેસલમેરના મહારાજકુમારે ધડાકો કર્યોઃ ‘મારી એક શરત છે. મારા રાજ્યમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે રમખાણ થાય તો તમે તટસ્થ રહેવાની ખાતરી આપો છો તો જોડાવાનું વિચારી શકાય.’ આવા અણધાર્યા મુદ્દે જોધપુરના મહારાજાને સંભવિત સમસ્યા અંગે સાવધ કરી દીધા. ઝીણાના રાજકીય સલાહકાર અને પાછળથી પાકિસ્તાનના વિદેશપ્રધાન થયેલા સર મોહમ્મદ ઝફરુલ્લા ખાને મામલાને થોડો હળવો કરવાનો પ્રયાસ કર્યો, પણ મહારાજકુમાર અને મહારાજા બેઉનું વલણ બદલાઈ ગયું. મહારાજા ઉતાવળે નિર્ણય કરવા ઈચ્છતા નહોતા. સ્થિતિમાંથી છૂટકારો મેળવવો હતો. એમણે રાજમાતા અને જોધપુરના સરદારોની સાથે પરામર્શ કરીને પાછા ફરવાનું કહ્યું. ઝીણાનો આભાર માનીને રજા લેવાનું તેમણે જેવું પસંદ કર્યું કે ઝીણાએ ઉછળીને પેલો કાગળ મહારાજાના હાથમાંથી ઝપટ મારીને પાછો લઈ લીધો!

ધોલપુરની ભારત સાથે જોડાવાની અનિચ્છા

જોધપુરના મહારાજા પરિવાર તરફથી પ્રકાશિત અને મહારાજાના અનુગામી ‘મહારાજા’ ગજસિંહની પ્રસ્તાવના વાળા પ્રા. લક્ષ્મણસિંહ રાઠૌર લિખિત ‘લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ મહારાજા હણવંતસિંહ’માં ઉપર વર્ણવવામાં આવેલા ઘટનાક્રમ ઉપરાંત મહારાજાને ઝીણા સાથે મળીને પાકિસ્તાન સાથે જોડાણ કરવા કોણે પ્રેર્યા એની ચોંકાવનારી વિગતોનું પણ એમાં બયાન છેઃ

‘મહારાજ રાણા (ઓફ ધોલપુર) થકી મહારાજા-જોધપુરને ઝીણાને મળીને પાકિસ્તાનાં વિલય પામવા સાટે તેણો (ઝીણા) કઈ શરતો ઓફર કરે છે તે જાણી લેવા પ્રેરવામાં આવ્યા હતા. આ ધોલપુરના મહારાજા રાણા એટલે ઉદયભાણ સિંહ. રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયાના વડસસરા. વસુંધરા રાજે પોતે ગ્વાલિયરના મહારાજાનાં રાજકુમારી. એમનાં લગ્ન ધોલપુરના પૂર્વ રાજવી રાણા હેમંતસિંહ સાથે થયાં હતાં.’

રાઠૌરે નોંધ્યું છેઃ ‘ભોપાલના નવાબની જોધપુરને પાકિસ્તાન સાથે જોડવાની યોજનામાં ગુપ્ત રીતે ટેકો આપનાર રાજવી એટલે ધોલપુરના મહારાજ રાણા ઉદયભાણ સિંહ. એ લોર્ડ માઉન્ટબેટનના જૂના મિત્ર હતા અને પ્રિન્સ ઓફ વેલ્સના સ્ટાફ પર રહ્યા હતા. માઉન્ટબેટને એમની શંકાસ્પદ પ્રવૃત્તિને જોતાં પોતાના પ્રેસ એટેચી એલન કેમ્પબેલ-જ્હોન્સનને મહારાજા રાણા ઓફ ધોલપુર પર નજર રાખવા જણાવ્યું હતું.’ ૨૦ જુલાઈ ૧૯૪૭ના રોજ મહારાજ રાણાએ વાઈસરોયના અંગત સચિવ સર જી. એબેલને લખેલા પત્રમાં બંને સંઘ (ભારત અને પાકિસ્તાન) સાથે પારસ્પારિક હિતની સંધિ કરવાની ઈચ્છા દર્શાવવા ઉપરાંત પોતે ભારત સંઘનો હિસ્સો બનવા ઈચ્છુક નહીં હોવાનું સ્પષ્ટ કર્યું હતું!

રિયાસત ખાતાના જાસૂસો ભણી શંકા

ઈતિહાસલેખક લક્ષ્મણસિંહ રાઠૌર જોધપુરના મહારાજાના અંગત સચિવ કર્નલ કેસરી સિંહને ભારતીય રિયાસત ખાતાના જાસૂસ ગણાવવા ઉપરાંત જોધપુરના ઘણા બધા અધિકારીઓ પણ સરદાર પટેલના અખત્યાર હેઠળના રિયાસત ખાતાના બાતમીદાર હોવાનું જણાવે છે. સરદારના તમામ વિશ્વાસુ એટલે કે ક. મા. મુનશી, કે. એમ. પણિકર, વી. પી. મેનન સહિતનાએ ખોટ્ટાડો ઈતિહાસ પોતાનાં સંસ્મરણોમાં નોંધીને જોધપુરના મહારાજાને હલકા ગણાવવાનો પ્રયાસ કરાયાનું પણ એ કહે છે. એકમાત્ર સરિલાના રાજવી પરિવારના નરેન્દ્ર સિંહે મહારાજા સાથેની મુલાકાતનું સાચું વર્ણન કર્યાનું એ નોંધે છે. સરિલા છેલ્લા વાઈસરોયના એડીસી પણ રહ્યા.

જોકે સરિલા થકી લખાયેલા ગ્રંથો પણ જોધપુરના મહારાજા હણવંતસિંહ પોતે પાકિસ્તાન સાથે જોડાણ કરવા ઉત્સુક હોવાની વાત સ્પષ્ટપણે દર્શાવે છે. સ્વયં મહારાજા હણવંતસિંહે કબૂલ્યું છે કે અંગ્રેજ શાસનના અંત પછી કોંગ્રેસવાળાઓ ઉત્પાત મચાવે એવા ડરથી હું પાકિસ્તાન સાથે જોડાવા માટે જરૂર લલચાયો હતો. જોકે, એમના અનુગામી અને ગુજરાતના ધ્રાંગધ્રા સ્ટેટના ભાણેજ ‘મહારાજા’ ગજસિંહએ રાઠૌરની પ્રસ્તાવનામાં મહારાજાને ‘રાષ્ટ્રવાદી’ અને ‘પ્રજાવત્સલ’ ગણાવવા પર વધુ ભાર મૂક્યો છે.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક 8th July 2017
અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2tEz5QV)


comments powered by Disqus