જાકાર્તાઃ ભારતના સ્ટાર ભાલા-ફેંક એથ્લીટ નીરજ ચોપડાએ એશિયન ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન કરતાં ભારતને સ્પર્ધામાં પ્રથમ વાર ગોલ્ડ અપાવ્યો છે. નીરજ ભાલા ફેંકમાં ગોલ્ડનો દાવેદાર મનાતો હતો. તેણે ત્રીજા પ્રયાસમાં ૮૮.૦૬ મીટરનો થ્રો કરી સૌને દબાણમાં લાવી દીધા હતા. આ પછી અન્ય એથ્લીટ તેની નજીક પણ પહોંચી શક્યા નહોતા. આમ ભારતે એશિયન ગેમ્સમાં પ્રથમ વખત જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલાં ભારતનો એશિયન ગેમ્સમાં ભાલાફેંકમાં શ્રેષ્ઠ દેખાવ બ્રોન્ઝ મેડલનો હતો.
આ પૂર્વે એશિયન ગેમ્સ શૂટિંગમાં ભારતના ટીનએજર શૂટરો તેમના ઝમકદાર દેખાવ દ્વારા છવાઇ ગયા હતા. ૧૫ વર્ષના શાર્દૂલ વિહાને મેન્સ ડબલ ટ્રેપ શૂટિંગમાં સિલ્વર મેડલ જીતી લીધો હતો. આ સફળતા સાથે જ સાથે શાર્દૂલે સૌથી યુવા વયે એશિયન ગેમ્સ શૂટિંગમાં મેડલ જીતનારા ખેલાડી તરીકેનો રેકોર્ડ નોંધાવ્યો હતો. એશિયાના ટોચના શૂટરો વચ્ચેના ડબલ ટ્રેપ શૂટિંગના મુકાબલામાં ભારતીય ટીનેજરે સનસનાટી મચાવતા ફાઈનલમાં ૭૩નો સ્કોર કરતાં સિલ્વર સફળતા હાંસલ કરી હતી.

