અગ્રગણ્ય ગુજરાતી પરિવારની યુવાન દીકરી, દોહિત્રી તેમજ સાઇ ભારતીનાં ધર્મપત્ની વીશાનું ૩૯ વર્ષની વયે અકાળે અવસાન થતાં સમગ્ર ભારતીય સમાજમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. વીશાબહેન એક દીકરી આશ્રમી, દીકરો કિશન અને પતિ સાઇ ભારતી સાથે સુખી દાંમ્પત્ય જીવન વિતાવતાં હતાં. સોમવાર, ૨૦ ઓગષ્ટના રોજ સવારે પરિવારજનોની હાજરીમાં જ વીશાબહેનને જીવલેણ હ્દયરોગનો હુમલો થતાં અણધાર્યું દુ:ખદ નિધન થયું હતું. આસ્ટન યુનિવર્સિટીમાં બીઝનેસ સ્ટડીઝનો અભ્યાસ કરતાં હતાં ત્યારે વીશાબહેનને ઓપ્ટોમેટ્રીસ સાઇ ભારતી સાથે પરિચય થતાં લગ્નગ્રંથીથી જોડાયાં હતાં. વીશાબહેન એક સફળ ઓપ્ટીશીયન પતિ સાઇ સાથે પોતીકો બીઝનેસ "કોમ્યુનિટી કેર ઓપ્ટીશીયન" ચલાવતાં હતાં.
સદગત વીશા સાઇ ભારતી એ અગ્રગણ્ય પેઢી "ધામેચા કેશ એન્ડ કેરી"ના સ્વપ્નદ્રષ્ટા, સ્થાપક મુ.શ્રી ખોડીદાસભાઇ ધામેચા તથા શ્રીમતી લલિતાબહેન ધામેચાનાં દોહિત્રી, ધામેચા ફૂડ્સ લિમિટેડના ડાયરેકટર શ્રી મુકેશભાઇ વિઠ્ઠલાણી તથા દિવંગત જયશ્રીબહેન વિઠ્ઠલાણીનાં દીકરી તેમજ દિવંગત સરલાબહેન ભારતી તથા શ્રી ગુલાબભાઇ ભારતીનાં પુત્રવધૂ થાય છે. સદગતનો પરિવાર અને મિત્રવર્તુળ પ્રત્યેનો નિ:સ્વાર્થ સ્નેહ, અદમ્ય ઉત્સાહ, કામ કરવાની ધગશ અને નિર્મળ, હસમુખો સ્વભાવ હરહંંમેશ યાદ રહેશે.
વીશાબહેનના અણધાર્યા અવસાનના સમાચાર મળતાં સમગ્ર લોહાણા સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. એમના આત્માની શાંતિ અર્થે ગયા અઠવાડિયે સાઉથ હેરો ખાતે ધામેચા લોહાણા સેન્ટરમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સદગતના આત્માને ચિરશાંતિ આપે અને ભારતી, વિઠ્ઠલાણી અને ધામેચા પરિવારને આ અસહ્ય દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી 'ગુજરાત સમાચાર' પરિવારની પ્રાર્થના સહિત સૌને જયશ્રી કૃષ્ણ.

