રક્ષાબંધનનું રક્ષાકવચ

સી. બી. પટેલ Tuesday 28th August 2018 12:01 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ધર્મ-જ્ઞાતિ કે અન્ય પ્રકારના ભેદભાવ વિના, વિશ્વભરના ભારતીય સમાજમાં, આજના આધુનિક યુગમાં પણ, રક્ષાબંધન પર્વનું આગવું મહત્ત્વ આપણે સહુ જોઇ શકીએ છીએ. ગઇકાલે બ્રિટનમાં લોંગ વીકએન્ડ દરમિયાન રક્ષાબંધન પર્વ અત્યંત ભાવનામય માહોલમાં અબાલવૃદ્ધ સહુ કોઇએ માણ્યું. હું તો અગાઉ આપ સહુ સમક્ષ નિવેદન કરી જ ચૂક્યો છું કે મારે મન મહાશિવરાત્રી પર્વનું સૌથી અદકું મહત્ત્વ. અને તે પછી સૌથી અગત્યનું કોઇ પર્વ હોય તો તે રક્ષાબંધન. અન્ય રાષ્ટ્રીય કે ધાર્મિક મહોત્સવોનું મહત્ત્વ ખરું, પણ મહાશિવરાત્રી અને રક્ષાબંધન સર્વોચ્ચ.
ધર્મ-સંપ્રદાય કોઇ પણ હોય, પર્વો-તહેવારો મનુષ્યજીવનને ભર્યુંભાદર્યુ રાખે છે. કોઇ રજપૂતાણી કોઇ મુસ્લિમ સુલ્તાનને રક્ષા મોકલાવે અને તે સુલ્તાન ભાઇનો ધર્મ બજાવીને બહેનની મદદે દોડી જાય. કેટલો પ્રેરણાદાયી પ્રસંગ?! ભારતના સૈકાઓ પુરાણા ઇતિહાસ પર નજર ફેરવશો તો એવા અસંખ્ય ઉદાહરણો જોવા મળે જે સૂચવે છે કે આ પર્વને કોઇ ભેદભાવ સ્પર્શી શક્યા નથી.
રક્ષાબંધન એ ખરા અર્થમાં રક્ષાકવચ છે કેમ કે ભાઇને આ બંધનના ધાગામાં અતૂટ ભરોસો હોય છે. વ્હાલસોયા ભાઇ માટે ફક્ત દશેરા સુધી જ નહીં, પણ આખેઆખું વર્ષ સહીસલામતી ભર્યું, સર્વ પ્રકારે રિદ્ધિ-સિદ્ધિદાયક બની રહે તેવી બહેનની મંગલકામનાનું પ્રતીક એટલે રક્ષાકવચ. હું તો આ રક્ષાકવચની શ્રદ્ધા અપરંપાર અનુભવી ચૂક્યો છું. આ શ્રદ્ધા કોઇ પરમ તત્ત્વ પ્રત્યે વિશ્વાસનો નાતો જોડે છે. આપણી તળપદી ભાષામાં કહીએ તો રામનામ પરના ભરોસાનું આજના ભૌતિક પ્રાધાન્ય ધરાવતા મૂલ્યોમાં પણ જતન કરવા જેવું છે.

આક્રમક નાસ્તિક્તાથી ચેતતા રહેજો

આપણે સહુએ એક યા બીજા સમયે ધાર્મિક વિચારનો પ્રચાર-પ્રસાર થતો જોયો જ છે, પરંતુ બ્રિટન સહિતના પશ્ચિમી જગતમાં નવો વાયરો ફૂંકાયો છે. આ દેશોમાં આક્રમક નાસ્તિક્તાના પ્રચાર-પ્રસાર માટે પણ વ્યવસ્થિત કહેવાય તેવું આંદોલન ચાલતું જોઇ શકાય છે. ચાર્લ્સ ડાર્વિને લો ઓફ ઇવોલ્યુશન (ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત) આપ્યો. અમુક અંશે જીવશાસ્ત્રના નિષ્ણાત ન હોવા છતાં આ મહાન વિજ્ઞાનીએ દળદાર ગ્રંથ લખીને તે વેળાના રૂઢિચુસ્ત ખ્રિસ્તી ધર્મગુરુઓ સામે વ્યાપક ઝૂંબેશ ચલાવી. ખ્રિસ્તી ધર્મના પાયામાં થિયરી ઓફ ક્રિએટીવિટી પ્રાધાન્ય ભોગવે છે જ્યારે ડાર્વિને રજૂ કરેલો લો ઓફ ઇવોલ્યુશન તદ્દન બીજા છેડાનો - વિપરિત - અભિગમ ધરાવે છે. અલબત્ત, કાળક્રમે વિજ્ઞાનીઓ, સંશોધકો - મારા મતે - એમ માનતા થયા છે કે ચાર્લ્સ ડાર્વિનની ફિલસૂફી કે રજૂઆત સંપૂર્ણપણે તર્કબદ્ધ નથી.
વાત ભલે ડાર્વિનથી શરૂ કરી, આપણી વાતના કેન્દ્રસ્થાને છે પ્રોફેસર રિચાર્ડ ડોકીન્સ નામના મહાનુભાવ. આ ઊંચા ગજાના વિદ્વાન, વૈજ્ઞાનિક અને બેસ્ટ સેલર ગ્રંથોના લેખકે આજકાલ નવું આંદોલન છેડ્યું છે. તેઓ બાળકોથી માંડીને મોટેરાઓને નાસ્તિક્તાના માર્ગે લઇ જવાના કામે લાગ્યા છે. શા કારણથી ડોકીન્સ આ માર્ગે વળ્યા છે એ તો ઇશ્વર જ કહી શકે, પરંતુ તેમના એક પ્રકાશિત પુસ્તકનું નામ છે ‘ધ મેજીક ઓફ રિયાલિટી’. પુસ્તકનું લાંબુલચ્ચ પિષ્ટપેષણ કરવાના બદલે સાદી ભાષામાં કહું તો તેઓ - આ પુસ્તકના માધ્યમથી - બાળ સાહિત્યના નામે કુમળી વયના બાળકોને ‘ધર્મથી’ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવતા વર્ષે તેઓ ટીનેજર્સને નજરમાં રાખીને પુસ્તક પ્રસિદ્ધ કરવા માગે છે. તેનું નામ હશેઃ આઉટગ્રોઇંગ ગોડ. આ ઉપરાંત તેઓ એક પિક્ચર બુક પણ તૈયાર કરી રહ્યા છે, જેમાં બાઇબલમાં રજૂ થયેલી ક્રૂરતા સંદર્ભે ચિત્રમય રજૂઆત હશે.
એક વિચારક તરીકે, એક ચિંતક તરીકે, એક લેખક તરીકે પ્રો. ડોકીન્સને પોતાના મંતવ્યો કે વિચારો રજૂ કરવાનો અબાધિત અધિકાર છે એ તો સ્વીકારવું જ રહ્યું. જોકે મારું માનવું છે કે કુમળી વયના ટીનેજર હોય કે પાકટ વિચારધારા ધરાવતી પુખ્ત વયની વ્યક્તિઓ, આપણા જેવા કાળા માથાના માનવીઓની આધ્યાત્મિક પરંપરાયુક્ત માન્યતાઓ અને મૂલ્યોનું - માત્રને માત્ર નિકંદન કાઢવાના આશયથી જ મૂલ્યાંકન કરવું સરવાળે સહુ કોઇ માટે નુકસાનકારક બની શકે છે. સંભવ છે કે આવા (નકારાત્મક) અભિગમ થકી આપણે પોતીકા જીવનના અપનાવવા જેવા આવરણને પણ વિનાકારણ નષ્ટ કરી રહ્યા છીએ.
જોકે સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે જેઓ ખુદ ઈશ્વરના અસ્તિત્વના સ્વીકારનો સંપૂર્ણ ઇન્કાર કરે છે તેવા આ પ્રોફેસર ડોકીન્સ પાછા એ વાત કબૂલે છે કે પોતે શાવર લેવા જાય છે ત્યારે પ્રેયર્સ લલકારવામાં આનંદની લાગણી અનુભવે છે.
માનવજીવનમાં ઘણી વખત એવી ઘટનાઓ બને છે, પ્રસંગો બને છે કે જ્યારે આપણે દુઃખના ભાર તળે દબાઇ જઇએ છીએ, બોજ અસહ્ય બની જાય છે તે વેળા જીવન પ્રત્યે સમતોલ અભિગમ અપનાવવામાં ધર્મ-અધ્યાત્મ અકસીર જડીબુટ્ટીનું કામ કરે છે.
આ સમયે આપણું સમતોલ વલણ બાજુમાં મૂકીને શ્રદ્ધાને શંકાના ત્રાજવે તોળવાનું અયોગ્ય છે. દાખલા તરીકે, કોઇ વ્યક્તિને અકારણ-સકારણ નોકરી, વ્યવસાય કે ધંધામાં કે સામાજિક અને પારિવારિક સંબંધોમાં બરકત ન આવે અથવા તો ઇચ્છિત ફળ પ્રાપ્ત ન થાય એટલે દોષનો ઓળિયોઘળિયો શ્રદ્ધા પર ઢોળી દેવાનો અભિગમ અઘટિત છે. હું માનું છું કે સૌથી કરુણ ઘટના હોય કે પછી આપણા પરિવારમાં કોઇ સ્વજનનું અકાળે અવસાન થયું હોય તો તે વેળા નકારાત્મક વિચારસરણી અપનાવવા કરતા આ તો ઇશ્વરની લીલા છે, અથવા તો તેની પાછળ અવશ્ય કુદરતનો કોઇ સંકેત છુપાયેલો છે તેવો અભિગમ અપનાવીને સમય-સંજોગને સ્વીકારવામાં જ ડહાપણ છે. 

આખરે તો શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ આ જ સંદેશ આપે છે ને... જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે. જન્મ-મરણ, લાભ-હાનિ, યશ-અપયશ પરમાત્માને આધિન હોય છે. આ વલણ વધુ વાજબી અને હિતકારી છે. આવું બને છે ત્યારે ઘટનાના કારણોમાં વધુ પડતા ઊંડા ઉતરીને મૂંઝવણ, ચિંતા, દુઃખ, પીડાના બોજામાં દબાઇ જવાના બદલે પરમાત્માના સાંનિધ્યનું શરણ સ્વીકારવું તેમજ જે પરમ તત્વે જન્મ આપ્યો છે તેને જીવ પરત લેવાનો અધિકાર પણ છે તેમ માનવું અને મનાવવું ડહાપણભર્યું દીસે છે.

મૃત્યુ મરી ગયું રે લોલ...

શનિવારે સાંજે લંડનની ઉત્તરે વોટફર્ડ નજીક આવેલા ભક્તિવેદાંત મેનોર હરેકૃષ્ણ મંદિરમાં પેટ્રન્સ ડીનર યોજાયું હતું. ઇસ્કોનની આ સંસ્થા સાથે સંકળાયેલા સમર્પિત અને સેવાભાવી ભક્તજનો માટે પ્રતિ વર્ષ આ પ્રિતીમિલન યોજાય છે. શનિવારના મિલન સમારોહમાં ૧૫૦૦થી વધુ કૃષ્ણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાચક મિત્રો, આપ સહુને વિદિત છે કે આ મંદિર સંકુલના પ્રમુખ આદરણીય શ્રુતિધર્મદાસજી છેલ્લા કેટલાક મહિનાથી બ્રેઇન ટ્યુમરના એક અસાધ્ય કહેવાતા રોગનો સામનો કરી રહ્યા છે.
પૂ. શ્રુતિધર્મદાસજીએ થોડાક મહિના અગાઉ દીપોત્સવી પર્વે ૧૦ ડાઉનીંગ સ્ટ્રીટમાં હિન્દુ ધર્મ-પરંપરા વિશે એક મનનીય પ્રવચન આપ્યું હતું. તે પૂર્વે નામદાર મહારાણી સમક્ષ આપણા ધર્મદર્શન અને સંસ્કારવારસાની સુંદર રજૂઆત કરી હતી. આ પેટ્રન્સ ડીનરમાં શ્રૃતિધર્મદાસજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કંઇકેટલાયને તેઓ હરેકૃષ્ણ નામસ્મરણ સાથે મળ્યા અને તેમના ખબરઅંતર જાણ્યા. આરોગ્યના આવા કપરા અને નાજુક તબક્કે પણ તેમનું હૈયું તો કૃષ્ણભક્તિમાં જ ઓતપ્રોત હોવાનું એક નહીં, અનેક અવસરે જોવા મળ્યું. તેમણે ખાસ ભાવના વ્યક્ત કરી હતી કે આ મંદિર સંકુલના મધ્ય સ્થાને શ્રીકૃષ્ણ હવેલીનું નિર્માણકાર્ય પૂરજોશથી ચાલી રહ્યું છે. આવતા વર્ષે જન્માષ્ટમી પર્વે આ હવેલીના દ્વારા હરિભક્તો માટે ખુલ્લા મૂકાશે.
સમગ્ર પ્રોજેક્ટ સમયસર સાંગોપાંગ પાર પડે તે માટે શ્રુતિધર્મદાસજીએ સહુકોઇને ઉદાર હાથે સેવા-સહયોગ આપવાનો લાગણીભર્યો અનુરોધ કર્યો હતો, જેને ઉષ્માસભર પ્રતિસાદ સાંપડ્યો હતો. જીવનમાં ભલે ગમેતેવા વિપરિત સંજોગો હોય, જે વ્યક્તિ છેલ્લા શ્વાસ સુધી શુભ આદર્શોનું જતન કરે છે, જીવનની સંપૂર્ણતા માટે વિચાર, વાણી અને વર્તન થકી આરાધના કરતી રહે છે તેને મૃત્યુ ક્યારેય હરાવી શકતું નથી.
આપ સહુએ ગયા સપ્તાહના ‘ગુજરાત સમાચાર’માં વાંચ્યું હશે તે પ્રમાણે પાણખાણીયા પરિવારે ભાગવતકથા દરમિયાન ઓનલાઇન સખાવત માટે ટહેલ નાખી છે. આ જ ઉમદા ઉદ્દેશથી ૧૬ સપ્ટેમ્બરના રોજ એજવેર સ્થિત શ્રીકૃષ્ણ અવંતિ સ્કૂલથી ભક્તિવેદાંત મેનોર સુધીની પદયાત્રા - ચેરિટી વોકનું આયોજન થયું છે.
તાજેતરમાં મારા પરિચિત એવા એક પરિવારમાં છેલ્લા થોડાક વર્ષમાં બીજી વખત અકાળે અવસાનની ઘટના બની છે. સાધનસંપન્ન છતાં વિનમ્ર, ઉમદા અને ઉદાર પરિવાર ઉપર વિધાતાએ શા કારણે આવો વજ્રાઘાત કર્યો એ તો આપણે પામર મનુષ્યો શું જાણીએ? પરંતુ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કે તેઓ આ પરિવારને તેના પર આવી પડેલું દુઃખ સહન કરવાની શક્તિ-ક્ષમતા અર્પે. છેલ્લા આઠ-દસ દિવસથી અમે પરિવારજનો અને કાર્યાલયના સાથીઓ પ્રાર્થના કરતા રહ્યા છીએ. અંતે તો આપણા શાસ્ત્રો પણ એ જ બોધ આપે છે - જેનો અંકુશ આપણા હાથમાં નથી તેને સ્વીકારવામાં જ ડહાપણ છે. આમ પણ કુદરતની અકળ લીલાને કોણ સમજી શક્યું છે? જેવી પરમાત્માની મરજી... ઇશ્વરેચ્છા બલિયસી.
આ અંગે શનિવારે હું વધુ ચિંતિત હતો. મારા સ્ટડીરૂમમાં બેઠાં બેઠાં ઇશ્વરની લીલાના ભેદભરમ સમજવા મથી રહ્યો હતો, ત્યાં જ મનમાં એક ગીત રમતું થયું. ઇશ્વરને વ્હારે આવવાનું વિનતી કરતી ભક્તજનની લાગણી બહુ સૂચક છે.

બડી દેર ભયી... બડી દેર ભયી,

કબ લોગે ખબર મોરે રામ... 

નાનામોટા દુઃખ કે યાતનાના પ્રસંગો વેળા ઇશ્વરને આવી પ્રાર્થના - અરજ - યાચના કરીને આપણે થોડાક હળવા તો થઇ જઇએ છીએ, પણ કાયમી ઉપાય શું? મન થોડુંક ગૂંચવાયું, થોડુંક અટવાયું અને પછી કાળાડિબાંગ વાદળોની કોરેથી સોનેરી કિરણ ઝળકે તેમ મનમાં એક બીજું ગીત રમતું થયુંઃ ‘હતાશને...’ પૂજ્ય કૃપાલાનંદજીની આ સદાબહાર રચના આમ તો અગાઉ પણ આ જ કોલમમાં રજૂ કરી ચૂક્યો છું, પરંતુ આજે તેને ફરી એક વખત રજૂ કરતાં મારી કલમને રોકી શકતો નથી. પરમાત્મા તેનું કાર્ય કરે અને આપણે આપણું કાર્ય કરતા રહીએ. ‘હતાશને...’ કૃતિ પણ આ જ સંદેશ આપે છે - નિયતિ સામે શરણાગતિ સ્વીકારવામાં નહીં, સમજદારી ભર્યો અભિગમ અપનાવવામાં જ સહુનું શ્રેય સમાયેલું છે, કલ્યાણ રહેલું છે.

રસિકભાઇ ‘તિલક’ની ચિર વિદાય

બાળમિત્ર અને ગુજરાત સમાચાર કાર્યાલયના વર્ષોપર્યંત સાથી શ્રી રસિકભાઇ મણિભાઇ પટેલ (તિલક)નું સોમવારે સાંજે, ટૂંકી માંદગી બાદ હોસ્પિટલમાં અવસાન નીપજ્યું છે. તેઓ ૮૫ વર્ષના હતા. ભાદરણના વતની, પરંતુ કેટલાક દસકાઓથી લંડનમાં સ્થાયી થયા હતા. મુંબઇની જે.જે સ્કૂલ ઓફ આર્ટસમાં અભ્યાસ. રસિકભાઇ સિદ્ધહસ્ત ચિત્રકાર હોવા ઉપરાંત એક અચ્છા ક્રિકેટર અને સારા ગાયક પણ હતા. આવા બહુમુખી પ્રતિભા ધરાવતા રસિકભાઇ સાથે મારો ૭૧ વર્ષ જૂનો નાતો. સાવ સરળ, નિર્મળ અને નિરુપદ્રવી એવા આ ઉમદા આદમીની વિદાય એક રીતે પીડાદાયક હોવા છતાં એક સામાન્ય માનવી અસામાન્ય મૂલ્યો ધરાવી શકે છે તે શ્રદ્ધા પ્રબળ બની. પરમાત્મા તેમના પરિવારજનોને અને પરિચિતોને આ કારી ઘા સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના સહ... (ક્રમશઃ)

•••

ફિલ્મઃ બસંત બહાર (૧૯૫૬)
ગીતકારઃ શૈલેન્દ્ર
ગાયકઃ મોહમ્મદ રફી

બડી દેર ભઈ.....
બડી દેર ભઈ.... (૨)
કબ લોગે ખબર મોરે રામ (૨)
બડી દેર ભઈ.... (૨)

કહતે હૈ તુમ હો દયા કે સાગર
ફિર ક્યું ખાલી મેરી ગાગર
ઝુમે ઝુકે કભી ન બરસે
કૈસે હો તુમ ઘનશ્યામ (૨)
હે રામ... (૨)
બડી દેર ભઈ.... (૨)

સુન કે જો બહરે બન જાઓગે
આપ હી છલિયા કહલાઓગે
મેરી બાત બને ના બને
હો જાઓગે તુમ બદનામ (૨)
હે રામ... (૨)
બડી દેર ભઈ.... (૨)
કબ લોગે ખબર મોરે રામ (૨)

ચલતે-ચલતે મેરે પગ હારે
આઈ જીવન કી શામ
કબ લોગે ખબર મોરે રામ
બડી દેર ભઈ.... (૨)

•••

હતાશને...
(મંદાક્રાન્તા)

આઘેથી તું તિમિરદલને દેખતાં હામ છોડી-
શાને બેઠો રુદન કરતો મસ્તકે હાથ ઠોકી?
ઊભો થા! ને પથ પર પડ્યા શુષ્ક બે કાષ્ઠ ખોળી
એમાંથી તું મથનબલથી સુપ્ત ઢંઢોળ જ્યોતિ

તારા ભાલે અકલ લિપિમાં લેખે કોયે ન કોર્યા,
એ તો કર્મે ગત સમય તેં તેજ-અંધાર ઢોળ્યાં,
ભૂતે ભાળી નયને થકવે નિર્બલો ભાગ્ય જોતાં,
ત્યારે પેલા નર સબલ તો કાર્યમાં મગ્ન રે’તાં.

થાકે વૃદ્ધો શિથિલ સઘળાં ગાત્ર જેનાં થયાં તે,
તારાં ગાત્રો, નવયુવક ઓ! શક્તિ-શૌર્યે ભર્યાં છે,
થાકે જેનું હૃદય નબળું ઉદ્યમી તો ન થાકે,
એ તો આગે ચરણ ધરતો ધ્યેયમાં ધ્યાન રાખે.

સાથીહીણા ડગ નવ ભરે અન્ધ કે પંગુઓ જ,
તારે નેત્રો, પગ સબલ બે, આત્મશક્તિ અમોઘ,
તોયે શાને સ્વબલ વિસરી આમ બેઠો? ચકોર!
ઉત્સાહીને કઠિન ન કશું, કાર્યમાં ચિત્ત જોડ.

નીચી આંખે ચરણતલના કંટકો શેં નિહાળે?
ના જોતા ઘા સમર-રમતા શૂર તો કોઈ કાળે,
વીરોને તો અચલ ડગલાં ધારવાં એ જ છાજે
શસ્ત્રો છાંડી રણ પર હરે માતની કૂખ લાજે.

ઊંચી ડોકે સ્થિર નયનથી શક્તિનો સાર ફીણી,
લોકો સામે અડગ મનથી તેં પ્રતિજ્ઞા કરી’ તી,
કે, ના છોડું વિકટ પથ આ, ના કરું પ્રાણ પ્રીતિ,
તેનું આજે સ્મરણ કર તું, ત્યાગ આ તુચ્છ ભીતિ.

આદર્શોનું જતન કરતાં વૈભવોમાં જ લોક,
કષ્ટોમાં તો સકલ જનમાં ધીર ને વીર કોક,
ઝંઝાવાતે તરુવર નમે, અદ્રિ રે’ તો અડોલ,
દુઃખે એવા અણનમ રહે ભીષ્મના ભદ્ર બોલ.

આશાકેરા અજયગઢના મસ્તકે રોપવાને,
હાથે ઝાલી વિજયધ્વજ ને ચાલ, આગે પ્રવાસે,
ઊભો રે’છે ભય મલકતો કાયરોના જ માર્ગે,
નિર્ભીતોથી ભય ભયધરી નાસતો, ના ખડો રે.’

----------------------------


comments powered by Disqus