શ્રીકૃષ્ણ શ્રાવણ વદ આઠમે જ કેમ જન્મેલા?

- દેવહુમા Wednesday 29th August 2018 08:07 EDT
 
 

જેમના નામસ્મરણથી જ મોક્ષ સુનિશ્ચિત થઈ જાય છે તે ભગવાન શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. ‘શ્રીકૃષ્ણ એ નામ જ આકર્ષણનો પર્યાય છે. જેમનો મહિમા ગાતાં હૃદયમાં અલૌકિક ભાવ સ્વયંભૂ પ્રગટ થાય છે તે મહાભાગ ભગવાન શ્રીકૃષ્ણ શ્રાવણ વદની આઠમ (આ વર્ષે ૩ સપ્ટેમ્બર)ની તિથિએ જ કેમ જન્મેલા તેવો પ્રશ્ન સહેજે જાગે. આઠમની તિથિ અંગેના શાસ્ત્રોક્ત સંદર્ભો પણ બહુ જ મહાન અને અહોભાવ જન્માવે તેવા છે.
આઠનો અંક શ્રીકૃષ્ણના માત્ર જન્મ સાથે જ નહિ, પણ જન્મ પહેલાંથી જોડાયેલો છે. કંસને જ્યારે ખબર પડી કે તેની સગી બહેન દેવકીનો આઠમો પુત્ર જ તેનો કાળ બનશે તો તે તરત જ ગુસ્સાથી કાળઝાળ થતો બહેનનો જીવ લેવા તૈયાર થઈ ગયો. એ સમયે દેવકીએ કંસને બે હાથ જોડીને, ખોળો પાથરીને પ્રાર્થના કરતાં કહ્યું, ‘ભાઈ, મારો વધ ના કરશો, હું તમને મારો આઠમ પુત્ર જન્મશે કે તરત તમને આપી દઈશ.’
કંસ ત્યારે ઘણો આશ્વસ્ત થયો અને માની ગયો, પણ તે જ સમયે મહર્ષિ નારદ પ્રગટ થયા. તેમણે એક ચક્ર બનાવ્યું અને તેમાં તેમણે આઠ નિશાન લગાવ્યા, પછી કહ્યું, ‘હે કંસ આ ચક્રને જો. આ દેવકીના આઠ પુત્રો છે. તેમાંથી કયો પુત્ર આઠમો હશે તેની ગણતરી આ ચક્રમાં ક્યાંથી કરીશ. બોલ?’
કંસ એ ચક્ર સામે તાકી રહ્યો ને પછી મૂંઝાયો. આઠ નિશાનમાં જેના પર પણ તે હાથ મૂકે અને તે જ આઠમો પુત્ર નીકળે તો?
પણ પછી તો કંસે એટલે જ દેવકીના એક પછી એક જન્મતા ગયેલા સંતાનને મારી નાખીને કારાવાસની દીવાલો લોહિયાળ બનાવી દીધી. શ્રાવણ વદ આઠમની મેઘલ, તોફાની રાત્રિએ શ્રીકૃષ્ણ દેવકીના આઠમા પુત્ર તરીકે જન્મ્યા અને પોતાની લીલાથી બચી ગયા. કંસ છેવટે પ્રભુને હાથે હણાયો.
‘કૃષ્ણ’ શબ્દની વ્યુત્પત્તિ બ્રહ્મવૈવર્ત પુરાણમાં અનેક પ્રકારે દર્શાવી છે. આપણાં શાસ્ત્રોમાં તો ‘કૃષ્ણ’નું નામ માત્ર બોલવાનું ફળ જ ભગવાન શ્રી વિષ્ણુનાં હજાર નામો ત્રણ વાર બોલ્યા બરાબર ગણાય છે. વેદઞ્જાતા વિદ્વાનો તો કહે છે કે બધાં નામોમાં કૃષ્ણનું નામ સર્વોપરિ છે. શ્રીકૃષ્ણ પરબ્રહ્મ શ્રી વિષ્ણુના આઠમા અવતાર ગણાય છે. દેવકીમાતાના આઠમા સંતાન તરીકે યોગ્ય ગણાતી આઠમી તિથિ ખુદ ભગવાન કૃષ્ણે જ પસંદ કરેલી. એ માટે ય શ્રાવણ વદ અષ્ટમી જ નક્કી કરી. કૃષ્ણાવતાર પહેલાં વિષ્ણુના મત્સ્ય અને કૂર્મ વગેરેના સાત અવતાર મનાય છે. કૃષ્ણાવતાર વિષ્ણુનો આઠમો અવતાર ગણાય છે. આમ આઠમનો મહિનો કૃષ્ણજન્મ સાથે જ આરંભાયો. આથી જ પોતાના ગુરુઓ પાસેથી ઉપદેશોને ઞ્જાન મેળવીને લોકો પણ અષ્ટાંગ યોગ અને અષ્ટાંગ નમસ્કાર અપનાવે છે.
એક મહાઆશ્ચર્યકારક યોગ પણ આ આઠમના અંક સાથે જોડાયો છે. શ્રીકૃષ્ણે જરાસંઘના કારાવાસમાંથી ૧૬૧૦૮ સ્ત્રીઓને છોડાવેલી તો એ તમામે પ્રભુને પોતાના સ્વામી તરીકે સ્વીકાર્યા. તેમની મુખ્ય પટરાણીઓ પણ આઠ હતી. જોકે આ સૌ કરતાંય પોતાના હૃદયનાં પટરાણી તો બરસાનાના વૃષભાણનાં દીકરી રાધાજીને ગણ્યાં અને પોતાનાય નામની આગળ રાધાજીના નામને સ્થાપ્યું. ભગવતી રાધાજીનો જન્મ પણ ભાદરવા સુદ આઠમે થયેલો અને એમ પોતાની જન્મતિથિ એ જ રાધાજીની પણ જન્મતિથિનો મહિમા વધાર્યો. રાધાઅષ્ટમીની ઉજવણી રાધાવલ્લભ સંપ્રદાયીઓ અને ભાવિકો કરે જ છે.
શ્રીકૃષ્ણનો એવો સંકલ્પ પણ છે કે તેઓ સાધુજનોના રક્ષણ, દુષ્ટોના વિનાશ અને ધર્મની સ્થાપના માટે દરેક યુગમાં જન્મ લેશે. (સંભવામિ યુગે યુગે). સામાન્ય રીતે સાત સમુદ્ર, સાત વર્ણ, સાત લોક, સાત પર્વત તથા સંગીતશાસ્ત્રમાં સાત સ્વર જાણીતા છે. પ્રાચીન પરંપરા ને માન્યતા એવી રહી છે કે જ્યારે પણ કોઈ પદાર્થ સાત સુધી પહોંચી જાય છે તો તે જે તે પદાર્થની ત્યાં સીમા આવી જાય છે. આ સ્થિતિમાં જ્યારે પણ કોઈ આઠમા ક્રમે હશે તો તેને પરબ્રહ્મ જ માનવામાં આવે છે. આ જ કારણે શ્રીકૃષ્ણે પોતાની જન્મતિથિ આઠમ જ પસંદ કરેલી. પ્રભુના આઠમા (આઠ અંકના) સંકલ્પને ખુદ ભગવાન વેદવ્યાસે પણ ભાગવતમાં આઠમા શ્લોકના રૂપે મૂકીને આઠના અંકને મહત્ત્વ આપ્યું છે.
સર્વલોકશિવંકર કૃષ્ણે પોતાના જન્મ સમયે પિતા વસુદેવને, પોતાનું વાસ્તવિક રૂપ દર્શાવીને મોહિત કરી દીધેલાં.
તમદ્ભુતં બાલકમમ્બુજેક્ષણં
ચતુર્ભુજં શંખગદાયુરર્દાયુધમ્।
શ્રવસ્તલક્ષ્મં ગલશોભિકૌસ્તુભં
પીતાંબરં સાન્દ્રપયો ય સૌમિગમ્।।
શ્રીકૃષ્ણના ગુણોનું પણ જે વર્ણન કરવામાં આવ્યું છે તે પણ નિર્દેશે છે કે આદર્શ, ઉત્તમ પુરુષનાં લક્ષણ આ જ હોઈ શકે. બ્રહ્મર્ષિ વેદવ્યાસે માનવના કુલ ૬૪ ગુણો દર્શાવ્યા છે. આ આંકડો પણ આઠ ગુણ્યાં આઠનું પરિણામ છે. પ્રભુનાં આઠ મુખ્ય પટરાણી તે પણ આ રુકમિણી, જાંબવતી, સત્યભામા, કાલિન્દી, મિત્રવિન્દા, નાગ્નજિલી, ભદ્રા અને લક્ષ્મણા. શ્રીકૃષ્ણના સખાઓ પણ આઠ હતા તે પણ આ આશ્ચર્યોમાંનું એક. ‘ઉજ્જવલ નિલમણિ’ નામના ગ્રંથમાં શ્રીકૃષ્ણે તેમની આઠ પ્રિયાઓ માનેલી, જેમાં રાધાજી અને ચંદ્રાવલી વગેરે આઠ સખીઓ હતી.
શ્રીકૃષ્ણનું નામ એટલું મધુર છે કે અગ્નિકુંડજન્મા, પુષ્ટીમાર્ગીય પ્રભુ વલ્લાભાચાર્યજીએ રચેલું ‘મધુરાષ્ટક’ (એ પણ આઠ શ્લોકનું) વિશ્વની દસ ઉત્તમ કવિતાઓમાં સ્થાન પામેલું છે.
આ બધું જાણ્યા પછી શ્રીકૃષ્ણને સમર્પિત કરવા માટે આપણી પાસે માત્ર પ્રણામ સિવાય કંઈ જ ન હોવું જોઈએ અને એટલે જ પ્રણામ સાથે કહેવાનુંઃ નાથાયૈવ નમઃ પદં ભવતુ નઃ ।


comments powered by Disqus