આતંકી ઓછાયામાં અંતે અમરનાથ યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 28th August 2018 05:31 EDT
 
 

દેશ અને દુનિયાની નજરો જમ્મુ-કાશ્મીર પર મંડાયેલી છે. છેલ્લા બે મહિનામાં રાજ્યમાં ઘણું બધું થઇ ચુક્યું છે. આતંકવાદી ઘટનાઓનો સિલસિલો ચાલુ જ છે. લશ્કરી જવાનો અને અધિકારીઓ શહીદ થવાનું હજુ થંભી શક્યું નથી. કેટલા આતંકીઓને ઠાર કરાયા એના દાવા થાય છે. સદનસીબે કોઈ પણ આતંકી હુમલા કે છમકલા વિના અમરનાથની ૫૮ દિવસની યાત્રા પૂરી થઇ એટલે હાશકારો અનુભવાયો છે.

ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના મિલન સમી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ની સરકાર વર્ષ ૨૦૧૫માં રચાઈ. ૧૯ જૂન ૨૦૧૮ના રોજ ભાજપ થકી એને ટેકો પાછો ખેંચી લેવાયો એટલે અજંપાભરી રાજ્યની સ્થિતિને રાજ્યપાલ શાસનમાં થાળે પાડવાની સંપૂર્ણ જવાબદારી ભાજપની કેન્દ્ર સરકારને શિરે આવી. વિધાનસભાની મુદત છ વર્ષની હોવાથી એને મૂર્છિત અવસ્થામાં રાખીને ફરી નવાં કજોડાં સાથે પોતાની સત્તા સ્થાપવાની ભાજપની નેતાગીરીની મહેચ્છા હજુ અધૂરી જ છે.

છેલ્લાં દશ વર્ષથી રાજ્યપાલ રહેલા એન. એન. વહોરા કેન્દ્રના ગૃહ સચિવ હતા અને તેમને કોંગ્રેસના વડપણવાળી ડો. મનમોહન સિહ સરકારે નિયુક્ત કર્યા હતા. હવેના નવા રાજ્યપાલ સત્યપાલ મલિક રાજનેતા છે. અગાઉ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર અને ઇમર્જન્સીના ખલનાયક સંજય ગાંધીના કહ્યાગરા જગમોહન રાજ્યના કડક રાજ્યપાલ રહ્યા પછી કેન્દ્રની ભાજપના વડપણવાળી અટલ બિહારી વાજપેયી સરકારમાં પ્રધાન બન્યા હતા. મલિક બીજા જગમોહન બને એવી ગણતરી મંડાઈ રહી છે. જોકે કાશ્મીરી નેતાઓ જગમોહનને રાજ્યમાં આતંકવાદ વકરાવવા માટે જવાબદાર લેખાવે છે.

કુલ ૨.૮૫ લાખ યાત્રાળુ નોંધાયા

અમરનાથ યાત્રા યોજવાની અને એને લગતી સુવિધા પૂરી પાડવાની સંપૂર્ણ જવાબદારી શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડને સોંપાતી હોય છે. એના અધ્યક્ષપદે રાજ્યપાલ હોય છે. ૨૮ જૂને વર્ષ ૨૦૧૮ની અમરનાથ યાત્રા રાજ્યપાલ એન. એન. વહોરા થકી આરંભાઈ હતી અને ૨૬ ઓગસ્ટે નવા રાજ્યપાલ સત્યપાલ મલિકના આગમન સાથે સંપન્ન થઇ. સદનસીબે યાત્રાની સુરક્ષા માટે ફરજ પર મુકાયેલાં ૪૦,૦૦૦ જેટલાં સુરક્ષા દળોના પ્રતાપે કોઈ અણછાજતા બનાવ વિના ૨.૮૫ લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બરફના શિવલિંગનાં ૫૮ દિવસની યાત્રા દરમિયાન દર્શન કર્યાં. ગયા વર્ષે એટલે કે ૨૦૧૭માં ૨.૬૦ લાખ યાત્રાળુએ દર્શન કર્યાં હતાં, પણ વર્ષ ૨૦૧૫માં આ આંક ૩,૫૨,૭૭૧ હતો, એવું શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ સત્તાવાર રીતે જણાવે છે. વર્ષ ૨૦૧૬માં ૨.૨૦ લાખ શ્રદ્ધાળુએ દર્શન કર્યાં હતાં.

પાકિસ્તાનનાં ઉંબાડિયાં ચાલુ

વચ્ચે પાકિસ્તાનમાં ચૂંટણી યોજાઈ અને નવા વડા પ્રધાન ઇમરાન ખાને કાશ્મીરનું ઉંબાડિયું પણ કરી જોયું. આઝાદીના સમયથી કાશ્મીર કોકડું વણઉકલ્યું રહ્યું છે. દાયકાઓ પછી પણ એને બંને દેશો સમજદારીથી ઉકેલે એ અપેક્ષિત હોવા છતાં મામલો બગડતો જ જાય છે. જયારે ભારતમાં કાશ્મીર મુદ્દે ઉહાપોહ મચતો હોય ત્યારે સ્વાભાવિક છે કે પાડોશી દેશ પાકિસ્તાન એનો લાભ લેવાની કોશિશ કરે. આ વખતે વધુ એક પરિબળ ચીનનું જોવા મળે છે. પાકિસ્તાન ચીનનું આશ્રિત હોવાને કારણે બંને દેશોએ આપમેળે જે પ્રશ્ન ઉકેલવાનો છે તેમાં ચીન ‘બીચ મેં મેરા ચાંદભાઈ’ની જેમ ખાબકવા માટે સતત પ્રયત્નશીલ છે. મામલો હજુ સંયુક્ત રાષ્ટ્રમાં પડ્યો હોવાથી પાકિસ્તાન એ વારંવાર ઉઠાવ્યા કરે છે.

એમ તો જૂનાગઢનો મામલો પણ પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં સળગતો રાખવા માંગે છે, પણ એને એ મુદ્દે વિશ્વના બીજા દેશોનું સમર્થન મળે તેમ નથી. કાશ્મીરની બાબતમાં એ વિશ્વમંચ પર સહાનુભૂતિ મેળવવાની કોશિશમાં રહે છે. હકીકતમાં જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિસિંહે ૨૬ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ તેમના રજવાડાને ભારતમાં વિલય કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એમ છતાં પાકિસ્તાને ગેરકાયદે ગપચાવેલો કાશ્મીરનો પ્રદેશ હજુ ખાલી નથી કર્યો એટલું જ નહીં. એણે ગપચાવેલો અમુક પ્રદેશ ચીનને હવાલે કર્યો છે.

આ ઉપરાંત ચીન સાથેના કરાર મુજબ કાશ્મીરના પાકે ગપચાવેલા ભારતીય પ્રદેશમાંથી ચાયના પાકિસ્તાન ઈકનોમિક કરિડોર (સીપેક)નું બાંધકામ ધમધોકાર ચાલી રહ્યું છે. અગાઉ કારાકોરમ મહામાર્ગ બાંધીને પાક અને ચીને નફટાઈ કરી જ છે. ભારત સરકાર આ મુદ્દે માત્ર વિરોધ નોંધાવવા સિવાય કશું કરવાની સ્થિતિમાં નથી.

૩૭૦ અને ૩૫(અ)ના ખટલા

રાજ્યને વિશેષ દરજ્જો આપતા બંધારણના અનુચ્છેદ ૩૭૦ અને ૩૫(અ)ને દૂર કરવા અંગે સર્વોચ્ચ અદાલતમાં ચાલતા ખટલાઓના વિરોધમાં જમ્મુ-કાશ્મીરમાં ધગધગતા અંગારા જેવી સ્થિતિ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને હવે ભાજપના હાથમાં છે અને બંને સરકારોએ આ વિવાદી મામલાઓને ડિસેમ્બર સુધી ટાળવાની ભૂમિકા લીધી છે. જોકે શુક્રવાર, ૩૦ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૩૫(અ) અંગે સુનાવણી થાય એવી શક્યતા છે.

ભાજપ અને એના પૂર્વ અવતાર જનસંઘ તેમજ માતૃસંસ્થા આરએસએસ થકી બંધારણના અનુચ્છેદ ૩૭૦ને રદ કરવા તેમજ ૩૫(અ)ને પણ દૂર કરવાની ભૂમિકા રાખવામાં આવી હોવા છતાં આજ દિવસ સુધી એ દિશામાં કશું થયું નથી. ઉલટાનું મામલો સર્વોચ્ચ અદાલતમાં લઇ જવામાં આવ્યો છે. સરકાર પોતે કોઈ નિર્ણય લેવાને બદલે અદાલત પર એનો નિર્ણય કરાવવાની વેતરણમાં રહે છે.

આવું જ લશ્કરને વિશેષાધિકાર આપવાની બાબતમાં સરકાર પોતે કોઈ નિર્ણય લેવાને બદલે લશ્કરી અધિકારીઓને અદાલતે જવાનો જોખમી ખેલ ખેલી રહી છે. ભાજપ હજુ રાજ્યમાં સરકાર રચવા માટે પોતાની બહુમતી કરવાની વેતરણમાં છે એટલે સૌને રાજી રાખવાની જોખમી કે વિસ્ફોટક ભૂમિકા અપનાવે છે. અગાઉ કાશ્મીર અને જમ્મૂને અલગ રાજ્ય બનાવવા ઉપરાંત લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાની વેતરણનાં દર્શન પણ તેણે કરાવ્યાં છે.

ભાજપ સાથે સહકારનું રહસ્ય

પીડીપી સાથેનું જોડાણ તોડ્યા પછી રાજ્યમાં કઈ રીતે સરકાર રચવામાં આવશે એ અંગે અનેક ગતકડાં વહેતાં કરવામાં આવે છે. અટલજીને શ્રદ્ધાંજલિ આપતાં રાજ્યના સાંસદ ડો. ફારુક અબદુલ્લાએ ‘ભારત માતા કી જાય’ના નારા લગાવ્યા તો ઇદની નમાજ પઢવા ગયેલા રાજ્યના આ પૂર્વ મુખ્ય પ્રધાન અને પૂર્વ કેન્દ્રીય પ્રધાનને લોકોએ ભગાડી મૂક્યા હતા. આ ઘટના પછી ડો. અબદુલ્લાની નેશનલ કોન્ફરન્સ ફરીને ભાજપના વડપણવાળા મોરચામાં સામેલ થઈને ભાજપને રાજ્યમાં સરકાર રચવા માટે ટેકો આપશે, એવી વાતો વહેતી થઇ છે.

મુફ્તીના નારાજ ધારાસભ્યો ભાજપને ટેકો આપે એવું ગણિત મંડાયું, પણ કુલ ૨૮માંથી પાંચ જ અલગ થાય તેવું લાગે છે. કુલ ૮૭ જેટલા ચૂંટાયેલા સભ્યોમાંથી ભાજપ પાસે માત્ર ૨૫ છે. સરકાર રચવા માટે ૪૪ સભ્યોની જરૂર પડે. કોંગ્રેસ પાસે ૧૨ અને નેશનલ કોન્ફરન્સ પાસે ૧૫ છે. ભાજપ હજુ બહુમતી અંકે કરી શક્યો નથી. રાજ્યની સ્થિતિ ઉકળતા ચરુ જેવી છે.

મેજર લીતુલ ગોગોઈને ભાજપે હીરો જાહેર કરવા માંડ્યા કારણ કે તેમણે પથ્થરબાજોમાંથી એકને આર્મીની જીપ પર બાંધીને ફેરવ્યો હતો. જોકે આ મેજર ગોગોઈ પોતાની ફરજના સ્થળથી દૂર આવેલી એક હોટેલમાં એક સ્થાનિક કન્યા સાથે પકડાયા. એમની વિરુદ્ધ લશ્કરી કોર્ટમાર્શલની કાર્યવાહીમાં તે દોષિત જાહેર થયાનું લશ્કરીવડા જનરલ બિપીન રાવતે જ જાહેર કર્યું છે.

રાજ્યની પ્રજામાં કોમીવિભાજન વધુ જોવા મળે છે. લશ્કરી કાર્યવાહી કડક બનાવ્યા છતાં ભાગલાવાદીઓ અને આતંકીઓ વશમાં આવતા નથી. માત્ર વાતોનાં વડાં કરવાથી મામલો થાળે પડતો નથી. વળી વર્ષ ૨૦૧૫માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શેર-એ-કશ્મીર સ્ટેડિયમ પર જાહેર કરેલા રૂપિયા ૮૦,૦૦૦ કરોડના ખાસ પેકેજમાંથી ત્રીજા ભાગની રકમ જ માંડ વપરાયાનો મુદ્દો પણ ગરમાટો પેદા કરી રહ્યો છે. આવા સંજોગોમાં નવા રાજ્યપાલ મલિક અને તેમના નવા રાજકીય સલાહકારો રાજ્યપાલ શાસનનેમાં મામલો કઈ રીતે થાળે પાડે છે, એ યક્ષપ્રશ્ન છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


    comments powered by Disqus