અમિતાભ બચ્ચન અને દીપિકા પદુકોણ દેશની પ્રભાવશાળી હસ્તીઓમાં પ્રથમ અને બીજું ક્રમાંક મેળવ્યું છે. યુગોવએ ૨૦૧૮ના પ્રભાવશાળી હસ્તિઓનો એક સર્વે કર્યો હતો. જેમાં બોલિવૂડ તેમજ રમત-ગમતની હસ્તીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં અમિતાભ અને દીપિકા મોખરે રહ્યા હતા.
યુગોવના એક નિવેદનથી જાણવા મળ્યું હતું કે, દસ વ્યક્તિઓની યાદીમાં બોલિવૂડ અભિનેતા અને ખેલાડીઓ અગ્રેસર રહ્યા છે. આ યાદીમાં પ્રથમ ક્રમાંકે અમિતાભ બચ્ચન, એ પછી બીજા ક્રમાંકે દીપિકા પદુકોણ રહી હતી. ત્રીજા અને ચોથા નંબરે મહેન્દ્ર સિંહ ધોની અને સચિન તેંડુલકર છે. જ્યારે પાંચમા અને છઠ્ઠા ક્રમાંકે અક્ષય કુમાર અને વિરાટ કોહલી છે. આમિર ખાન, શાહરુખ ખાન, આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા અનુક્રમે સાત, આઠ, નવ અને દસમા સ્થાને રહ્યા હતા.
આ સર્વેમાં બોલિવૂડ અને રમત-ગમતની લગભગ ૬૦ વ્યક્તિઓ પર સર્વે કરવામાં આવ્યો હતો. ભારતમાં ૧,૯૪૮ લોકોએ આમાં ભાગ લીધો હતો. આ સર્વેમાં કલાકારો અને ખેલાડીઓના ક્ષેત્રમાં તેમના પ્રભાવ, જાગૃતિ અને સમાનતાના આધારે ગુણાંક આપવામાં આવ્યા હતા.

