કેનબરાઃ ભારતવંશી બ્રિટિશ બિલિયોનેર સંજીવ ગુપ્તાએ સાઉથ ઓસ્ટ્રેલિયામાં ૧ બિલિયન ડોલરના ખર્ચે વિશ્વની સૌથી મોટી લિથિયમ આયન બેટરી બનાવવાન પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે, જેની ક્ષમતા ૧૨૦ મેગાવોટ હશે. આ બેટરી એલન મસ્કની ટેસ્લા કંપની દ્વારા લગાવવામાં આવેલી બેટરી (૧૦૦ મેગાવોટ ક્ષમતા)નો રેકોર્ડ તોડશે. ટેસ્લાની આ બેટરી ડિસેમ્બર ૨૦૧૭)માં લગાવી હતી.
ગુપ્તાની એનર્જી કંપની સિમેક ઝેનના કલ્ટાના સ્થિત સોલર ફાર્મમાં આ બેટરી લગાવવામાં આવશે. આ પ્રોજેક્ટ ૨૮૦ મેગાવોટ એનર્જી પેદા કરશે. જેનાથી ૯૬,૦૦૦ ઘરમાં વીજનો પુરવઠો પૂરો પાડવામાં આવશે. તદુપરાંત આ ફાર્મના કન્સ્ટ્રકશન માટે ૩૫૦ કર્મચારીઓને રોજગાર મળશે. આ અવસરે સંજીવ ગુપ્તાએ જણાવ્યું કે, આ તક નવી પેઢીની એનર્જી એસેટ્સ બનાવવાની અમારી ઇચ્છાનું પ્રતિક છે. જેનાથી ઓસ્ટ્રેલિયામાં વીજ દરો કોમ્પિટીટીવ સ્તરે આવશે.
ગુપ્તાએ કહ્યું, ઓસ્ટ્રેલિયામાં અમારું મુખ્ય ફોકસ સોલર એનર્જી પર છે. વિન્ડ એનર્જીની પણ મદદ લેવાશે. તેમની પાસે પૂરતા પ્રમાણમાં સ્ટોરેજ ક્ષમતા છે. સાઉથ ઓસ્ટ્રેલિયામાં ગુપ્તા ફેમિલી ગ્રુપના સોલર ફાર્મ ઉપરાંત હાઇડ્રોપ્રોજેક્ટ પણ ચાલી રહ્યા છે.
ગુપ્તાએ જણાવ્યું કે, આ તમામ પ્રોજેક્ટથી વીજના ભાવોમાં મોટા પાયે ઘટાડો નોંધાશે. ઇન્ડસ્ટ્રી અને કોમર્શિયલ ગ્રાહકોને વીજની જરૂરિયાતો પણ પૂરી થશે. તેનાથી કોમ્પિટિટિવ દરમાં વીજ પ્રાપ્ત થશે. બજાર પણ આ ઇનોવેટિવ એનર્જી વિકલ્પો સાથે આગળ વધશે.
ગુપ્તા જણાવે છે કે, ઓસ્ટ્રેલિયા સહિત વૈશ્વિક સ્તરે પારંપારિક કાર્બન આધારિત પેઢીનું ભવિષ્ય ઝાઝુ નથી. દુનિયા તેને સમજી રહી છે. રિન્યુએબલ એનર્જી તરફ પ્રયાણ કરી રહી છે. ખર્ચ પર તુલનાત્મક રૂપે ઘટ્યો છે.

