ભારતીય ન્યાયતંત્રમાં આવકાર્ય ચુકાદા

સી. બી. પટેલ Tuesday 05th September 2017 15:21 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, હકીકત તો સ્વીકારવી જ રહી કે ભારતની સુપ્રીમ કોર્ટમાં કે રાજ્યોમાં કાર્યરત હાઇ કોર્ટોમાં લાખોની સંખ્યામાં કેસો પેન્ડીંગ પડ્યા છે. ખટલાઓ વર્ષોથી ચાલ્યા જ કરે છે. ન્યાયમાં વિલંબના કારણો તો ઘણા હોય શકે છે, પણ વાસ્તવિક્તા તો એ છે કે ન્યાયાધિશોની સંખ્યામાં વધારો કરવાનું કાર્ય જોઇએ તેટલી ઝડપે થતું નથી. ખટલાઓ લંબાતા જ રહે છે તેનું બીજું એક કારણ એ પણ ખરું કે મુખ્યત્વે બચાવ પક્ષ એક યા બીજા કારણસર મુદત માગ્યે જ જાય છે. ભારતમાં તો સાક્ષીઓ પણ ફોડવા અઘરા નથી. ભ્રષ્ટાચારના ભોરીંગે સમાજને ચોગરદમથી ભીંસમાં લીધો છે ત્યારે મોટા ગજવાવાળા કે લાંબા હાથવાળા ગમે તેવા મજબૂત સાક્ષીઓને ફોડી શકે છે. સામાન્ય રીતે બ્રિટનમાં જે રીતે કાયદાતંત્ર અમલમાં છે અને સાથે સાથે જ નાગરિકોમાં પણ જે સિવિક સેન્સ પ્રવર્તે છે તેના પરિણામે અત્રે સત્વરે ન્યાય જોઇ શકાય છે.
ગુજરાતી ભાષામાં એક બહુ જાણીતી વાર્તા છે જેમાં એક માતા આખી જિંદગી તેના ચોર, લફંગા પુત્રને છાવરતી રહે છે. એક સમય એવો આવે છે કે પુત્રને ચોરીના કેસમાં મૃત્યુદંડ થાય છે. પુત્ર પોતાના જ કરતૂતોના કારણે ફાંસીના માંચડે લટકવા જઇ રહ્યો હોય છે ત્યારે તેને પોતાના કરતૂતોની ગંભીરતા સમજાય છે. અને રોષભેર માતાનું નાક કરડી ખાય છે અને પૂછે છે કે મેં જ્યારે ખોટા કામ કર્યા ત્યારે રોક્યો-ટોક્યો કેમ નહીં? જો તેં મને નાનપણમાં જ ગેરકાયદે કૃત્યો અટકાવ્યો હોત, ખોટા કામ કરતાં વાર્યો હોત તો આજે હું ફાંસીના માંચડે ના ઉભો હોત.
પણ આજે?! ભારત હોય કે અન્ય પછાત દેશો, લોકો ગુનેગારોને છાવરવામાં ગૌરવ અનુભવી રહ્યા છે. હરિયાણાના સિરસાનો બાબા રામ રહીમ તો આજકાલનો સમાચારમાં છે, પણ ગુજરાતમાં પાખંડી આસારામને જ જૂઓને. જાતીય દુષ્કૃત્યના આરોપસર કેટલાય વર્ષથી જેલમાં છે, પણ આ કેસના ફરિયાદી, સાક્ષીઓ પર એકથી વખત હુમલા થઇ ચૂક્યા છે, અમુક ‘લાપતા’ છે, અમુકની હત્યા થઇ ગઇ છે અને કેસ ચાલ્યા જ કરે છે. કેસ સાથે સંકળાયેલા લોકોનું જીવન હરામ થઇ ગયું છે. પોતાને ‘કૃષ્ણાવતાર’ ગણાવતા આસારામના દીકરા નારાયણસાંઇએ તો વળી પોલીસને ફોડવાનો પણ કારસો પણ ગોઠવ્યો હતો. જોકે ષડયંત્ર નિષ્ફળ જતાં તે જેલમાંથી બહાર નીકળી શક્યો નથી. બાપ-દીકરા સામેની કાનૂની કાર્યવાહી ચાલુ જ છે. કાર્યવાહી ભલે ધીમી ચાલે છે, બાપ-દીકરો તેને ખોરંભે પાડવા માટે શામ-દામ-દંડ-ભેદના તમામ પ્રયાસ અજમાવી ચૂક્યા છે, પરંતુ તેઓ કેસ પર કોઇ પ્રભાવ પાડી શક્યા નથી.
આ અને આવા બધા વિપરિત સંજોગો, બચાવ પક્ષ દ્વારા ઉભી થતી અનેક અડચણો છતાં ન્યાયતંત્રે તાજેતરમાં આપેલા ચુકાદાઓને નોંધપાત્ર ગણી શકાય. જેમ કે, ટ્રીપલ તલાક. આ બેહૂદા ધારો આજે પાકિસ્તાન સહિત મોટાભાગના મુસ્લિમ દેશોમાં પણ અમલી નથી, પણ ભારતમાં સદીઓથી અમલમાં હતો. કારણ હતું મતબેન્ક. લઘુમતીઓની આળપંપાળ કરવાની નીતિના કારણે અત્યાર સુધીની એક પણ સરકાર આ મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નહોતી. સરકાર પોતાનો પક્ષ રજૂ ન કરે ત્યાં સુધી ન્યાયતંત્રના પણ હાથ પણ બંધાયેલા હતા. તે આ મહત્ત્વપૂર્ણ મુદ્દે પોતાનો ચુકાદો આપી શકે તેમ નહોતું. મોદી સરકારે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. સરકારે એફિડેવિટ કરીને કોર્ટમાં જણાવ્યું કે ત્રણ તલાકની પ્રથા મુસ્લિમ મહિલાઓના સમાન અધિકારોનું હનન કરે છે. સાથે સાથે જ એવી પણ રજૂઆત કરી કે આજે પડોશી દેશ પાકિસ્તાન સહિતના કેટલાય મુસ્લિમ દેશોમાં પણ આ પ્રથા અમલી નથી ત્યારે ભારતમાં આ પ્રથાને માન્યતા આપવાનું કોઇ ઔચિત્ય જ નથી. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે બન્ને પક્ષકારોની રજૂઆતોને ધ્યાને લઇને ગયા મહિને ત્રણ વિરુદ્ધ બેની બહુમતીથી ટ્રીપલ તલાક પરંપરાને ગેરબંધારણીય ઠેરવી છે. સરકારને આ મુદ્દે કાયદો ઘડવા આદેશ આપ્યો છે. અને વિરોધ પક્ષને તેમાં સહકાર આપવા સૂચન કર્યું છે. આ ચુકાદો નાનોસૂનો નથી.
આ જ પ્રમાણે ગુરમીત રામ રહીમના કેસમાં હરિયાણામાં સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટે નોંધનીય ચુકાદો આપ્યો છે. કોર્ટે તેના ચુકાદામાં ધર્મના નામે ધતિંગ આચરીને પોતાના જ અનુયાયીઓનું શોષણ કરનાર રામ રહીમને ‘વાઇલ્ડ બિસ્ટ’ (જંગલી જાનવર) ગણાવ્યો છે. આ ખેપાની ગુરુએ ૭૦૦ એકર જમીનમાં તેનું વિશાળ સામ્રાજ્ય ઉભું કર્યું છે. આ તો તેનું વડું મથક. દેશના અન્ય ભાગોમાં તેના ૧૦૦થી વધુ આશ્રમો તો અલગ. ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની માલમિલકત. પાંચ કરોડથી વધુ કહેવાતા અનુયાયીઓ. આ અનુયાયીઓ પણ એવા કટ્ટર કે બાબાના ઇશારે કોઇની પણ હત્યા કરવા તૈયાર થઇ જાય. ભારતીય નેતાઓ આવા ધર્મગુરુની કદમબોસી ન કરે તો જ નવાઇ. અઢળક નાણાં, અનુયાયીઓની વિશાળ સંખ્યા અને શાસકોની ચાંપલૂસીના કારણે ફાટીને ધૂમાડે ગયેલા આ ધૂતારાને ભારતીય ન્યાયતંત્રે ધોળા દિવસે તારા દેખાડી દીધા છે. રામ રહીમના જાતીય શોષણનો ભોગ બનેલી એક સાધ્વીના બેનામી પત્રના આધારે કોર્ટે તપાસનો આદેશ આપ્યો. એટલું જ નહીં, તપાસ યોગ્ય રીતે થાય તે માટે તેના પર નજર રાખી. અને ગયા પખવાડિયે ચુકાદો આપ્યો. સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટે બાબાને ૨૦ વર્ષ માટે જેલભેગો કરી દીધો છે. લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આ ચુકાદો ફરમાવનાર જજ જગદીપ સિંહના વ્યક્તિત્વ વિશે પણ જાણવા જેવું છે. હંમેશા લો-પ્રોફાઈલ રહેતા અને પ્રામાણિકતા માટે જાણીતા જજ જગદીપ સિંહ ૨૦૧૨માં જ ન્યાયતંત્રમાં જોડાયા છે. તેમને પહેલાં સોનેપતમાં નિમણૂક અપાઇ હતી, પણ તેમની કાર્યક્ષમતા જોઇને સીબીઆઈ કોર્ટમાં મહત્ત્વની જવાબદારી સોંપાઈ. ન્યાયતંત્રે તેમનામાં મૂકેલો વિશ્વાસ રામ રહીમ કેસમાં યથાર્થ ઠેરવ્યો છે. રામ રહીમ કેસમાં કોઈ પણ પ્રકારનાં દબાણને વશ થયા વિના તેમણે જવાબદારી નિભાવી છે. આકરો ચુકાદો ફરમાવીને જજ જગદીપ સિંહે સમગ્ર દેશમાં ધર્મનાં નામે દુકાનો ચલાવીને પાપલીલા આચરતા ગોડમેનોને સંદેશો પાઠવ્યો છે કે દેશનો કાયદો ભલભલા ચમરબંધીને પણ માફ નહીં કરે.
આવો હિંમતભર્યો ચુકાદો આપનાર સીબીઆઇ કોર્ટના ન્યાયાધીશ જાણતા જ હશે કે ચુકાદા બાદ તેના પર જીવન પર જિંદગીભર ખતરો ઉભો થઇ જશે, પણ તેઓ આકરી સજા ફરમાવતા ખચકાયા નથી. તેમની હિંમતને દાદ આપવી જ રહી. આજે ભારતભરમાં ગામડે-ગામડે, શહેરે-શહેરે અસંખ્યા બાબાઓ, બાપુઓ, ગુરુઓ જામી પડ્યા છે. શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધાના આધારે પોતાના અનુયાયીઓનું એક યા બીજા પ્રકારે શોષણ કરી રહ્યા છે. રામ રહીમ કેસનો ચુકાદો દર્શાવે છે કે ન્યાયતંત્રમાં સાવ સડો નથી. મજબૂત પુરાવાઓ હોય તો ન્યાયધીશો પણ માટીપગા નથી. ભારતીય ન્યાયતંત્રમાં છેલ્લા ત્રણેક વર્ષમાં તંદુરસ્ત અને લોકાભિમુખ અભિગમ જોવા મળી રહ્યો છે.
ભારતીય ન્યાયતંત્રે બીજા પણ કેટલાય કેસોમાં આવા ઉલ્લેખનીય ચુકાદા આપ્યા છે. તામિલનાડુ તો શું ભારતનું બચ્ચેબચ્ચું જાણતું હતું કે તામિલનાડુના મુખ્ય પ્રધાન જયલલિતાએ ભ્રષ્ટાચારથી કેટલી વિપુલ સંપત્તિ એકત્ર કરી છે. છતાં તેઓ લહેરથી જાહેરજીવનમાં સક્રિય હતા. તેમને ત્યાં તપાસ હાથ ધરાઇ, જેમાં આવકના પ્રમાણમાં અનેકગણી વધુ સંપતિ હોવાનું પુરવાર થયું. કેસ ચાલ્યો. ચુકાદો આવ્યો ત્યારે તેઓ તામિલનાડુના મુખ્ય પ્રધાન હતા, પરંતુ કોર્ટે તેમને દોષિત ઠરાવીને જેલભેગા કરવામાં લેશમાત્ર ખચકાટ દાખવ્યો નહોતો. કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ જયલલિતાને દોષિત ઠરાવનાર સેશન્સ કોર્ટના જજની જ્યુડિશ્યલ સેન્સ - ન્યાયિક બાબતો સંબંધિત સમજદારીની નોંધ લઇને તેમના અભિગમને બિરદાવ્યો હતો.
મહાનગર મુંબઇમાં ૧૯૯૩માં થયેલા શ્રેણીબંધ બોમ્બ ધડાકાઓમાં અનેક લોકો માર્યા ગયા હતા. આ કેસમાં પણ તાજેતરમાં જ ચુકાદો આવ્યો. આ જ પ્રમાણે નવી દિલ્હીમાં બનેલો જેસિકા લાલ મર્ડર કેસ તો ભારતભરમાં ગાજ્યો હતો. અતિશય ધનિક અને ઊંચી રાજકીય વગ ધરાવતા પરિવારનો સભ્ય એવો હત્યારો કાયદાની છટકબારીનો લાભ લઇને ખૂલ્લેઆમ ફરતો હતો, પણ સુપ્રીમ કોર્ટે તેને પાઠ ભણાવ્યો. યોગ્ય સજા સાથે જેલભેગો કર્યો છે.
આ બધા કિસ્સાઓ પરથી એટલું તો જોઇ શકાય છે કે શાસક અને તંત્ર સિદ્ધાંતપરસ્ત હોય તો ક્યાંય વ્હાલાદવલાની નીતિ જોવા મળતી નથી. ફરિયાદીને ન્યાય મળે જ છે. કાયદાની જોગવાઇ ઠેબે ચઢાવવામાં રચ્યાપચ્યા રહેતા લોકો માટે આવા ચુકાદાઓ હંમેશા લાલ બત્તી સમાન બની રહેતા હોય છે.
અત્યારની ભારત સરકાર સંપૂર્ણતયા કાર્યદક્ષ કે દૂધે ધોયેલી હોવાનું તો ન જ કહી શકીએ, પણ હા એટલું તો કબૂલવું જ રહ્યું કે મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારની પહેલી અને બીજી મુદત દરમિયાન જે વ્યાપક સ્તરે ભ્રષ્ટાચાર થયો હતો એવી સ્થિતિ તો અત્યારે નથી જ નથી. મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની પણ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના દોરીસંચારથી ચાલતી યુપીએ સરકારની બન્ને મુદતો દરમિયાન લાખો કરોડો રૂપિયાના કૌભાંડો થયા પણ ખરા, અને ખુલ્લાં પણ પડ્યાં. મનમોહન સિંહ ભલે વિદ્વાન અર્થશાસ્ત્રી હોય, નખશીખ પ્રામાણિક હોય પરંતુ તેમના કેટલાય પ્રધાનોએ બે હાથે સરકારી તિજોરી લૂંટી હતી. રમતગમત, કોલસાની ખાણો, ટુ-જી ટેલિકોમ સ્પેક્ટ્રમ... કેટકેટલા કૌભાંડ. લગભગ દર સપ્તાહે લાખો - કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડતો હતો. ખરેખર તો ૨૦૧૪માં ભાજપનો જે ભવ્ય વિજય થયો છે તેનો જશ યુપીએ સરકાર દ્વારા થયેલા કરતૂતોને જ આપવો રહ્યો. પ્રધાનોના કાળા કામથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. પ્રજા મરો, દેશ મરો, પ્રધાનોનું તરભાણું ભરો તેવો ઘાટ હતો.
સદભાગ્યે મોદી સરકાર કે તેના પ્રધાનો સામે હજુ સુધી તો આ પ્રકારના કોઇ ગંભીર આક્ષેપો થયા નથી. શાસનના સાડા ત્રણ વર્ષ થવા છતાં સરકાર સામે ભ્રષ્ટાચાર મુદ્દે કોઇ આંગળી ચીંધાઇ નથી તે કંઇ નાનીસૂની સિદ્ધિ નથી. જ્યારે તંત્ર ઉપરથી નીચે સુધી સડી ગયું હોય ત્યારે પણ ઉચ્ચ અધિકારી કે પ્રધાન દ્વારા કોઇ આર્થિક ગેરરીતિ ન આચરાય અને સરકારની કીર્તિ અણિશુદ્ધ જળવાય રહે તે જ દર્શાવે છે કે દેશનો વહીવટ સુચારુ ઢબે થઇ રહ્યો છે. જેવો રાજા જેવી પ્રજા. શાસનમાં ઉપલા સ્તરેથી શરૂ થયેલો સુધારો ધીમે ધીમે છેક મૂળ સુધી - પ્રજા સુધી પણ પહોંચશે તેમાં કોઇ બેમત નથી.

••• 

મિચ્છામિ દુક્કડમ્ (દુખડ્ડમ) કે મિસ્ચ્યામી દુષ્કૃતમ્

જૈન સમુદાયમાં સંવત્સરીના શુભ દિવસે મિચ્છામિ દુક્કડમની ભાવના વ્યક્ત કરવામાં આવે છે. મેં પણ મારા કેટલાક જૈન મિત્રોને ફોન કરીને મિચ્છામિ દુક્કડમનો સંદેશો પાઠવ્યો. સહુના જાણીતા અને કેન્સર જેવી ગંભીર બીમારી સામે હિંમતભેર લડી રહેલા નગીનદાસ ખજૂરિયા સાહેબ અને તેમના જીવનસાથીને પણ ફોન કરીને મિચ્છામિ દુક્કડમ્ પાઠવ્યા. ખજૂરિયા દંપતીએ મને તો મિચ્છામિ દુક્કડમ્ કર્યું જ સાથોસાથ મારા થકી ગુજરાત સમાચાર - એશિયન વોઇસના વાચકોને પણ મિચ્છામિ દુક્કડમ્ પાઠવ્યા છે.

આ પછી પ્રોફેસર લોર્ડ ભીખુભાઇ પારેખ સાથે અન્ય બાબતે ફોન પર ચર્ચા ચાલી. આમ તો અમે અવારનવાર ફોન પર ચર્ચા કરતા રહીએ છીએ, ખાસ તો હું મારી જ્ઞાનપિપાસા સંતોષવા તેમને ફોન કરતો રહું છું. અને તેઓ પણ મિત્રભાવે મારી અછતમાં કંઇક ઘટાડો કરવા હરહંમેશા સહયોગ આપે છે. ચર્ચા દરમિયાન વાત નીકળી મિચ્છામિ દુક્કડમની...
તેમણે સમજાવ્યું કે ખરેખર તો આ બન્ને શબ્દો સંસ્કૃત ભાષાના છે અને સાચો ઉચ્ચાર છે મિસ્ચ્યામી દુષ્કૃત્યમ્. પાંચમી સદી સુધી બન્ને શબ્દોનો આ જ ઉચ્ચાર હતો. આ પછી સંભવ છે કે કાળક્રમે અર્ધમાગધી ભાષામાં - કે જેમાં મોટા ભાગનું જૈન સાહિત્ય રચાયું છે તેમાં - આ શબ્દોનો અપભ્રંશ થયો અને સમયાંતરે લોકબોલીમાં મિચ્છામિ દુક્કડમ્ શબ્દો પ્રચલિત થયા.
આ ઉપરાંત ભીખુભાઇએ બીજી પણ એક વાત મને સમજાવી. કદાચ આપ સહુને હું તેમના જેટલી સરળતાથી ન પણ સમજાવી શકું. હું કંઇ થોડો પ્રોફેસર છું?! તેમનું કહેવું હતું કે મિચ્છામિ દુક્કડમનો મતલબ એવો નથી કે હું તમને માફ કરું અને તમે મને માફ કરો.
જૈન ધર્મ વિજ્ઞાન આધારિત છે. સાચા અર્થમાં મિચ્છામિ દુક્કડમનો અર્થ એ ગણી શકાય કે જાણ્યે-અજાણ્યે કરેલા દોષ (હિંસા, રોષ, પાપ, અહિત વગેરે) મિથ્યા હોવાથી હું વિસરી જવાની, ભૂલી જવાની, ખમાવવાની ભાવના વ્યક્ત કરું છું.
મિચ્છામિ દુક્કડમના સૂત્રમાં આ ભાવના ભલે સૈકાઓ પૂર્વે વ્યક્ત થઇ હોય, પરંતુ તેમાં તથ્ય તો છે જ ને?! જીવનમાં બિનજરૂરી બોજો લઇને શાને ફરવું જોઇએ? દુષ્કૃતમ્ - જે દુષ્કૃત્ય થયું છે તે મિથ્યા છે તો તેનો વસવસો શા માટે? ટૂંકમાં કહું તો જીવનમાં આવા બધા બોજને ખંખેરી ન નાંખીએ તો માનસ પટ પર વજન વધતું જ જાય છે, અને જાણ્યે-અજાણ્યે તેના ભાર તળે આપણે દબાતા રહીએ છીએ. પરિણામે આપણા જીવનમાં સંશયવૃતિ, વેરવૃતિ, શંકા-કુશંકાનો સરવાળો નહીં, ગુણાકાર થતા રહે છે. જો આવા નકારાત્મક પરિબળોની આપણા જીવનમાંથી બાદબાકી કે ભાગાકાર કરવા હોય તો ભૂલી જાવ ભૂતકાળના દોષોને, દુષ્કૃત્યોને. સાથે સાથે જ સંકલ્પ કરો કે આજે મારી નજરે ચઢેલા આ દુષ્કૃત્યોને મારા જીવનમાંથી સદાયને માટે દેશવટો આપીશ. મારા જીવનમાંથી આજ પછી તેનું કોઇ સ્થાન નહીં જ હોય. પછી આ દુષ્કૃત્ય રોષ, આક્રોશ, હિંસા, વેરઝેર વગેરે જેવા કોઇ પણ સ્વરૂપે હોય શકે છે. સ્વ-હિતના લાભાર્થે સામેના પાત્રને નુકસાન પહોંચાડીને કોઇ પણ સ્વરૂપે આચરાતું કૃત્ય આખરે દુષ્કૃત્ય જ છે. દોષ જ્યારે સામે વાળાનો હોય ત્યારે તો જીવનમાં હંમેશા એક જ અભિગમ અપનાવવો રહ્યો - રાત ગઇ સો બાત ગઇ. સામે વાળાને તેની ભૂલ માટે ક્ષમા આપો કે ન આપો - પણ વાતને વિસારે પાડો, અને જીવનમાં આગે બઢો. આખરે ક્યાં સુધી તમે આવો બોજ ઉઠાવતા ઉઠાવતા આગળ વધી શકશો? માનસશાસ્ત્રીઓ પણ કહે છે કે જીવનમાં સતત રોદણાં રડતાં રહેવું, સતત ફરિયાદ કર્યા કરવી કે કાયમ નાની-મોટી વાતે કચકચ કર્યા કરવું એ વ્યક્તિની પોતાની જાત માટે જ હાનિકારક છે. આવું મનોવલણ વ્યક્તિના વિકાસને રુંધી નાખે છે.
પરંતુ વાચક મિત્રો, શું જીવનમાં ખરેખર આવો અભિગમ શક્ય છે ખરો? હા... હું આને નેવર માઇન્ડ અભિગમ ગણાવીશ. હરિ ઇચ્છા બલિયસી જેવો આ અભિગમ છે. આ તબક્કે મને એક પ્રસંગકથા યાદ આવે છે. પણ આ માટે થોડાક ફ્લેશ બેકમાં જવું પડશે...
’૮૧-૮૨ની વાત છે. હું મુંબઇની મુલાકાતે ગયો હતો. ખ્યાત નવલકથાકાર અને ‘ચિત્રલેખા’ના મોભી હરકિસન મહેતાનો મહેમાન બન્યો હતો. સાંજે તેમના સાઢુભાઇને ત્યાં પાર્ટી હતી. અમિતાભ બચ્ચનના બંગલોની બાજુમાં જ તેમનો બંગલો હતો. પાર્ટીમાં હરકિશનભાઇ અને મારા ઉપરાંત હાસ્યલેખક તારક મહેતા, મહાકવિ હરિન્દ્ર દવે, મૂર્ધન્ય કવિ સુરેશ દલાલ, રમેશ પૂરોહિત, જાણીતા અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી વગેરે હાજર હતા. આ પાર્ટીમાં રજૂ થયેલી પ્રસંગકથા અહીં ટાંકી રહ્યો છુંઃ
ઉત્તર ગુજરાતના નાનકડા ગામમાં એક યુવાન વસે. જુવાનિયો નોકરી-ધંધા માટે મહેનત ઘણી કરે, પણ ક્યાંય મેળ ન પડે. નોકરી મળે તો પણ ટકે નહીં, અને નોકરી ટકે નહીં તો જીવનમાં ઠરીઠામ ક્યાંથી થાય? કોઇએ તેને સૂચવ્યું કે અમદાવાદ મોટું શહેર છે, ૧૦-૧૨ માઇલ જ દૂર છે, પહોંચી જા... કંઇને કંઇ કામ કે નાનીમોટી નોકરી મળી જ રહેશે.
હૈયે હામ બાંધીને યુવાન અમદાવાદ પહોંચ્યો. નોકરી મળે પણ કાયમી કે એટલી બધી સારા પગાર વાળી નહીં કે જેથી કમાઇને બે પાંદડે થઇ શકે. જે કંઇ કમાય તેમાંથી ગામડે વસતાં મા-બાપ, પરિવારના નિભાવ માટે પણ રકમ મોકલવી પડે. યુવાન મહેનતુ હતો એટલે નાનામોટા કામથી જીવનનું ગાડું ગબડ્યે જતું હતું. એક દિવસ ગામનો પરિચિત રિક્ષાવાળો તેને શોધતો શોધતો અમદાવાદ પહોંચ્યો. મળીને ખબર આપ્યા કે તારા પિતાની તબિયત નરમગરમ છે. તેમના હોઠે તારું નામ છે, તું સાથે ચાલ... તને જોઇને તેમના જીવને શાંતિ થશે. યુવાન તેની સાથે જવા તૈયાર થઇ ગયો. રિક્ષાચાલક યુવાનની કઠણાઇ, આર્થિક હાલતથી વાકેફ. રિક્ષાચાલકે યુવાનને પૂછ્યું કે તું ગામ આવે છે, પણ માંડ માંડ નોકરી મળી છે તેનું શું થશે? યુવાન કહે, નેવર માઇન્ડ... રિક્ષાચાલકને તેના પિતૃપ્રેમ અને ગમેતેવી મુસીબત સામે લડી લેવાના યુવાનના હકારાત્મક અભિગમ માટે માન થઇ ગયું.
બન્ને ગામ પહોંચ્યા. યુવાન પિતાને મળ્યો. ડોક્ટર પાસે લઇ ગયો. તેમણે તપાસીને ગંભીર બીમારીનું નિદાન કર્યું. કહ્યું કે પિતાજીનો ઉપચાર અહીં શક્ય નથી. મોટા શહેરમાં (અમદાવાદ) લઇ જાવ તો મેળ પડે. યુવાને રિક્ષાચાલકને કહ્યું કે મારી પાસે રૂપિયા તો છે પણ એટલા બધા નહીં... પિતાની સારવાર માટે થોડીક રોકડ હાથ પર રાખવી જરૂરી છે... જો હું તને રૂપિયા આપીશ તો સારવારમાં ખૂટશે. અત્યારે તો તને ભાડું આપી શકાય તેમ નથી, પણ તું શહેરમાં લઇ જઇશ તો ભવિષ્યમાં જ્યારે કમાઇશ ત્યારે પહેલાં તને ચૂકતે કરીશ એ મારું વચન... રિક્ષાચાલક પરિચિત હતો અને આમ પણ યુવાનના અભિગમથી પ્રભાવિત હતો. તેણે કહ્યુંઃ નેવર માઇન્ડ... પછી આપી દેજે. યુવાને શહેરમાં મોટા ડોક્ટર પાસે પિતાશ્રીનું નિદાન કરાવ્યું. સારવાર કરાવી. તમામ રોકડ ખર્ચાઇ ગઇ. રિક્ષાચાલકે પણ પોતાના ગજા પ્રમાણે આર્થિક મદદ કરી, પરંતુ પિતાશ્રી આખરે આ દુનિયા છોડી જ ગયા. યુવાને રિક્ષાચાલક સામે જોયું... રિક્ષાચાલક પણ સમજી ગયો. એટલું જ કહ્યુંઃ નેવર માઇન્ડ... યુવાન રિક્ષામાં તેના પિતાશ્રીનો મૃતદેહ લઇને ગામ પહોંચ્યો. ગામજનોની મદદથી અંતિમવિધિ પાર પાડી. પાછો અમદાવાદ ફર્યો. મહેનતનું ચક્કર પાછું શરૂ કર્યું. તેના નસીબ આડેથી પાંદડું ખસ્યું. યુવાન કમાણી કરીને બે પાંદડે થયો. કમાણી લઇને ગામ પહોંચ્યો. રિક્ષાચાલકથી માંડીને એ તમામ લોકોને મળ્યો જે લોકોએ તેને ખરાબ દિવસોમાં આર્થિક મદદ કરી હતી. આભાર માન્યો અને નાણાં ચૂકતે કર્યા. યુવાન પર દેવું એટલું હતું કે જેટલું કમાઇને આવ્યો હતો તે બધા નાણાં લોકોનું ઋણ ચૂકવવામાં વપરાઇ ગયા. રિક્ષાચાલક આ સમગ્ર ઘટનાક્રમનો સાક્ષી હતો. તેણે યુવાનને પૂછ્યુંઃ તારા નાણાં તો બધા ખાલી થઇ ગયા... હવે શું?
યુવાન બોલ્યોઃ નેવર માઇન્ડ... આપણી પાસે શું હતું? શું ગુમાવ્યું? જેમને આપવાનું હતું તેમને આપી દીધું. એકડે એકથી શરૂ કરશું... બધું ભલે ખર્ચાઇ ગયું, પણ ઋણ તો ચૂકવાઇ ગયુંને! દિલ પર કે દિમાગ પર બોજ નહીં રહે.
વાચક મિત્રો, બોજ ઉછીના લીધેલા નાણાંનો હોય કે કોઇનું દિલ દુભાવ્યાનો હોય કે કોઇએ આપણને સંતાપ પહોંચાડ્યાનો હોય, હંમેશા હળવા થવા પ્રયત્નશીલ રહેવું. ચાર દિવસની જિંદગીમાં સાડા ત્રણ દિવસ નાનીમોટી વાતનો બોજ લઇને ફરવાનું હોય તો આવી જિંદગીનો મતલબ શું? જીવનમાં હંમેશા નેવર માઇન્ડ અભિગમ અપનાવો. મિત્રો, આજે કંઇક વધારે લખાઇ ગયું હોય તેવું નથી લાગતું? પણ નેવર માઇન્ડ... ફરી વખત ધ્યાન રાખીશ. (ક્રમશઃ)


comments powered by Disqus