કોસ્મેટિક સર્જરી અંગેની સલાહ યૂ ટયૂબ પરથી લેવી જોખમી

Wednesday 29th August 2018 07:28 EDT
 
 

વિવિધ વિષયે સલાહ લેવા માટે આપણે યૂ ટયૂબનો સહારો લેતાં હોઈએ છીએ, પરંતુ તબીબોનું કહેવું છે કે લોકો કોસ્મેટિક સર્જરી માટેની સલાહ લેવા માટે પણ યૂ ટયૂબનો સહારો લેતાં હોવાથી સમસ્યા સર્જાય છે. વીડિયોમાં દર્દીના અનુભવો અને તેની સાથે તબીબી સલાહો પણ અપાતી હોય છે. વીતેલા દાયકામાં લાખો લોકો આ વીડિયો જોઈ ચૂક્યાં છે.
સર્જન તબીબોનું કહેવું છે કે આ વીડિયો નિહાળીને આવતાં દર્દીઓ તબીબોને પછી કોઈ ખાસ ટૂલ્સ અને તકનીકનો ઉપયોગ કરવા સૂચવતા હોય છે. સર્જન કદાચ તે ટૂલ્સનો ઉપયોગ જોખમી માનતા હોય છે. ગુરુવારે પ્રકાશિત પેપર્સમાં ન્યૂ જર્સીની મેડિકલ ટીમે ચેતવણી આપી છે કે વીડિયો એ વાત નથી સમજાવતા કે તેમાં વર્ણવેલી પ્રક્રિયા કાર્ય કઈ રીતે કરે છે, તેનાં જોખમો કેવાં હોય છે. વીડિયોમાં સાંભળવા મળતી કેટલીક સલાહ તો કોઈ તબીબ સલાહકારે આપેલી હોતી નથી.
ચહેરાની પ્લાસ્ટિક સર્જરીના નિષ્ણાત ડો. બોરિસ પાખોવરના જણાવ્યા મુજબ યૂ ટયૂબ પરના કેટલાક વીડિયો જોયા પછી કેટલાક દર્દી કોઈક ખાસ ટેક્નિકનો ઉપયોગ કરવા આગ્રહ રાખતા થયા હોવાથી તેમને આ સંશોધન કરવાની ફરજ પડી હતી, અર્થાત્ દર્દીઓ સમક્ષ એવી માહિતી જતી હોય છે કે જે ભૂલભરેલી હોય છે, તે પછી દર્દી તે ભૂલભરેલી માહિતીના આધારે ચોક્કસ આગ્રહ સેવતા થઈ જતા હોય છે. દર્દીઓ આગ્રહપૂર્વક સ્પ્લિન્ટ્સ ટેક્નિકનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે, જ્યારે હકીકતે તબીબને કદાચ તે યોગ્ય ના પણ લાગે. તે પછી તેમણે ૨૦ જેટલા વીડિયોનું વિશ્લેષણ કરીને આ વાત સમજાવવા પ્રયાસ કર્યો છે. તેમણે જોયું હતું કે આવા વીડિયો તબીબે નહીં પણ હેલ્થકેર સાથે જોડાયેલા અન્ય વ્યક્તિ કે દર્દી દ્વારા મુકાયેલા હતા. તેમની સલાહ જોખમી બની શકે છે.


comments powered by Disqus