એશિયાનું સુપર ફૂડ ગણાતી ખારેક કેન્સરના કોષને દૂર કરતી હોવાનું સંશોધનમાં જણાયું છે. પ્રયોગશાળામાં થયેલા પ્રયોગમાં જણાયું છે કે ખારેક ફેફસાં, સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરના કોષોને આત્મહત્યા કરાવી દે છે, જેને કારણે આપણો બચાવ થાય છે એવો અભ્યાસ ફૂડ એન્ડ ફંક્શન જર્નલમાં પ્રકાશિત થયો છે. ખારેક કેન્સરના કોષોમાં આંતરિક તણાવ પેદા કરે છે, જે કેન્સરને મૃત્યુ માટે મજબૂર કરે છે એવું રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રીના સંશોધકોએ જણાવ્યું હતું. પ્રયોગશાળામાં ખારેક સમક્ષ કેન્સરના કોષો રાખતાં આ પરિણામ જોવા મળ્યાં હતાં, જોકે તેથી ખારેક માનવીમાં કેન્સરની સારવાર કરવામાં કે તેને અટકાવવામાં મદદરૂપ બને છે કે કેમ એ હજુ અસ્પષ્ટ છે. ખારેકનો ઉપયોગ ચીની દવાઓમાં ભૂખ મરી જાય અને ડાયેરિયા થયો હોય તો તેની સારવાર માટે થાય છે. ખારેકમાંથી મળતાં ૮ તત્ત્વો સમક્ષ માનવીનાં ફેફસાં, સ્તન અને પ્રોસ્ટેટના કેન્સરના કોષો રાખ્યા હતા. આ પ્રયોગમાં એવું તારણ નીકળ્યું હતું કે આ આઠમાંથી ચાર તત્ત્વો કેન્સરના કોષોનો જીવનકાળ ટૂંકાવી દે છે. ખારેકનાં આઠ તત્ત્વો કેન્સરના કોષમાં એવો તણાવ પેદા કરે છે, જેને કારણે કેન્સરનાં માળખાને એવું નુકસાન પહોંચાડે છે કે કેન્સરના કોષ આખરે મૃત્યુને વ્હાલું કરી લે છે. સંશોધકો માને છે કે ખારેકનો અર્ક પરંપરાગત ચીની સારવારમાં કેન્સરની સારવારમાં વપરાતો હોવો જોઈએ, જોકે કેન્સરની સારવાર માટે ખારેકનો ઉપયોગ કરવા માટે વધુ સંશોધન જરૂરી છે.
ખારેક શું છે?
ખજૂર જેવા દેખાવવાળી ખારેકમાં ૩૨ ગણું વધુ વિટામિન સી હોય છે. ઉપરાંત તે એન્ટિઓક્સિડન્ટ વધુ છે. ત્રણ ખજૂરમાં ૫૪ કેલરી હોય છે અને ૧૨ ગ્રામ શુગર (ખાંડ) હોય છે, જોકે એટલી જ ખારેકમાં ૨૮ કેલરી અને ૬ ગ્રામ ખાંડ હોય છે. માનવીમાં પ્રોટીન પેદા કરવામાં મદદરૂપ થતા ૨૪ એમિનોએસિડમાંથી ૧૮ એમિનોએસિડ હોય છે. ચીનાઓ માને છે કે રોજની ત્રણ ખારેક તમને યુવાન રાખે છે.

