કાશ્મીરમાં રાજકીય પરિવર્તનનાં સંકેત?

Tuesday 28th August 2018 11:55 EDT
 

ભારત માટે જમ્મુ અને કાશ્મીર રાજ્ય સળગતી સમસ્યા બની રહ્યું છે. તાજેતરમાં પણ દેશભરમાં બકરી ઈદની ઉજવણી થઈ રહી હતી ત્યારે કાશ્મીરમાં સેનાના જવાનો પર પથ્થરમારો, વિરોધી દેખાવો કરાયા, પાકિસ્તાન અને ઈસ્લામિક સ્ટેટના ઝંડા લહેરાવાયા, ત્રણ પોલીસકર્મી અને ભાજપના નેતાની હત્યા કરાઈ. ટુંકમાં કહીએ તો, ભારતની વિવિધ સરકારો દ્વારા લેવાયેલાં પગલાંની કોઈ નોંધ અલગતાવાદી લોકો અને ઉગ્રવાદીઓ લેવાતી નથી અને આતંકવાદી હિંસા વકરી રહી છે. અત્યાર બ્યુરોક્રેટ્સ અથવા લશ્કર સાથે સંકળાયેલા અધિકારી જ રાજ્યપાલપદે મૂકાતા હતા તેવા સંજોગોમાં ૫૧ વર્ષમાં પ્રથમ વખત કેન્દ્ર સરકારે ઘાટ-ઘાટના પાણી પીધેલા અને રાજકીય વિરોધીઓ સાથે પણ સંવાદ સાધનારા અઠંગ રાજકારણી અને બિહારના રાજ્યપાલ સત્યપાલ મલિકને જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ તરીકે ગોઠવ્યા છે ત્યારે મોદી સરકારની રણનીતિ બદલાઈ હોય અને કાશ્મીરમાં નવેસરથી વાતચીત સહિત કોઈ નવો ખેલ પડે તેવા અણસાર જણાય છે. જોકે, મલિકની વરણી આશ્ચર્યજનક છે કારણકે તેમને સિક્યોરિટી અથવા વિદેશી બાબતો વિશે અને ખાસ કરીને કાશ્મીર સંબંધિત બાબતોનો અનુભવ નથી. એક બાબત ધ્યાન ખેંચે તેવી એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા પરથી પ્રવચનમાં ગાળ કે ગોળી વિના કાશ્મીર સમસ્યાના નિરાકરણ પર ભાર મૂક્યો છે.
જમ્મુ અને કાશ્મીરમાં ૧૦ વર્ષ સુધી રાજ્યપાલનો હોદ્દો ભોગવનારા અનુભવી નોકરશાહ એન.એન. વ્હોરાના સ્થાને આવેલા સત્યપાલ મલિક વિવિધ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા રહ્યા છે. કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના સ્થાપક અને પૂર્વ મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદ સાથે પણ તેમણે નિકટતાથી કામ કરેલું છે. પીડીપી અને મહેબૂબા સઈદ સાથે ભાજપના સંબંધો બગડેલા છે તેને સુધારવામાં મલિક અગ્ર ભૂમિકા ભજવી શકે છે. ત્રણ વર્ષની ગઠબંધન સરકારનો અંત આવ્યા પછી પડદા પાછળની રાજકીય ગતિવિધિઓ સાથે ભાજપ સરકાર રચવા તૈયારી કરે તેનો દોરીસંચાર પણ ભાજપના પ્રમુખ અમિત શાહની નિકટ ગણાતા મલિકના હાથમાં રહેવાનો હોય તેમ બની શકે છે. બીજી મહત્ત્વની વાત એ છે કે નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા ભારત માતા કી જયના નારા સાથે ભાજપ તરફ વળ્યા હોય તેમ જણાય છે. નેશનલ કોન્ફરન્સના ૧૫ અને ભાજપના ૨૫ ધારાસભ્યને ધ્યાનમાં લેતાં સરકાર રચવા વધુ ૪ ધારાસભ્યનો ટેકો જરૂરી બને છે. પીડીપીના અસંતુષ્ટ ધારાસભ્યો પણ ભાજપ સાથે હાથ મિલાવી શકે છે. આમ, નેશનલ કોન્ફરન્સ- ભાજપ ગઠબંધનની પૂર્ણ સંભાવના જણાય છે.
જમ્મુ અને કાશ્મીરના નિવાસીઓને વિશેષ અધિકારો આપતી કલમ ૩૫ એ વિરુદ્ધ ‘વી ધ સિટિઝન’ સંસ્થા તેમજ અન્ય જૂથો દ્વારા પિટિશનની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાઈ રહી છે ત્યારે રાજ્યમાં રાજ્યપાલના શાસનના બદલે ચૂંટાયેલી સરકારની સત્તા હોય તો સારું તેમ કેન્દ્ર માની રહ્યું છે. રાજ્યની બહારનો વતની પ્રોપર્ટીની ખરીદી કે માલિકી ધરાવી શકતો નથી તે કાયદામાં થોડો ઘણો પણ ફેરફાર કાશ્મીર ખીણને ફરી સળગાવી શકે છે તેવી ચેતવણી પૂર્વ રાજ્યપાલ વ્હોરાએ પણ આપી હતી.


comments powered by Disqus