ભારતમાં ૨૦૧૯ની સામાન્ય લોકસભા ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ એટલે કે લોકસભા અને ૨૯ રાજ્ય વિધાનસભાઓની એક સાથે ચૂંટણી કરાવવાના ખ્યાલે ગતિ પકડી છે. આ ચર્ચા બંધારણીય બનવાના સ્થાને રાજકીય ગરમાહટમાં બદલાઈ છે. નરેન્દ્ર મોદી સરકાર અને શાસક ભાજપ દ્વારા આ મુદ્દો રમતો મૂકવામાં આવ્યો છે, જેનો વિરોધ કોંગ્રેસ સહિતના વિપક્ષ પોતાપોતાના કારણોસર કરી રહ્યા છે. જોકે, ૨૦૧૯માં બંધારણીય, કાયદાકીય અને રાજકીય કારણોસર પણ લોકસભા અને ૧૧ વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવી શક્ય ન હોવાનું મંતવ્ય ચૂંટણી પંચ અને બંધારણીય નિષ્ણાતોએ વ્યક્ત કર્યું છે. જોકે, મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે વર્તમાનમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવી શક્ય ન હોવાનું જણાવી ચર્ચા પર જાણે પૂર્ણવિરામ લગાવી દીધું છે. આમ છતાં, ચર્ચા તો ચાલુ જ રહેશે.
એક રીતે જોઈએ તો ‘વન નેશન વન ઈલેક્શન’ વિચાર નવો નથી. અગાઉ, દેશમાં ૧૯૫૨થી ૧૯૬૭ સુધી ચાર ચૂંટણીઓમાં લોકસભા – વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાઈ હતી તો હવે શું તકલીફ પડે તેવો પ્રશ્ન ઉઠાવાઈ રહ્યો છે. ૧૯૬૭ની ચૂંટણીઓમાં આઠ રાજ્યોની વિધાનસભામાં કોંગ્રેસનો પરાજય થયા પછી સંયુક્ત વિધાયક દળોની સરકારો રચાઈ હતી પરંતુ, સરકારો ન ટકતાં ત્યાં નવી ચૂંટણીઓ યોજવી પડી હતી. આ ઉપરાંત, તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ ૧૯૭૦માં લોકસભાનું અકાળે વિસર્જન કર્યું અને ૧૯૭૧માં મધ્યસત્ર ચૂંટણી યોજી ત્યારથી જ આ સિલસિલો બદલાયો હતો.
લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે શા માટે યોજવી જોઈએ અથવા ન યોજી શકાય તે મુદ્દે અનેક પરિબળોનો વિચાર કરવો પડે તેમ છે. સૌપ્રથમ તો ચૂંટણીઓ જેના થકી યોજાય છે તે ઈલેક્શન કમિશનનું મંતવ્ય પણ વિચારવું પડે. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાવત અનુસાર એક સાથે ચૂંટણી યોજવા સંદર્ભે બંધારણ અને જનપ્રતિનિધિત્વ કાયદામાં સુધારા કરાવવા ઉપરાંત. પૂરતા વોટિંગ મશીન, વધુ સુરક્ષાકર્મીઓ જેવી જરૂરિયાતો રહે જ છે. અત્યારે પણ ચૂંટણી પંચ પાસે પૂરતી સંખ્યામાં ઈવીએમ, VVPAT મશીનો નથી. જો મશીનો પ્રાપ્ત થાય તો લોકસભા અને ૧૧ વિધાનસભા ચૂંટણી એક સાથે યોજી શકાય તેમ પણ પંચે જણાવ્યું છે. દેશની પ્રથમ ચાર ચૂંટણી એક સાથે યોજાઈ હતી ત્યારે રાજ્યોની સંખ્યા પણ ઓછી હતી, જે હવે વધીને ૨૯ રાજ્ય થયા છે. કોંગ્રેસ સહિતના વિપક્ષનો વિરોધ બંધારણીય નહિ પરંતુ, રાજકીય વધુ છે. વાસ્તવિકતા એ પણ છે કે બંને ચૂંટણીઓ સાથે યોજવાથી રાષ્ટ્રીય મુદ્દાઓનું મહત્ત્વ વધી જશે અને પ્રાદેશિક મુદ્દાઓ કે સમસ્યાઓ નેપથ્યમાં ધકેલાઈ જશે.
બંને ચૂંટણીઓ એકસાથે યોજવાના સમર્થકોની દલીલ એવી છે કે આપણા દેશમાં લગભગ દર ત્રણ મહિને ચૂંટણીઓ યોજાવાનો સતત માહોલ રહે છે. આના પરિણામે, દેશના સશસ્ત્ર દળો સહિતના મૂલ્યવાન સ્રોતો તથા માનવકલાકોનો વેડફાટ અને નાણાકીય બોજ પડતો રહે છે. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં ૩૮૭૦ કરોડનો ખર્ચ થયો હતો. રાજ્યોની ચૂંટણીમાં પક્ષો અને ઉમેદવારો દ્વારા કરોડો રુપિયા ખર્ચાય છે તે અલગ છે. અન્ય મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે ચૂંટણી આચારસંહિતા લાગુ પડવાથી નીતિવિષયક પક્ષાઘાતની સ્થિતિ સર્જાય છે.
જો બંને ચૂંટણીઓ સાથે યોજવી હોય તો બધી વિધાનસભાઓની મુદત એક સાથે પૂર્ણ થઈ હોવી જોઈએ. કેટલાક રાજ્યોમાં વહેલી અને કેટલાક રાજ્યોમાં મોડી ચૂંટણી કરાવવી પડે. આ માટે રાષ્ટ્રપતિ શાસનનો આશ્રય કેન્દ્ર સરકાર લઈ શકે છે. પરંતુ તેમાં બંધારણીય મર્યાદાનો પ્રશ્ન ઉભો થાય છે. હાલ અરુણાચલ, સિક્કિમ, તેલંગાણા આંધ્ર અને ઓડિશા વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે જ યોજાવાની છે. થોડાં જ મહિના પછી મહારાષ્ટ્ર, બિહાર અને હરિયાણામાં ચૂંટણી આવશે. આથી, આઠ રાજ્યોમાં તો એક સાથે ચૂંટણી યોજાઈ શકે તેવી સંભાવના છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં વહેલી ચૂંટણી થશે. આ રાજ્યોમાં પણ ચૂંટણી મોડી કરાવી એક સાથે ચૂંટણી યોજી શકાય તેમ છે. ભાજપ ઉપરાંત, જેડી (યુ), સપા, ટીઆરએસ, અન્નાદ્રમુક, બીજેડી અને અકાલી દળ એક સાથે ચૂંટણીની તરફેણમાં છે, જ્યારે કોંગ્રેસ, ડાબેરી પક્ષો, તૃણમૂલ, રાજદ, ટીડીપી, મુસ્લિમ લીગ અને આપ સહિતના પક્ષો વિરોધમાં છે. લો કમિશન ટુંક સમયમાં આખરી રિપોર્ટમાં આ મુદ્દે બંધારણીય સુધારાઓએ સહિતની ભલામણો કરવાનું છે. આ પરિસ્થિતિમાં ખાટલે મોટી ખોડ એ કહેવાય કે બંધારણીય સુધારા પસાર કરવા લોકસભા અને રાજ્યસભામાં બે તૃતીઆંશ બહુમતી આવશ્યક છે, જે વર્તમાન સરકાર પાસે નથી.
