અકાલી નેતા ઉપર ખાલિસ્તાન સમર્થકો દ્વારા હુમલો

Thursday 30th August 2018 02:41 EDT
 

નવી દિલ્હીઃ લંડનમાં તાજેતરમાં ખાલિસ્તાન તરફી સંગઠનો દ્વારા ૨૦૨૦માં પંજાબમાં જનસમર્થનની માગ સાથે દેખાવો કરાયા હતા. અમેરિકામાં પણ ૨૬મી ઓગસ્ટે અકાલીદળના નેતા અને દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના સભ્ય મનજિતસિંહ જીકે પર હુમલો કરાયો હતો.
આ મામલે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. હુમલાખોર ખાલિસ્તાની સમર્થક હોવાની માહિતી અપાઈ રહી છે. મનજીત ન્યૂ યોર્ક જઈને શીખ સમુદાયના લોકો સાથે ગુરુનાનકજીની ૫૫૦મી જયંતી કાર્યક્રમની તૈયારી વિશે ચર્ચા કરવાના હતા. મનજીતે કહ્યું કે હું કેલિફોર્નિયાના યુબા શહેરના મુખ્ય ગુરુદ્વારાએ ગયો હતો ત્યાં પણ ૩૦-૩૫ લોકોએ હુમલો કરી દીધો હતો. મને માર મારી પાઘડી ઉતારી લેવામાં આવી હતી અને ચહેરા પર કાળી શાહી ચોપડી દેવાઈ હતી. મનજિતસિંહે જણાવ્યું હતું કે, મારા પર ૨૦થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. તેમણે ગુરુદ્વારાની પવિત્રતાની જાળવણી પણ કરી નહોતી. મેં મારા સમર્થકોને પ્રત્યાઘાત નહીં આપવા અને શાંતિ જાળવવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે લંડનની મુલાકાતે ગયેલા કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીની સભામાં ખાલિસ્તાનવાદીઓએ દેકારો મચાવવાનો પ્રયાસ કર્યો હતો.


comments powered by Disqus