ફિલ્મમેકર કબીર ખાન નિર્દેશિત ફિલ્મ ‘ટ્યૂબલાઈટ’માં સલમાન ખાન, સોહેલ ખાન, ઓમ પુરી, મોહમ્મદ જીશાન, માતિન રે તાંગુ અને ઝૂઝૂ મુખ્ય ભૂમિકામાં છે. એક્શન અને ઇમોશનથી ભરપુર આ ફિલ્મમાં સલમાન ખાન તમને થોડો બેબસ અને પરિસ્થિતિઓ સામે ઝઝૂમતો પણ દેખાશે અને ઇમોશનલ થઈને આંખમાંથી આંસુ છલકાવતો પણ દેખાશે. આ ફિલ્મ હોલિવૂડની મૂવિ ‘લિટલ બોય’થી પ્રેરિત છે. ‘લિટલ બોય’ અલેઝાંદ્રો મોન્તવર્દે ડિરેક્ટ કરી હતી.
વાર્તા રે વાર્તા
‘ટ્યૂબલાઈટ’નું બેકગ્રાઉન્ડ ઉત્તર-પૂર્વ ભારતના શહેર જગતપુરનું છે. આ શહેરમાં રહેતા લક્ષ્મણ સિંહ બિસ્ત (સલમાન ખાન)ને તેના પડોશીઓ ટ્યૂબલાઈટ કહીને બોલાવે છે કારણ કે તે સીધો સાદો છે અને તેનું દિમાગ પણ થોડું ધીમું ચાલે છે. શહેરના લોકો લક્ષ્મણની માસૂમિયત ભરી બેવકૂફીઓ પર હસે છે અને કોઈક તેનો ફાયદો પણ ઊઠાવે છે. લક્ષ્મણને તેના બન્નેચાચા (ઓમ પુરી)એ ઉછેર્યો છે. તેને દરેક મુસીબતમાં ગાંધીજીનું જ્ઞાન અમલમાં મૂકવાનું તેમણે શીખવ્યું છે. સ્પેશિયલ હોવા છતાંય લક્ષ્મણનો જિંદગી જીવવાનો મંત્ર છે કે જો તમને તમારી જાત પર ભરોસો હોય તો તમે કંઈપણ કરી શકો. ત્યાં સુધી કે યુદ્ધ પણ રોકાવી શકો.
લક્ષ્મણ જે મહોલ્લામાં રહે છે ત્યાં જ નારાયણ (મોહમ્મદ જીશાન) પણ રહે છે જે લક્ષ્મણને કારણ વગર થપ્પડ માર્યા કરતો હોય છે અને તેનું બધા વચ્ચે અપમાન કરતો હોય છે. લક્ષ્મણ અપમાન થવાથી દુઃખી રહ્યા કરે છે. દરમિયાન ચીનથી સુંદર લિલિંગ (ઝૂઝૂ) અને ચુલબુલો ગુઓ (માતિન) જગતપુર આવે છે. ભારત-ચીન વચ્ચે યુદ્ધ છેડાયું હતું એ સમયની આ વાર્તામાં લક્ષ્મણની કહાની એ યુદ્ધ સાથે જોડાય છે. ઓછી બુદ્ધિ ધરાવતો લક્ષ્મણ યુદ્ધના સમયમાં પોતાની સાદગીથી લોકોની મદદ કરે છે તેમને યુદ્ધથી દૂર રહેવા સમજાવે છે.
સ્પેશ્યલ સ્પેશ્યલ
ફિલ્મમાં પ્રીતમના બે ગીત ‘નાચ મેરી જાન’ અને ‘સજન રેડિયો’ સારા છે. શાહરુખનો કેમિયો આ ફિલ્મમાં ખાસ્સી ચર્ચામાં રહ્યો છે. શાહરુખે એક જાદુગર ગો-ગો પાશાનો મહત્ત્વનો રોલ ભજવ્યો છે. અસીમ મિશ્રાનું કેમેરા વર્ક ઘણું સારું છે.

