ફક્ત ૧૦ મિનિટની હળવી કસરતથી યાદશક્તિ વધે છે

Wednesday 28th November 2018 06:22 EST
 
 

દરરોજ ફક્ત ૧૦ મિનિટ હળવી કસરત અને યોગ કરવામાં આવે તો તેનાંથી યાદશક્તિ વધે છે અને મગજનાં કોષો મજબૂત થાય છે તેવું એક નવા અભ્યાસનું તારણ છે. કસરત અને યોગનો સમન્વય એ મગજને સતેજ કરવાની માસ્ટર કી છે. જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય તેમ તેમ મગજનાં જુદા - જુદા પાર્ટસ નબળા પડતા જાય છે અને એક જ ઘટનાને જુદી જુદી રીતે મૂલવવાની મગજની શક્તિ ક્ષિણ થતી જાય છે આવા સંજોગોમાં જો દરરોજ ફક્ત ૧૦ મિનિટ હળવી કસરત અને યોગ કરવામાં આવે તો તેનાં કારણે મગજ વધારે મજબૂત બને છે અને યાદશક્તિ વધારે પારવફુલ બને છે.
દરરોજ જો થોડોક સમય ચાલવામાં આવે તો પણ તેનાંથી મગજનાં કોષો સક્રિય બને છે અને યાદશક્તિમાં વધારો થાય છે. એક નાનું અમસ્તું ઉદાહરણ જોઈએ તો સમજો કે તમારી ચાવી ખોવાઈ ગઈ છે તો તે ક્યારે ખોવાઈ અને ક્યારે તમે તમારા ખિસ્સામાં કે પાકીટમાં મુકી હશે તે યાદ રહેતું નથી. પણ જો હળવો યોગ અને કસરત કરવામાં આવે તો થોડી મિનિટોમાં જ તમે ચાવી ક્યારે અને ક્યાં મૂકી હતી તે યાદ આવી જાય છે.
નિષ્ણાતોનું કહેવું છે કે કસરત અને યોગથી મગજનાં હિપ્પોકેમ્પેસ ડેન્ટેટ ગાયરસ તેમજ કોર્ટિકલ નામના હિસ્સાની સક્રિયતા વધે છે.
અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટી અને જાપાનની યુનિવર્સિટી ઓફ ત્સુકાબાએ હાથ ધરેલું સંશોધન એવો નિર્દેશ કરે છે કે તાઈ ચી જેવી હળવી કસરતો કે યોગ કરવાથી મગજનાં હિસ્સામાં લોહીનો સંચાર થાય છે અને મગજમાં નવા કોષોનું સર્જન થાય છે જેના કારણે મગજ તરત જ સતેજ બની જાય છે અને અનેક બાબતો યાદ આવવા લાગે છે. અભ્યાસમાં ૨૦ વર્ષની વયના ૩૬ તંદુરસ્ત યુવાનોની મગજની કામગીરીનો અભ્યાસ કરાયો હતો. જેમાં દરેકને ૧૦ મિનિટ યોગ અને કસરત કરવા કહેવાયું હતું. આ પછી તેમનું એમઆરઆઈ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.
બીજા તબક્કામાં કસરત વિના તેમના મગજનું પરીક્ષણ કરાયું હતું. આમાં કસરત કર્યા પછી તેમનાં મગજનાં મેમરી પ્રોસેસિંગમાં જબરદસ્ત વધારો થયો હતો. ખાસ કરીને મગજનાં હિપ્પોકેમ્પેલ ડેન્ટેટ ગાયરસ નામના હિસ્સામાં તેમજ કોર્ટિકલ નામના હિસ્સામાં સક્રિયતા વધી હતી. આ પછી તેમની યાદશક્તિમાં વધારો થયો હતો.
તબીબી નિષ્ણાતો સમજાવે છે કે મગજનો હિપ્પોકેમ્પેસ હિસ્સો નવી યાદશક્તિનાં સર્જનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. વ્યક્તિ જ્યારે વૃદ્ધ થવા લાગે છે ત્યારે મગજનાં આ હિસ્સાને સૌથી પહેલું નુકસાન થવા લાગે છે. પરિણામે વ્યકિતની યાદશક્તિ ઓછી થતી જાય છે અને તે અલ્ઝાઈમરનો ભોગ બને છે તેમ પ્રોજેક્ટ લીડર માઈકલ યાસ્સાએ જણાવ્યું હતું.
જોકે નિયમિત કસરત અને યોગ કરવાથી મગજમાં નવા કોષો બને છે અને મગજનો હિપ્પાકેમ્પસ નામનો હિસ્સો વધુ સક્રિય અને સતેજ બને છે અને યાદશક્તિમાં વધારો થાય છે.


comments powered by Disqus