કાળા મરી સુગંધવર્ધક, ઉત્તેજક, પાચક, અગ્નિવર્ધક, રુચિકર, કફનો નાશ કરનાર અને કૃમિ દૂર કરનાર છે. કાળા મરી સ્વાદમાં તીખા હોવાથી લોકભાષામાં તેને તીખા કહે છે. તે તીખા છે છતાં તે પચ્યા પછી મધુર બને છે. તે ઉત્તેજક હોવાથી તેનો પ્રભાવ આંતરડા અને મૂત્રવાહિની પર પડે છે. ઘીનું અજીર્ણ થયું હોય તો અથવા ઘીને પચાવવા માટે કાળા મરી ઉપયોગી છે. કાળા મરીનાં ઉપયોગથી પાચન સારી રીતે થાય છે. અપચો, મરડો, આફરો શાંત કરે છે.
મરીની અંદર પાઈરિન નામનું એક દ્રવ્ય હોય છે તેને કારણે મેલેરિયા મટે છે. જે લોકો દેશવિદેશના પ્રવાસ કરે છે તેને પાણી બદલાવાથી રોગ થાય છે. આ સમયે કાળા મરીના પાંચથી છ દાણા બે-ત્રણ વખત ચાવીને ખાવા જોઈએ. મરી ચાવવાથી પાણી પરિવર્તનને કારણે દોષો થતાં નથી. દાળ-શાકમાં લાલ મરચું કે તેનો પાવડર નાંખી તીખાશ ઉત્પન્ન કરાય છે. ઘણાને આ મરચું માફક આવતું નથી. આથી મરચાંને બદલે તીખાશ કરવા માટે રસોઈમાં કે દાળ-શાકમાં કાળાં મરીનો પાવડર ઉમેરાય છે. ગાંઠીયામાં કાળાં મરી નાંખવામાં છે તેના કારણે ગાંઠીયા સ્વાદિષ્ટ બને છે અને જલ્દી પચી જાય છે. સ્વાદિષ્ટ ફળ પપૈયાના ટુકડા કરી તેના પર કાળાં મરીનો પાવડર ભભરાવીને ખાવાથી તે રોચક બને છે અને જલ્દી પચી જાય છે. ઘણી વખત કેટલાક લોકોને પપૈયું વાયુ કરે છે. કાળા મરી સાથે પપૈયું ખાવાથી વાયુનો પ્રકોપ થતો નથી.

