ન્યૂ યોર્કઃ અમેરિકા-કેનેડાની સરહદે ગ્રેટ લેક્સ ક્ષેત્રમાં ત્રાટકેલા બરફના તોફાને ૩.૫ કરોડ લોકોનું જનજીવન ખોરવી નાંખ્યું છે. ખરાબ હવામાનના કારણે ૧૬૦૦થી વધુ ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી છે તો ૫૦૦૦થી વધુ ફ્લાઇટનું શિડ્યુલ ખોરવાઇ ગયું છે.
કેન્સાસના ગવર્નર જેફ કોલ્યરે જણાવ્યું કે હવામાનની ખરાબ પરિસ્થિતિને જોતાં ઇમર્જન્સી જાહેર કરાઇ છે. રસ્તા અને હાઈવે પર છ ઈંચ સુધી બરફના થર જામી જતાં હજારો વાહનો રસ્તા પર ઠપ્પ થઇ ગયાં છે. લોકોને શક્ય હોય તો પોતાનો પ્રવાસ ટાળવાનું જણાવાયું છે.
આશરે ૫૬ કિલોમીટરની ઝડપે તોફાન સાથે હિમવર્ષા પણ થતાં હાડ થીજાવતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અનેક વિસ્તારોમાં પારો માઈનસ ૧૦ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ભારે હિમવર્ષાના કારણે ૧૨ દિવસમાં આઠ લોકોનાં મોત નીપજ્યાં છે.
ભારે હિમવર્ષાથી સૌથી વધુ ૭૭૦ ફ્લાઇટ શિકાગોના ઓહરે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરતી રદ કરવામાં આવી છે. જ્યારે કેન્સાસ સિટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૧૮૭ અને શિકાગો મિડવે એરપોર્ટ પરથી ૧૨૪ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.
૧૦ કિમીનો ટ્રાફિક જામ
કેન્સાસ, મિસૌરી, નેબ્રાસ્કા અને ઈયાવાની વસતી ૧.૪ કરોડ છે. કેનેડાની સાથે તોફાનથી કુલ ૩.૪ કરોડ લોકો પર અસર થઈ છે. કેન્સાસથી મિસૌરીનો ૩૭૫ કિમી લાંબો હાઈવે બંધ કરી દેવાયો છે. પરિણામે ૧૦ કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાતા લોકો હેરાનપરેશાન થઇ ગયા હતા.
હજારો ઘરોમાં વીજળી ગૂલ
બરફનું તોફાન સોમવારે પૂર્વોત્તર ક્ષેત્ર તરફ આગળ વધ્યું હતું. નેશનલ વેધર સર્વીસના જણાવ્યા પ્રમાણે કેન્સાસ, સેન્ટ્રલ મિસૌરી, સાઉથ-વેસ્ટ નેબ્રાસ્કામાં પણ ભારે હિમવર્ષા થઇ છે. હિમવર્ષાથી ૬૭ હજાર ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું.

