વડીલો સહિત સર્વ વાચક મિત્રો, આ યુવા યુગલનો ફોટોગ્રાફ જૂઓ... જે પ્રકારે પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ એકબીજાની આંખ્યુમાં આંખ્યું પરોવીને ભાવિ સપનાંઓને તાદૃશ્ય થતાં નિહાળી રહ્યા છે એ જોતાં તો એવું જ લાગે કે મે મહિનામાં બન્નેના લગનની શરણાઇયું (હા, બાપલ્યા હા... અહીં ટ્રમ્પેટ્યું...) વાગશે, મેગનબહેન રાજમહેલમાં કંકુપગલાં પાડશે તે સાથે જ સહજીવનનો આરંભ થઇ જશે. પણ આ બધું ખરેખર આટલું સરળ છે ખરું?
મારા વાલેરા વાચક મિત્રો, નરી આંખે આવું દેખાતું ભલે હોય, પણ આમ થવાની શક્યતા રતિભારેય નથી. બ્રિટિશ સંસ્કૃતિ ભલે પારિવારિક સહયોગ અને પેઢી - દર પેઢી પરંપરા (ટ્રેડિશન)ને પ્રાધાન્ય આપતી રહી હોય, પરંતુ છેલ્લા વર્ષોમાં બ્રિટિશ સરકારે આશાવાદી દંપતીઓના માર્ગમાં કાયદા-કાનૂનના અનેક અંતરાયો ઉભા કર્યા છે. થેરેસા મે અત્યારે ભલે વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળતા હોય, પણ અગાઉ તેઓ સતત છ વર્ષ હોમ સેક્રેટરી (ગૃહ પ્રધાન) તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યાં છે. ૨૦૧૨માં તો તેમણે ઇમિગ્રેશન કાયદાઓની જોગવાઇ એટલી કડક કરી નાખી છે કે લોકો તોબા પોકારી જાય. આમાં પણ તેમણે ફિયોન્સ-ફિયાન્સી કેટેગરીના વિઝાના નિયમો તો એટલી હદે આકરા કરી નાખ્યા છે કે વાત ન પૂછો. મિલન માટે તડપતા યુવા હૈયાઓને મેડમ થેરેસા મે હિન્દી ફિલ્મોના વિલન પ્રાણ કે પ્રેમ ચોપરા જેવા લાગતાં હોય તો પણ નવાઇ નહીં.
પ્રિન્સ હેરી ભલે રાજગાદીના પાંચમા ક્રમના સીધા વારસદાર ગણાતા હોય, પરંતુ તેમના માટેય ઈમિગ્રેશન નિયમમાં કોઇ અપવાદ નથી. આપણે સહુ જાણીએ છીએ કે રાજગાદીના દાવેદારોમાં નામદાર મહારાણી એલિઝાબેથ-દ્વિતીય પછી બીજા ક્રમે પ્રિન્સ ચાર્લ્સ છે, પછી પ્રિન્સ વિલિયમ આવે, તેમના પછીના ક્રમે તેમનો પુત્ર જ્યોર્જ આવે અને પછી હેરીનું નામ મૂકાય છે. થોડાક સમયમાં ડચેસ ઓફ કેમ્બ્રિજ, શ્રીમતી વિલિયમ જ્યારે ત્રીજા સંતાનને જન્મ આપશે ત્યારે તે છઠ્ઠા ક્રમે હશે. આવા, ભાવિ રાજાને તે વળી ઇમિગ્રેશન કાયદા થોડા કંઇ નડી શકે? પ્રિન્સ હેરીને તે વળી સ્પાઉઝ વિઝાની શું ચિંતા હોય? સહુ કોઇ આવું માને છે, પણ હકીકત જુદી જ છે.
બ્રિટનમાં કાયદો સહુ માટે સમાન છે. મને - તમને કે આપણને જે કાયદો લાગુ પડે છે તે જ (લગભગ) બધી જ જોગવાઇઓ રાજ પરિવારના સભ્યોને પણ લાગુ પડે છે. આ દેશમાં કાયદાની નજરે સહુ સમાન છે - કોઇ ઊંચનીચ નથી. અત્યારના ઇમિગ્રેશન કાયદામાં જે કડકાઇ જોવા મળે છે તેમાંની મોટાભાગની જોગવાઇ મેડમ મેના ગૃહ પ્રધાન તરીકેના કાર્યકાળમાં અમલી બની છે. હેરી ભલે રાજકુંવર રહ્યો, પણ મેગનને પરણી લાવશે ત્યારે તેનેય હોમ ઓફિસ અને ઇમિગ્રેશન લો સાથે લચ્છા લેવા પડશે. મેગનને પરણ્યા એટલે મહેલમાં તેડાવી લીધાં એવું નહીં થઇ શકે.
આ દેશનું નાગરિકત્વ ધરાવતી વ્યક્તિ - પછી તે પુરુષ હોય કે સ્ત્રી - તેના ભાવિ જીવનસાથીને બ્રિટન લાવવા માગતી હોય તો તેણે ક્યા પ્રકારની ઇમિગ્રેશન પ્રોસેસમાંથી પસાર થવું પડે છે, કેવી પ્રોસિઝરને અનુસરવી પડે છે તે જાણવા-સમજવા માટે મેં સંગત કોમ્યુનિટી સેન્ટરના કાંતિ નાગડાનો સંપર્ક સાધ્યો. ઇમિગ્રેશન જોગવાઇ બાબતે ખૂબ વિશ્વસનીય અને નજીવી ફી લઇને માર્ગદર્શન સેવા પૂરી પાડતા કાંતિભાઇને ફોન કરીને પૂછ્યું કે કોઇ વ્યક્તિ તેની ફિયોન્સ કે ફિયાન્સીને કે આ દેશમાં લાવવા ઇચ્છતી હોય તો તેણે કેવી જોગવાઇને અનુસરવું પડે છે? હેરી તો રાજપરિવારનું ફરજંદ છે, પ્રિન્સ છે તો તેમના માટે ઇમિગ્રેશન લોમાં ખાસ કોઇ રાહતજનક જોગવાઇ ખરી? તેમણે ભારપૂર્વક કહ્યુંઃ ‘ના... હેરી પ્રિન્સ હોય તો શું થઇ ગયું? તેમણેય નિયમને અનુસરવું પડશે... વિઝા ફી ભરવી પડશે.’ આ પછી કાંતિભાઇએ જે જાણકારી આપી તેનો અર્ક અહીં રજૂ કરી રહ્યો છું.
અત્યારના ઇમિગ્રેશન લો પ્રમાણે, બ્રિટનમાં કાયદેસર વસવાટ કરતી વ્યક્તિ - પછી તે બ્રિટિશ સિટિઝન હોય કે ન હોય (ઈનડેફીનેટ લીવ ટુ રીમેઈન હોવું જરૂરી છે) - જો વિદેશથી ફિયાન્સ કે ફિયાન્સીને આ દેશમાં - વિઝિટર તરીકે - બોલાવવા ઇચ્છતી હોય અને જો પછી લગ્ન કરીને અહીં સાથે રહેવા માગતી હોય તો તેણે અલગ અલગ વિઝાની વ્યવસ્થા કરવી પડે. આપણે પ્રિન્સ હેરીના ઉદાહરણથી જ આ કાનૂની જોગવાઇઓ સમજીએ.
પ્રિન્સ હેરીની ફિયાન્સી (વાગ્દતા) અત્યારે લંડનમાં આવી ગઇ છે, જે વિઝિટર તરીકે વિઝા લઇને આવી છે તેમ માની લઈએ. તે અહીં પ્રિન્સ હેરી સાથે પરણી તો શકે, પરંતુ જો તે આ દેશમાં જ સંસાર માંડવા ઇચ્છતી હોય તો તેને પાછું સ્વદેશ જવું પડે. આ પછી ત્યાંથી સ્પાઉઝ અથવા તો ફીયાન્સી વિઝા મેળવીને પાછું આવી શકાય, પરંતુ જો મેગનને ફિયાન્સી તરીકે આ દેશમાં આવવું હોય તો વિઝા ફી પેટે ૧૪૬૪ પાઉન્ડ ફી ચૂકવવી પડે. જો બંનેના લગ્ન અહીં થઈ જાય તો પણ મેગને પાછું તો જવું જ પડે અને સ્પાઉઝ વિઝા મેળવવા પડે.
મેગન અંગ્રેજી ભાષામાં પ્રાવીણ્ય ધરાવે છે કેમ કે તે જે દેશથી - કેનેડાથી - આવે છે ત્યાંની પ્રાયમરી ભાષા અંગ્રેજી છે. પરંતુ ધારો કે મેગનના દેશની મુખ્ય ભાષા અંગ્રેજી ન હોત તો? બહેને લગ્નના છ મહિનામાં ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ આપવો પડે.
મેગને વિઝિટર વિઝા પર આ દેશમાં આવ્યાના છ મહિનામાં હેરી સાથે લગ્ન કરી લેવા પડે. લગ્ન કર્યા પછી વ્યક્તિને સ્પાઉઝ વિઝા મળે. તેની ફી છે ૯૯૩ પાઉન્ડ. જો તમારે અરજન્ટ વિઝા જોઇએ છે? તો ચૂકવો ૧૫૮૩ પાઉન્ડ. સ્પાઉઝ વિઝાની મુદત અઢી વર્ષની હોય છે. તેની સાથે હેલ્થ સરચાર્જના નામે ૫૦૦ પાઉન્ડનો ચાંલ્લો કરવો પડે તે અલગ.
અઢી વર્ષ પૂરાં થયા એટલે તમારી વિઝાની પળોજણ પણ પૂરી એવું નથી. આ મુદત પૂરી થયે તમારે બીજા અઢી વર્ષ માટે એક્સટેન્શન લેવું પડે. આ માટે તમારે ૯૦૩ પાઉન્ડ ચૂકવવા પડે. આમાં અરજન્ટ વિઝાની સગવડ છે. એક જ દિવસમાં એક્સટેન્શન મળી જાય, પણ આ માટે ૧૫૩૦ પાઉન્ડ ઢીલા કરવા પડે. સાદું એક્સટેન્શન લો કે અરજન્ટ કેટેગરીમાં, હેલ્થ સરચાર્જના નામે ૫૦૦ પાઉન્ડનો ચાંલ્લો તો આ વખતે પણ નવેસરથી કરવાનો જ.
કોઇ વ્યક્તિ, સ્પાઉઝ વિઝા પર આ દેશમાં પાંચ વર્ષની મુદત પૂરી કરે એટલે એક ઔર કોઠો વીંધવાનો આવે. જો અરજદાર વ્યક્તિનું લગ્નજીવન ચાલુ હોય અને તે કાયમી ધોરણે આ દેશમાં વસવાટ કરવા માગતી હોય તો તેણે ૨૨૯૭ પાઉન્ડની ફી ચૂકવીને આગળની કાર્યવાહી કરવાની રહે. આ તબક્કો આઇએલઆર (ઇન્ડેફિનેટ લીવ ટુ રિમેઇન) કેટેગરી તરીકે ઓળખાય છે.
અરજદાર વ્યક્તિ ઈંગ્લિશ સ્પીકીંગ કન્ટ્રીમાંથી આવતી હોય તો પણ તેણે ૫૦ પાઉન્ડ ભરીને લાઈફ ઈન ધ યુકે ટેસ્ટ તો આપવી જ પડે છે. આ ટેસ્ટ આપણા દેશના ઇતિહાસ, રાષ્ટ્રીય બાબતો આધારિત હોય છે.
આટલું કર્યા પછી તો બ્રિટિશ સિટિઝનશીપ પાક્કીને?! જી ના... હજી એક કોઠો વીંધવાનો બાકી રહે છે.
આઇએલઆર કેટેગરીમાં અરજી મંજૂર થયા પછી બ્રિટિશ સિટિઝનશીપ માટે અરજી કરવાની રહે છે. આની ફી છે - ૧૨૮૨ પાઉન્ડ.
વાચક મિત્રો, હોમ ઓફિસે રચેલા અભિમન્યુના સાત કોઠા જેવા આ તબક્કા પસાર કરી લીધા એટલે વાત પૂરી એવું નથી... પાઘડીનો વળ હજુ છેડે નથી આવ્યો. સિટિઝનશીપ મળી ગયાનો મતલબ એવો નથી કે તમને બ્રિટિશ પાસપોર્ટ પણ મળી ગયો. આ માટે તમારે અલગથી અરજી કરવી પડે છે.
સિટિઝનશીપ સર્ટિફિકેટ હાથમાં આવી જાય એટલે પછી તમારે બ્રિટિશ પાસપોર્ટ માટે અરજી કરવાની રહે છે. ફી છે ૭૫.૫૦ પાઉન્ડ.
આ વિઝા ફી, અરજી ફી, પાસપોર્ટ ફી વગેરે બધું આજે લખ્યા તારીખ ૪ ડિસેમ્બર ૨૦૧૭ અનુસાર છે. થેરેસા સરકારની ડાગળી ચસકે તો ગમેત્યારે આ ફીમાં વધારો લાદી શકે છે, પરંતુ સામાન્ય શિરસ્તો એવો રહ્યો છે કે હોમ ઓફિસ દર વર્ષે એપ્રિલમાં આ ફી વધારો ઝીંકે છે.
ટૂંકમાં કહું તો... મેગન પ્રિન્સ હેરીને વરે કે બીજા કોઇ મનના માણિગરને, હોમ ઓફિસના નામે લગભગ ૭૦૦૦ પાઉન્ડનો ખર્ચો નક્કી છે - પછી આ નાણાં તે ખર્ચે કે તેનો ભરથાર ખર્ચે.
બાપલ્યા આ બધું લખ્યા પછી એ પણ કહી જ દઉં કે ભૂલચૂક લેવીદેવી. બધા આંકડા ચોકસાઇપૂર્વક લખ્યા છે, છતાંય ફીમાં ક્યાંક આગળપાછળ હોય તો પાછા કાન પકડવા આવતા નહીં.
આ ઉપરાંત બીજો પણ કોયડો છે - જે હેરીને કનડી શકે છે. સ્પાઉઝ માટે વિઝા અરજી કરનાર અરજદાર માટે લઘુતમ આવક પણ અનિવાર્ય છે. જો હેરી તેની ફિયાન્સી મેગન માટે સ્પાઉઝ વિઝા કેટેગરીમાં અરજી કરવા માગતો હોય તો તેની વાર્ષિક આવક ૧૮,૬૦૦ પાઉન્ડ હોવી ફરજીયાત છે. હેરી માટે આ જોગવાઇ અડચણરૂપ બની શકે છે. પ્રિન્સ હેરી ૨૦૧૫ સુધી તો બ્રિટિશ આર્મીમાં ફુલ ટાઇમ કામ કરતા હતા. સારું વેતન મેળવતા હતા, જ્યારે હાલ તેઓ ચેરિટીનું કામ કરી રહ્યા છે. આ ક્ષેત્રે કોઇ નિશ્ચિત આવક તો હોય નહીં.
હા, અહીં એક બાબત આપણને - સામાન્ય પ્રજાજનોને - અને પ્રિન્સ હેરીને અલગ પાડે છે. હેરી રાજપરિવારનું ફરજંદ છે. તેઓ પ્રિન્સ ચાર્લ્સના પુત્ર હોવાના નાતે લાભમાં છે. ડચી ઓફ કોર્નવોલની સ્થાવર-જંગમ મિલકત શાહી પરિવારના ભરણપોષણ માટે લખાઇ છે. આ આવક પર તેમનોય હક્ક-દાવો હોવાથી તેમને લઘુતમ આવકના આંકડા બાબતે વાંધો આવે તેમ નથી.
આ ઉપરાંત કાયદામાં બીજી પણ એક જોગવાઇ છે. જો પ્રિન્સ હેરી અને મેગન પાસે બ્રિટનમાં ૬૨,૫૦૦ પાઉન્ડની બચત હોય તો તેઓ લઘુતમ આવકની જોગવાઇમાંથી મુક્તિ મેળવવા પાત્ર ઠરે છે. લઘુતમ આવકની જોગવાઇને બચતની આ જોગવાઇ સરભર કરે છે.
સંનિષ્ઠ સમાજસેવક એવા કાંતિ નાગડા સહિતના ઇમિગ્રેશન કાયદાના જાણકારોનું સ્પષ્ટ માનવું છે કે આ કાનૂની માયાજાળ આખરે તો સરકાર માટે દૂઝણી ગાય જેવી સાબિત થઇ રહી છે. પૈણ ચઢ્યું હોય તે યુવક કે યુવતી આઘાપાછા કરીને પણ સાતથી નવ હજાર પાઉન્ડના ખર્ચાની જોગવાઇ કરી જ લે છે. આમાં પણ જો અરજી માટે વકીલની મદદ લીધી હોય તો તેની ૨૦૦૦થી ૫૦૦૦ પાઉન્ડની ફી અલગ. સરકારે વિઝા ફી જાણી જોઇને ઊંચી રાખી છે. આની પાછળ તેની મેલી મુરાદ છે. એક તો ઊંચી વિઝા ફી હોય તો બ્રિટનમાં વસતો યુવક કે યુવતી તેના વિદેશવાસી જીવનસાથીને બ્રિટન બોલાવે જ નહીં. અને બીજું, જો આર્થિક ત્રેવડ હોય ને જીવનસાથીને વસવાટ માટે બ્રિટન તેડાવે જ તો સરકારને વિઝા ફી પેટે તગડી કમાણી થાય. આવી બેધારી નીતિથી સરકારના બેય હાથમાં લાડુ છે.
થેરેસા મેએ તો ગૃહ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી ઇમિગ્રન્ટ્સની સંખ્યા અંકુશમાં રાખવા ચોટલી વાળી છે. શાસકો દેશના અર્થતંત્ર પર બોજરૂપ બનતા ઇમિગ્રન્ટ્સ પર અંકુશ લાદે તો એ સમજી શકાય, પરંતુ મેડમ મે તો પાપડી ભેગી ઇયળ બાફી રહ્યા છે. કૌટુંબિક જીવનમાં અવરોધરૂપ બની રહેલી સરકારી જોગવાઇઓ માટે તો એટલું જ કહી શકાય કે બ્રિટનમાં વર આવો કે વહુ આવો, પણ સરકારી તિજોરી ભરતા રહો...
બ્રિટિશ રાજાશાહી અને પરિવર્તન પ્રક્રિયા
વાચક મિત્રો, આપણા દેશમાં લગભગ સહુ કોઇ પ્રિન્સ હેરીને તેમના રાજપરિવારનું ટાઇટલ ‘પ્રિન્સ’ કોરાણે મૂકીને માત્ર હેરી તરીકે જ સંબોધે છે. કોઇ જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા તેઓ પહોંચે અને જનમેદનીમાંથી કોઇ માત્ર તેમને નામજોગ સંબોધીને બૂમ પાડે તો તેઓ હસતા મોંએ પ્રતિભાવ પણ આપે. પ્રિન્સ ચાર્લ્સથી માંડીને પ્રિન્સ વિલિયમ માટે આ પ્રકારે સંબોધન ન થઇ શકે. કહેવાનું તાત્પર્ય એટલું કે હેરીના વર્તન-વ્યવહાર તો એકદમ મારા-તમારા જેવા, આમ આદમી જેવા છે, પણ મેગનને આપણે શું કહીને શું સંબોધશું?!
મેડમ મેગન પણ ન કહેવાય અને મિસ મેગન તરીકે સંબોધી ન શકાય. મારા જેવડી વયના - તેના દાદા જેવડા લોકો મેગનબહેન પણ ન કહી શકે. તો શું તેમને મેગનવહુ કહેવું? મારા ગ્રાન્ડ ચિલ્ડ્રને તેમને શું સંબોધન કરવું જોઇએ - મેગનભાભી કે મેગનફોઇ?
મેગનને ક્યું સંબોધન યોગ્ય છે તેનું ખરું ડીંડવાણું છે નહીં?! જોકે અત્યારે તો આપણે તેમને મેગન તરીકે જ સંબોધશું. આ જ અંકમાં અન્યત્ર મેગનની સાત પેઢીના સંબંધોને નજરમાં રાખીને વંશાવળી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. ૩૩ વર્ષનો કુંવર ૩૬ વર્ષની મેગન સાથે ઘરસંસાસર માંડશે. મેગન પાસે અત્યારે કેનેડિયન પાસપોર્ટ છે. માતા આફ્રિકન-અમેરિકન છે. જ્યારે પિતા રશિયન-આઇરિશ છે. સૈકાઓ પૂર્વે અમેરિકામાં ગુલામી પ્રથા અમલમાં હતી ત્યારે લાખો લોકોને આફ્રિકાથી લઇ જવાયા હતા તેમાં મેગનના વડવાઓ પણ હતા.
ટૂંકમાં કહું તો બ્રિટિશ રાજા પરિવારમાં તાજેતરના વર્ષોમાં પહેલી વખત બિનગૌર અથવા તો મિશ્ર જાતિની વ્યક્તિ સામેલ થઇ રહી છે. રૂઢિચુસ્ત માન્યતા ધરાવતા ઘણા લોકોને રાજપરિવારના આ પગલાં માટે આ નવાઇ લાગી રહી છે, પણ હકીકત એ છે કે ૨૦૦ વર્ષ પૂર્વે પણ બ્રિટનના શાહી પરિવારમાં આફ્રિકન મિશ્ર જાતિનાં મહિલા પ્રવેશી ચૂક્યાં છે. હું નામદાર મહારાણી એલિઝાબેથ દ્વિતીય, તેમના પતિ પ્રિન્સ ફિલિપ તેમજ સહુ પરિવારજનોને આ અકલ્પનીય પરિવર્તન હરખભેર વધાવી લેવા બદલ અભિનંદન આપું છું. શાબાશી આપું છું. હું જે કર્મભૂમિમાં વસી રહ્યો છું તે બ્રિટન માટે ગૌરવની લાગણી અનુભવું છું. મારા મતે આ કિસ્સામાં સૌથી વધુ પરિપકવતા, સમજદારી, સંવેદનશીલતા દાખવી હોય તો તે નામદાર સામ્રાજ્ઞી એલિઝાબેથે - તેમને મારા લાખેણા સલામ.
આજથી લગભગ ૭૦ વર્ષ પૂર્વે નામદાર મહારાણી એલિઝાબેથના નાના બહેન પ્રિન્સેસ માર્ગરેટ રોયલ એરફોર્સમાં ગ્રૂપ કેપ્ટન તરીકે ફરજ બજાવતા પિટર ટાઉન્સટેનના પ્રેમમાં પડ્યા ત્યારે હોબાળો મચી ગયો હતો. ગ્રૂપ કેપ્ટન ટાઉન્સટેન અગાઉ પરણેલા હતા. ડિવોર્સી હતા. બ્રિટનની રાજગાદી ઉપર મહારાણી એલિઝાબેથ-દ્વિતીય હતા. જ્યારે અત્યંત રૂપવાન અને પ્રતિભાસંપન્ન પ્રિન્સેસ માર્ગરેટ બીજા નંબરના ગાદીવારસ હતા. બ્રિટનમાં તે વેળા બંધારણીય જોગવાઇ હતી કે રાજપરિવારના કુંવર કે કુંવરી જો ડિવોર્સી સાથે ઘરસંસાર માંડે તો તેને ગાદીવારસ તરીકે હક ગુમાવવો પડે. એટલું જ નહીં, આ લગ્ન માટે સરકારી મંજૂરી પણ ફરજીયાત હતી. લગ્નને કાયદેસર માન્યતા માટે બ્રિટિશ સરકારની પરમિશન મેળવવી આવશ્યક હતી. આ બંધારણીય જોગવાઇને અનુસરતા પ્રિન્સેસ માર્ગરેટે તત્કાલીન ચર્ચિલ સરકાર સમક્ષ પોતાના લગ્નસંબંધ માટે મંજૂરી માગી હતી. અને વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલે બહુ નમ્રતાપૂર્વક પણ મક્કમતા સાથે આ અરજી ફગાવી દીધી હતી. ચર્ચિલે જણાવ્યું કે માફ કરજો, પરંતુ અમે આ લગ્ન માટે મંજૂરી આપી શકીએ તેમ નથી. અને...
પ્રિન્સેસ માર્ગરેટ માર્ગ ભૂલી ગઇ. પ્રથમ પ્રેમ લગ્નના ઉંબરેથી પાછો પડે છે ત્યારે વ્યક્તિ પારાવાર પીડામાં સરી પડે છે. માર્ગરેટ પોતાનો ગમ ભૂલવા માટે આલ્કોહોલ-સ્મોકિંગના રવાડે ચડી ગયાં. અનેક લફરાં કર્યાં. પરણ્યાં. સંતાન થયાં. ડિવોર્સ થયાં. ભૌતિક સુખસુવિધા તો ભરપૂર હતી, પણ માનસિક તણાવે તેમને અંદરથી કોરી નાંખ્યા હતા. બેફામ જીવનશૈલીના કારણે નાની વયે જ આ ફાની દુનિયા છોડી ગયાં. આ બધાના મૂળમાં તત્કાલીન રૂઢિચુસ્ત શાહી પ્રણાલિ હતી.
નામદાર મહારાણી એલિઝાબેથને ચાર સંતાનો છે. પાટવી કુંવર પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સેસ એન, લાડકો પ્રિન્સ એન્ડ્રયુ... આ ત્રણેય સંતાનો બધી રીતે શૂરાપૂરા છે. અખબારી માધ્યમોમાં તેમના જીવનની બહુ ચિતરામણ થઇ ચૂકી છે. એક માત્ર પ્રિન્સ એડવર્ડ, ડ્યુક ઓફ વેસેક્સ સીધુસાદું જીવન વીતાવી રહ્યા છે. ચાર્લ્સ - ડાયનાની તો વાત જ શું કરવી?! ૧૯ વર્ષની કોડભરી કન્યાને ૩૦ વર્ષના પ્રિન્સ સાથે પરણાવવાનું નક્કી થયું. વાચક મિત્રો, તમે નહીં માનો પણ તે વેળા ડાયનાના કોઇની સાથે લફરાં રહ્યાં છે કે નહીં તેની પણ તપાસ થઇ હતી. એટલું જ નહીં, પણ વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળે છે એમ તેની વર્જિનિટીની (કૌમાર્યતાની) તપાસ થઇ હોવાના પણ પૂરતા કારણો છે.
ડાયનાની વાત તો અત્યંત પીડા સાથે રજૂ કરવી જ પડે. બહુ મોટી આશા સાથે તેણે પ્રિન્સ ચાર્લ્સ સાથે સંસાર વસાવ્યો હતો. પરંતુ લગ્નવિચ્છેદ થયો. પ્રિન્સે ભૂતપૂર્વ પ્રેમિકા કેમિલા સાથે અનુસંધાન સાધ્યું. તો ડાયનાએ પણ મનગમતાં પાત્રો સાથે રંગરેલિયા મનાવી. ડોડી ફાયાદ સાથે પ્રણયફાગ ખેલતાં ખેલતાં જીવ ગુમાવ્યો. ડોડી ઇજિપ્શ્યન મુસ્લિમ પરિવારનું ફરજંદ હતો. પેરિસમાં આ પ્રેમીપંખીડાનો જીવ લેનારી કાર દુર્ઘટના ‘માત્ર અકસ્માત’ નહોતો તેવું ઘણા લોકો માને છે. સંભવ છે કે ધર્મનો ગંભીર ભેદભાવ કારણભૂત હશે.
ખેર, આ બધી વાતો જવા દઇએ...
બ્રિટિશ રાજ પરિવારની ભવ્ય પરંપરાના મશાલચી એવા નામદાર મહારાણીએ ૯૦ વર્ષની વયે જે પ્રકારે મેગનને પરિવારમાં આવકારી છે તે અત્યંત પ્રસન્નતાની સાથોસાથ ગૌરવપ્રદ બાબત છે. આ સપ્તાહે મેં કોલમ સાથે બહુ વિચારપૂર્વક સાડા છ દસકા જૂની ફિલ્મનું ગીત રજૂ કર્યું છે. ૧૯૫૧ની આ ફિલ્મનું નામ છે ‘બાઝી’ અને ગીતકાર સાહિર લુધિયાનવીના શબ્દોને સ્વર આપ્યો છે મદહોશ અવાજની મલ્લિકા ગીતા દત્તે. આ ગીતમાં સાહિર સાહેબે ભલે તકદીરની વાત કરી હોય, પણ હું તેમાં મહદ્ અંશે માનતો નથી. આપણા સહુના જીવનને એક યા બીજા પ્રકારે આ ગીતના શબ્દો લાગુ પડે છે. આપણે સહુ કેવી રીતે જીવન વીતાવીએ છીએ... નાના-મોટા અવરોધો, સમસ્યાને કઇ રીતે ઉકેલીએ તેના ઉપર જ આપણા જીવન સાફલ્યનો આધાર હોય છેને?! આપણી જિંદગીમાં આકાર લેતી સારીનરસી બાબતોના સરવાળા-બાદબાકી, ગુણાકાર-ભાગાકારનો આધાર જીવન પ્રત્યેના આપણા અભિગમ પર રહેલો હોય છે. પરિવર્તન સૃષ્ટિનો અફર નિયમ છે તે સહુએ સ્વીકારવું રહ્યું. અને આ માટે મૂલ્યો સાથે સમાધાન કરવાની જરૂર નથી, પણ સમય સાથે કદમ તો મિલાવવા જ રહ્યા. નામદાર મહારાણીએ મેગનને રાજપરિવારમાં આવકારીને આમ જ કર્યું છે. (ક્રમશઃ)
ફિલ્મઃ બાઝી (૧૯૫૧)
સિંગરઃ ગીતા દત્ત
ગીતકાર- સાહિર લુધિયાનવી
તદબીર સે બિગડી હુઈ, તકદીર બના લે
અપને પે ભરોસા હૈ તો એક દાવ લગા લે
ડરતા હૈ જમાને કી નિગાહોં સે ભલા ક્યોં?
ઈન્સાફ તેરે સાથ હૈ, ઈલ્જામ ઊઠા લે
ક્યા ખાક વો જીના હૈ જો અપને હી લિયે હો
ખુદ મિટ કે કિસી ઔર કો મિટને સે બચા લે
તૂટે હુએ પતવાર હૈં કશ્તી કે તો ગમ ક્યા
હારી હુઈ બાહોં કો હી પતવાર બના લે

