પ.પૂ. મહંતસ્વામીનું અટલાદરા વિચરણ

Wednesday 29th August 2018 06:41 EDT
 
 

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે વિચરણ કરી રહ્યા છે. પૂ. મહંત સ્વામી દરરોજ સવારે અને સાંજે હરિભક્તોને દર્શન અને સત્સંગનો લાભ આપી રહ્યા છે. આશીર્વચનમાં પૂ.મહંત સ્વામી સૌને સંપ, સદભાવ અને એકતાના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ આપી રહ્યા છે. અટલાદરા મંદિરમાં પૂ. મહંત સ્વામીના દિવ્ય સાનિધ્યમાં ઉપકાર દિન, સમજણ દિન, બાળ દિન અને યુવા દિન સહિત વિવિધ દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બાળકો અને યુવાનો દ્વારા મુખપાઠ, સંવાદ, કિર્તનગાન, પરંપરાગત નૃત્ય સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તા. ૨૩ ઓગસ્ટે મૂર્તિ પ્રતિષ્ઠા પૂજનવિધિ મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે પૂ. મહંત સ્વામીએ હરિભક્તોને શ્રીજી મહારાજમાં દ્રઢ વિશ્વાસ રાખવાની શીખ આપી હતી. તાજેતરમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ અટલાદરાની મુલાકાત લીધી હતી અને પૂ. મહંત સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ચાતુર્માસ દરમિયાન હિંડોળાનો ઉત્સવ ચાલતો હોઈ મંદિરના સંતો અને હરિભક્તો દ્વારા દરરોજ અલગ અલગ પ્રકારના અવનવી ડિઝાઈનના સુશોભિત હિંડોળા તૈયાર કરવામાં આવી હતી. પૂ. મહંત સ્વામીએ દરરોજ હરિકૃષ્ણ મહારાજને હિંડોળે ઝૂલાવ્યા હતા. અટાલાદરા તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા હરિભક્તોએ પણ મોટી સંખ્યામાં હિંડોળાના દર્શનનો લાભ લીધો હતો. પૂ.મહંત સ્વામી રવિવાર તા.૨ સપ્ટેમ્બર સુધી અટલાદરામાં વિચરણ કરશે.


comments powered by Disqus