હિન્દી ફિલ્મજગતની અનેક ક્લાસિક ફિલ્મોનો સાક્ષી આરકે સ્ટુડિયો માત્ર યાદોમાં રહેશે. કપૂરબંધુઓએ અનેક અજરામર ફિલ્મોનું નિર્માણ કરનારા સ્ટુડિયોને વેચવાનો નિર્ણય લીધો છે. સ્ટુડિયો થકી થતી આવક કરતાં તેની દેખભાળ રાખવાનો ખર્ચ વધુ હોવાથી સ્ટુડિયોને વેચવાનો નિર્ણય લીધો છે. સ્ટુડિયોમાં લાગેલી ભીષણ આગ બાદ તેને ફરી ઊભો કરવો અશકય બની ગયું છે તેમજ તેમાં રખાયેલાં સ્મૃતિચિહ્નોને ફરી બનાવવાનો ખર્ચ પણ વધુ હોવાથી આ સ્ટુડિયોને વેચવાનો નિર્ણય લેવાયો છે. રાજ કપૂરના સૌથી નાના પુત્ર રિશિ કપૂરે જણાવ્યું કે, રણધીર કપૂર, રાજીવ કપૂર, રિતુ નંદા, રિમા જૈન, ક્રિષ્ણા રાજ કપૂર દ્વારા સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે. રિશિ કપૂરે કહ્યું કે, હાલ બિલ્ડર સાથે વાતચીત ચાલી રહી છે એમ રિષી કપૂરે જણાવ્યું હતું.
ગોલ્ડન ફિલ્મોનો સાક્ષી
‘આવારા’, ‘આહ’, ‘શ્રી ૪૨૦’, ‘જાગતે રહો’, ‘જિસ દેશમેં ગંગા બહેતી હૈ’, ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’, ‘પ્રેમરોગ’, ‘રામ તેરી ગંગા મેલી’, ‘હિના’, ‘પ્રેમગ્રંથ’ એવી અનેક ફિલ્મોમાં વપરાયેલા કોસ્ચ્યુમ્સ આરકે સ્ટુડિયોમાં સાચવીને રખાયાં હતાં, પરંતુ સપ્ટેમ્બર ૨૦૧૭માં લાગેલી આગમાં આ પરિધાનો બળીને ખાખ થયાં હતાં.

