સંસ્કારી બાબુજી તરીકે પ્રખ્યાત આલોકનાથ પર શારીરિક શોષણનો આરોપ મૂકનારાં લેખિકા-નિર્માત્રી વિન્તા નંદાએ કહ્યું છે કે મારી પર બળાત્કાર ગુજારનારા આલોકનાથ જો માફી માગે તો માફ કરી દઈશ. ઉલ્લેખનીય છે કે મીટુ અભિયાન અંતર્ગત આલોકનાથ વિરુદ્ધ ઓશિવારા પોલીસસ્ટેશનમાં બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આલોકનાથ પર ૯૦ના દાયકાની ‘તારા’ સિરિયલની લેખિકા વિન્તા નંદાએ શારીરિક શોષણનો આરોપ મૂક્યો હતો.
વિન્તાએ કહ્યું હતું કે ‘મેં કોઈ બદલો લેવા માટે નથી કર્યું. હું તેને સુધારવા માગતી હતી, તેણે જે કર્યું તે માટે તેને અફસોસ થવો જોઈએ. જે રીતે તેણે મારી સાથે કર્યું એવું ભવિષ્યમાં તે અન્ય કોઈ મહિલા સાથે જબરજસ્તી ન કરે.’ વિન્તાએ વધુ કહ્યું કે, ‘આ મારી એકલીની લડત નથી. મુંબઈના ટોચના વકીલ મારો કેસ લડી રહ્યા છે. તેઓને મારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. મને તો એ વાતનો આંચકો લાગ્યો હતો જ્યારે આલોકનાં કરતૂતો વિશે તેની પત્નીને પણ જાણ હોવાની મને જાણ થઈ હતી. આપણા સમાજમાં આજે પણ કેટલીક પત્નીઓ પતિનો પક્ષ લેવો એ પોતાનો ધર્મ માને છે.’

