‘તમે કોણ છો ઈ ખબર નથી, પણ તમે અમારા ખેતરમાં આવ્યા, અહીં આરામ કર્યો, તમારું સાથે લાવેલું ભોજન જમ્યા, વાડીના ફળ ચાખ્યા એનો બહુ આનંદ છે, સાવ સાચ્ચું કહું તો મજા આવી...’ ગામડાગામના એક ભોળા ખેડૂતે જાણીતા કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને કહ્યું.
તાજેતરમાં લંડનમાં વજુભાઈ પાણખણીયા પરિવાર દ્વારા વેમ્બલી અરેનામાં આયોજિત ભાગવત કથામાં કથા પ્રવાહ દરમિયાન ‘ભાઈશ્રી’એ આ પ્રસંગ કહ્યો. બ્રિટનમાં વસતા ગુજરાતીઓના મૂળ મોટા ભાગે આફ્રિકા અને ભારત છે. અહીં ગુજરાતી પ્રજાએ કોઠાસૂઝ – પુરુષાર્થ – દીર્ઘદૃષ્ટિ - સંબંધોને સૌહાર્દપૂર્ણ રીતે વિકસાવવાનો સ્વભાવ, ધર્મ-કર્મના, અધ્યાત્મના સિદ્ધાંતોની જાળવણી અને નિયમોના પાલન દ્વારા પ્રગતિ કરી છે. ગુજરાતી સમાજ બ્રિટનના આર્થિક, સામાજિક, રાજકીય ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કરી રહ્યો છે. તો સાથે સાથે જ બ્રિટનમાં વસવા છતાં ગુજરાતીઓ વતનને ભૂલ્યા નથી. ગુજરાતના ગામડાં હોય કે, આફ્રિકાના જરૂરિયાતમંદ વિસ્તારો, એમણે અપરંપાર આર્થિક અનુદાનોની સરવાણી વહાવી છે અને સખાવતી કાર્યોમાં, ધર્મકાર્યોમાં હંમેશાં આગળ રહ્યા છે.
સામાન્ય રીતે અહીં ઉનાળાના સમયમાં એટલે કે જુલાઈ-ઓગસ્ટમાં બ્રિટનના વિવિધ શહેરોમાં ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક કાર્યક્રમો, મેળાવડા યોજાતા રહે છે. ભારતથી કથાકારો-પ્રવચનકારો અને કલાકારો આવતા રહે છે અને સ્થાનિક લોકોમાં ગુજરાતી ભાષા, સાહિત્ય, કથા પરંપરા, કવિતા-ગીતો વગેરેનું સંવર્ધન કરતા રહે છે.
આવી જ પરંપરામાં યોજાયેલી ભાગવત કથામાં ‘ભાઈશ્રી’એ કહેલા પ્રસંગમાં વાત કંઈક આવી હતી. પૂજ્ય ‘ભાઈશ્રી’ ભારતમાં અને વિદેશોમાં ભારતીય સભ્યના સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના પ્રચાર અંગે સતત વિચરણ કરતા રહે છે. આવા જ એક વિચરણ દરમિયાન ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાંથી તેઓ પસાર થતા હતા. બપોરનો સમય હતો. એક-બે ગાડીઓમાં અન્ય સાથીઓ પણ હતા. જ્યાંથી નીકળ્યા હતા ત્યાંથી ઘરનું બનાવેલું ભોજન તથા પાણી અને અન્ય વ્યવસ્થાઓ સાથે હતી જ, એમને થયું કે રસ્તામાં ક્યાંક વૃક્ષોના છાંયડાવાળી જગ્યા આવે તો ત્યાં પાથરણા પાથરીને નિરાંતે ભોજન લઈએ. થોડી વારમાં આવી જગ્યા દેખાઈ. ગાડીઓ સાઈડમાં લીધી. ખેતરના શેઢા પાસે વૃક્ષો હતા, કૂવો હતો, ખેતરમાં પાણી વહેતું હતું. પાથરણા પાથર્યા ને બેસવાની તૈયારી કરતા હતાં ત્યાં ખેતરનો માલિક આવ્યો. એણે જોયું કે અતિથિ ભોજન માટે અહીં બેસવા તૈયારી કરે છે. તરત કહ્યુંઃ ‘અરે... અહીં નહીં, ખેતરમાં ઝૂંપડીએ આવો. ત્યાં ભોજન જમો.’
‘ભાઈશ્રી’એ કહ્યું કે ‘આ સરસ જગ્યા છે ભાઈ, અહીં બધું બરાબર છે.’ પણ પેલો ના માન્યો. પરાણે બધું લેવડાવીને વાડીમાં અંદર લઈ ગયો. ત્યાં પાથરણા પાથર્યા, ખાટલા ઢાળ્યા. પાણીનો ઘડો લઈ આવ્યો. હાથ-પગ ધોવાની વ્યવસ્થા કરી ને પછી કહે ‘હવે નિરાંતે જમો. આરામ કરો....’
વાડીમાંથી તાજા ફળો પણ લઈ આવ્યો ને પ્રેમથી પીરસ્યા એને આગ્રહ કર્યો તો થોડુંક સાથે જમ્યો પણ ખરો. ભોજન પુરું થયું. ધીમે ધીમે બધું આટોપાયું. થોડી વાર સહુએ આરામ કર્યો, એની સાથે વાતો કરી. આખરે ફરી ક્યારેક નીકળીશું તો આવશું કહીને નીકળતા હતા. ત્યારે એ ખેડૂતે ‘ભાઈશ્રી’ને લેખના આરંભે લખેલા શબ્દો કહ્યાં હતાં. કથાજગત સાથે એનો કોઈ પરિચય ના હોય, અખબારો બહુ વાંચતો ના હોય ને ધાર્મિક ચેનલો જોતો નહિ હોય એટલે એ ના ઓળખે એ સાહજિક હતું. પણ એણે જે સરળતાથી કોઈ ઓળખાણ નહિ, વ્યક્તિનો પ્રભાવ નહિ અને છતાં આંગણે આવેલા અતિથિને જે ભાવથી, પ્રેમપૂર્વક જમાડ્યા એ ભાવને ‘ભાઈશ્રી’એ કહ્યું અમે વંદન કર્યા ને ત્યાંથી આગળ જવા રવાના થયા. એક ગ્રામ્ય ખેડૂતના હૃદયનો અતિથિપ્રેમ સહુના માટે સ્મરણીય બની રહ્યો.
