બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના વડા પૂ. મહંત સ્વામી હાલ બોચાસણ ખાતે વિચરણ કરી રહ્યા છે. તા. ૨૦ નવેમ્બરને મંગળવારે મંદિરમાં સાંજની સભામાં પ્રતિક યોગી જયંતી ઉત્સવ ઉજવાયો હતો. પૂ. મહંત સ્વામીએ પૂ.યોગી બાપા જેમ બાળકો, યુવાનો અને વડીલોને લાભ આપતા હતા તેવો લાભ તેમને આપ્યો હતો. બાળકોને પૂય મહંત સ્વામીએ વાર્તા કહી, ધૂન પણ બોલાવી અને યુવાનો તથા વડીલો સાથે પ્રશ્રોત્તરી કરી હતી. ૨૧મીએ પ્રતિક હિંડોળા ઉત્સવની ઉજવણી કરાઈ હતી. સંતોએ સ્વામીને હરિકૃષ્ણ મહારાજ સાથે હિંડોળા પર બેસવા વિનંતી કરતાં તેઓ હિંડોળા પર બિરાજ્યા હતા. ૨૩મીને કાર્તિકી પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીએ યોજાયેલા ઉત્સવમાં લગભગ ૩૦,૦૦૦ સંતો અને હરિભક્તોએ ભાગ લીધો હતો. સંતોએ પ્રવચનનો લાભ આપતા પૂ. શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ જ્ઞાનનું જે સાધુતા અને ભગવાનને પ્રધાન રાખીને પ્રવર્તન કર્યું હતું તેનો મહિમા સંતોએ વર્ણવ્યો હતો. પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં જણાવ્યું હતું કે પૂ. શાસ્ત્રીજી મહારાજે ઉપાસનાનું દ્વાર ખૂલ્લું કર્યું. તેમાં લાખો જીવોનું કલ્યાણ કરી નાખ્યું. ૨૪મીએ પૂ. મહંત સ્વામી સવારે મંદિરે પધાર્યા હતા. અત્યાર સુધી બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)માં પૌરાણિક મહાપૂજા થતી હતી. સ્વામીનારાયણ ભાષ્યના રચયિતા ભદ્રેશ સ્વામીએ પૂ. મહંત સ્વામીની આજ્ઞાથી નૂતન સ્વામીનારાયણ પૂજાનું લેખન કર્યું છે. બોચાસણમાં પ્રથમ વખત પૂ. મહંત સ્વામી અને સદગુરુ સંતોની ઉપસ્થિતિમાં પ્રથમ વખત આ નૂતન સ્વામીનારાયણ પૂજા કરવામાં આવી હતી. ૨૪મીએ પ્રતિક રથયાત્રા ઉત્સવ ઉજવાયો હતો. ૨૫મીએ ઉજવાયેલા કાર્યકર સૃહદ મિલન દિનમાં કાર્યકરોએ પૂ. મહંત સ્વામી સાથે કાર્યલક્ષી પ્રશ્રોત્તરી કરી હતી. પૂ. મહંત સ્વામી તા. ૨ ડિસેમ્બરને રવિવારે વિચરણ માટે રાજકોટ જશે.

