પાલેમ્બાગઃ એશિયન ગેમ્સમાં ટેનિસની વિમેન્સ સિંગલ્સ ઈવેન્ટમાં ગુજરાતની ખેલાડી અંકિતા રૈનાએ બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ૨૩ ઓગસ્ટે રમાયેલી સેમિ-ફાઈનલમાં અંકિતા રૈનાને ચીનની ઝાંગ શુઈ સામે ૪-૬, ૬-૭ (૬-૮)થી હારનો સામનો કરવો પડયો હતો. જોકે આ હાર છતાં તેણે ત્રીજું સ્થાન જાળવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
વર્લ્ડ રેન્કિંગમાં ૧૮૯મું સ્થાન ધરાવતી અંકિતા રૈનાએ ચીનની ૩૪મો ક્રમાંક ધરાવતી ખેલાડી સામે જોરદાર લડત આપી હતી. તેણે બે કલાક અને ૧૧ મિનિટ સુધી ભારે સંઘર્ષ કર્યો હતો. આ સાથે તે એશિયન ગેમ્સમાં વિમેન્સ સિંગલ્સમાં મેડલ જીતનારી ભારતની બીજી મહિલા ખેલાડી બની છે. જ્યારે એક ગુજરાતી તરીકે આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ મહિલા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ સાનિયા મિર્ઝાએ ૨૦૦૬ની દોહા એશિયન ગેમ્સમાં સિલ્વર અને ત્યાર બાદ ૨૦૧૦ની ગ્વાંગઝૂ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો.
રમત માટેની પ્રતિબદ્ધતા
અંકિતાની એશિયન ગેમ્સ માટેની તૈયારી અને ટેનિસ રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા વિશે તેના માતા લલિતા રૈનાએ એક અખબારને જણાવ્યું હતું કે ‘અંકિતા સવારે પાંચ વાગે ઊઠીને કોચિંગ માટે પહોંચી જતી અને સાડા સાત વાગ્યે પરત આવીને તરત જ સ્કૂલે જવું પડતું. ઘણી વાર તેને સવારનો નાસ્તો સ્કૂલવાનમાં જ કરવો પડતો હતો. જોકે આજે તેનો આ સંઘર્ષ ફળ્યો છે. બ્રોન્ઝ મેડલ જીતીને તેણે માત્ર પરિવારનું નહીં, પણ સાથે સાથે દેશનું નામ રોશન કર્યું છે. અમને અમારી દીકરી પર ગર્વ છે.’
અંકિતા અમદાવાદના મેમનગર વિસ્તારમાં માતાપિતા રવિન્દ્ર રૈના અને માતા લલિતા રૈના તેમજ ભાઈ અંકુર સાથે રહેતી હતી. જોકે, તેને આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ માટે પૂનામાં વસવાટ કરવો પડ્યો છે. તેના પિતા ખાનગી કંપનીમાં મેનેજર હોવાથી નોકરી છોડી શકે એમ ન હોવાથી તેની માતાએ નોકરીમાં પૂના ટ્રાન્સફર લીધી હતી. તેના માતા એલઆઈસીમાં જોબ કરે છે.
ભાઇ-બહેનનો ટેનિસ પ્રેમ
અંકિતા રૈનાની મહેનત વિશે વધુ જણાવતાં તેના માતા લલિતા રૈનાએ કહ્યું હતું, ‘આજે અમને ઘણી જ ખુશી થાય છે કે, અમારા બધાની મહેનત રંગ લાવી છે. અંકિતા હંમેશાં કહેતી કે તેને ટેનિસમાં મેડલ જીતવો છે અને આજે તેણે આ હાંસલ કરી દેખાડ્યું છે.’
‘તેને ચાર વર્ષની ઉંમરથી જ ટેનિસ રમવામાં રસ હતો. અમે ભાઈ-બહેન અંકુર અને અંકિતાને સાથે જ ટેનિસ રમવા મોકલતાં હતાં. અંકિતે સાયન્સ પસંદ કર્યું એટલે ટેનિસ છોડી દીધું, જ્યારે અંકિતાએ ટેનિસ રમવા માટે અને તે જ ક્ષેત્રમાં આગળ વધવા માટે કોમર્સ લેવાનું નક્કી કર્યું હતું.’
મુશ્કેલીઓનો સામનો
પ્રારંભિક દિવસોમાં અંકિતાને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તે વિશે માતા કહે છે, ‘૧૩ વર્ષની ઉંમરથી જ તે એકલી આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતી હતી. પોતાનાં જીવનમાં તેણે ઘણી મુશ્કેલીનો સામનો જાતે જ કર્યો છે.’
તેના માતા એક પ્રસંગ યાદ કરતા કહે છે, ‘મને આજે પણ યાદ છે કે, વર્ષ ૨૦૦૬માં તે મોરોક્કો ગઈ હતી, ત્યારે તેને ત્યાંની ભાષા નહોતી આવડતી. આથી ઘણી મુશ્કેલી પડી હતી. તે કોઈની સાથે વાત નહોતી કરી શકતી. આ કારણે ટ્રેનમાં પ્રવાસ વખતે તે જે સ્ટેશન પર ઊતરવાનું હતું, ત્યાં ઊતરી નહોતી શકી, કેમ કે, એ સ્ટેશન જતું રહ્યું હતું. આથી તેણે ટ્રેન રોકવા માટે ચેઇન ખેંચી નાખી હતી. આ પછી અધિકારીઓ સાથે વાતચીત કરીને તેમને પોતાની મુશ્કેલી સમજાવતા કહ્યું હતું કે યોગ્ય કારણસર તેણે આવું કર્યું હતું. આખરે તેને કોઈ પણ જાતનો દંડ ફટકારવામાં આવ્યો નહોતો.
ભોજનની મુશ્કેલી
વિદેશમાં એકલા પ્રવાસ દરમિયાન ભોજન મામલે પણ તેને અનેક વખત મુશ્કેલી વેઠવી પડી છે તે વિશે જણાવતા માતા લલિતા રૈના કહે છે, ‘અંકિતા એક વખત ઓમાનમાં ટેનિસ ટૂર્નામેન્ટ માટે ગઈ હતી. તે સમયે ભૂલથી મટનનો સૂપ પી લીધો હતો. આ વાતની તેને ખબર પડતાં તરત જ મને ફોન કર્યો હતો. મને લાગ્યું કે, જો તે થોડીક પણ ડિસ્ટર્બ થઇ જશે તો રમી શકશે નહીં. આથી મેં તેને સાદા પાણીથી કોગળાં કરવાં અને બાફેલા બટાકાં-ટામેટાંનું સલાડ ખાવાની સલાહ આપી હતી. મેં કહ્યું કે આનાથી તને રમવા માટે ઊર્જા મળશે.’
પિતાનો વિશ્વાસ સાચો ઠેરવ્યો
અંકિતાના પિતા રવિન્દ્રને વિશ્વાસ હતો કે તેમની દીકરી આ વખતે અચૂક સિલ્વર મેડલ જીતશે. સાથેની વાતચીતમાં રવિન્દ્રે કહ્યું,‘મને આશા હતી કે સિલ્વર મેડલ જીતશે. મેં ટીવીમાં ઇવેન્ટ જોઈ ત્યારે લાગ્યું કે તે સંઘર્ષ કરી રહી છે. જોકે મને એ વાતનો આનંદ છે કે, તે પોતાની મહેનત પર ખરી ઊતરી છે અને મને તેના પિતા હોવાનો ગર્વ છે.’
અંકિતા રૈનાની રમતમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ધરાવતા તેના કોચ હેમંત બોરડે તેના ટેનિસ પ્રત્યેનાં સમર્પણને બિરદાવતા કહે છે, ‘અંકિતામાં કોઈ અસાધારણ આવડત નથી પણ તેનું સમર્પણ દાદ માંગી લે તેવું છે. દિવસમાં સાતથી આઠ કલાક પ્રેક્ટિસ કરવી અને બીજા દિવસે ફરીથી એટલી જ પ્રેક્ટિસ કરવી સરળ નથી. મેં જોયું છે કે ઘણા ખેલાડીઓ હિંમત હારી જાય છે, પણ અંકિતા ક્યારેય હાર નથી માનતી.’ કોચ બોરડે કહે છે કે ‘મને ઘણી ખુશી છે કે, અંકિતા એશિયન ગેમ્સમાં મેડલ લાવનારી ગુજરાતની પ્રથમ ખેલાડી બની છે.’

