હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ફર્સ્ટ ફેમિલી તરીકે ઓળખાતા કપૂર કુટુંબનાં પીઢ અભિનેતા શશી કપૂરનું મુંબઈની કોકિલાબહેન અંબાણી હોસ્પિટલમાં અવસાન થયું છે. ૭૯ વર્ષની વયે તેમણે મુંબઈની કોકિલાબહેન હોસ્પિટલમાં છેલ્લાં શ્વાસ લીધા હતા. શશી કપૂર છેલ્લા કેટલાક સમયથી છાતીમાં થયેલા ઈન્ફેક્શનથી પીડાતા હતા. તેમની પર અનેક બાયપાસ સર્જરી થઈ હતી. તેમના અંતિમ સંસ્કાર પાંચમીએ કરાયા જેમાં કપૂર પરિવાર ઉપરાંત અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, સંજય દત્ત, અનિલ કપૂર સહિતના કલાકારો હાજર હતાં. વર્ષ ૨૦૧૧માં તેઓ પદ્મભૂષણથી સન્માનિત થયા હતા. વર્ષ ૨૦૧૫માં તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સન્માનીય દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. પૃથ્વીરાજ કપૂર અને રાજ કપૂર બાદ આ પુરસ્કાર મેળવનારા તેઓ ત્રીજા સદસ્ય હતા.
શશી કપૂરનો જન્મ ૧૮ માર્ચ, ૧૯૩૮ના રોજ થયો હતો. પિતા પૃથ્વીરાજ કપૂરના પૃથ્વી થિયેટરના નાટક ‘શકુંતલા’થી તેમણે એક્ટિંગમાં કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ ૧૯૪૮માં આવેલી ફિલ્મ ‘આગ’માં બાળ કલાકાર તરીકે તેમણે ઇન્ડિયન સિનેમામાં પદાર્પણ કર્યું હતું. તેમણે છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડમાંથી સંન્યાસ લીધો હતો. વર્ષ ૧૯૯૮માં આવેલી ફિલ્મ ‘જિન્ના’ તેમના કરિયારની છેલ્લી ફિલ્મ હતી. પોતાના જીવનકાળમાં શશીએ અનેક હિન્દી અને અંગ્રેજી ફિલ્મોમાં કામ કર્યું છે. શશી કપૂર કેટલીક ફિલ્મોના નિર્માતા પણ રહી ચૂક્યા હતા. સાઠ અને સિત્તેરના દાયકામાં તેમણે ‘જબ જબ ફૂલ ખિલે’, ‘કન્યાદાન’, ‘શર્મીલી’, ‘આ ગલે લગ જા’, ‘રોટી કપડા ઔર મકાન’, ‘ચોર મચાયે શોર’, ‘દિવાર’, ‘કભી કભી’ અને ‘ફકીરા’ જેવી અનેક હિટ ફિલ્મો આપી હતી. તેમણે કુલ ૧૬૦ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાંથી ૧૪૮ હિન્દી અને ૧૨ અંગ્રેજી ફિલ્મો છે.

