અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપઃ ભારત ચોથી વખત ચેમ્પિયન

Wednesday 07th February 2018 05:40 EST
 
 

માનગનુઈ (ન્યૂ ઝીલેન્ડ)ઃ ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને વિક્રમજનક ચોથી વખત અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે. ‘ધ ગ્રેટ વોલ’ રાહુલ દ્રવિડની સેનાએ ફાઇનલ મુકાબલો ૮ વિકેટે જીતી લીધો હતો. ભારતીય જીતનો હીરો કાલરા હતો. તેણે ૧૦૧ રન અણનમ બનાવ્યા. ભારતે અગાઉ ૨૦૦૦, ૨૦૦૮ અને ૨૦૧૨માં આ ટાઇટલ જીત્યું હતું. ભારતના વિજયમાં કાલરાની સદીનું મહત્ત્વનું પ્રદાન હતું.
વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ બેટિંગ કરતાં ૪૭.૨ ઓવરમાં ૨૧૬ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ૨૧૭ રનના ટાર્ગેટ સામે ભારતે ઓપનર કાલરાની અણનમ સદી અને ભાવનગરના હાર્વિક દેસાઈના અણનમ ૪૭ રનની મદદથી ૩૮.૫ ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. પૃથ્વી શોની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય રહી હતી. ભારતે એકેય મેચ ગુમાવ્યા વિના અંડર-૧૯ વર્લ્ડ કપ જીતી લીધો હતો. સૌથી મહત્ત્વની વાત એ હતી કે, ભારતીય ટીમે પોતાના અંડર-૧૯ વર્લ્ડ કપના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયાને હરાવી કરી હતી અને તેને જ ફાઇનલમાં હરાવી ચેમ્પિયન બની હતી.
ભારતે ૨૧૭ રનનો લક્ષ્યાંક મેળવ્યો હતો, જે વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજો સૌથી મોટો રનચેઝ રેકોર્ડ છે. આ પહેલાં ૨૦૧૨માં ભારતે ઓસી. સામેની ફાઇનલમાં ૨૨૬ રનનો લક્ષ્યાંક મેળવ્યો હતો.

સૌથી મોટો વિજય

આ અંડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં કોઈ પણ ટીમનો આ સૌથી મોટો વિજય છે. વિકેટના હિસાબે સૌથી મોટી જીતનો રેકોર્ડ ઇંગ્લેન્ડ (૧૯૯૮) અને ઓસ્ટ્રેલિયા (૨૦૦૨)ના નામે હતો. બન્ને ટીમોએ ફાઇનલમાં ૭-૭ વિકેટ જીત મેળવી હતી.

વિરોધી ઓલ આઉટ

ભારતીય ટીમે આ ટુર્નામેન્ટમાં છ મેચ રમી હતી અને દરેક વખતે હરીફ ટીમને ઓલઆઉટ કરી હતી. આવું કરનારી એક માત્ર ટીમ ભારતની છે. ભારતની આ ટુર્નામેન્ટમાં માત્ર ૨૯ વિકેટ પડી હતી.

એકતરફી વિજય

ભારતે આ ટુર્નામેન્ટમાં તમામ ૬ મેચ એકતરફી જીતી હતી. જેમાંથી ૩ મેચ તો ૧૦૦ કે તેથી વધુ રનથી જીત્યા. બે મેચ ૧૦-૧૦ વિકેટ અને ફાઇનલ મેચ ૮ વિકેટે જીતી. પાકિસ્તાનને તો સેમિ-ફાઇનલમાં ૨૦૩ રને પરાજય આપ્યો.

પૃથ્વી શોએ રેકોર્ડ તોડયો

ભારતીય ટીમના કેપ્ટન પૃથ્વી શોએ આ વર્લ્ડ કપમાં ૬૫.૨૫ની એવરેજથી છ મેચમાં ૨૬૧ રન બનાવવાની સાથે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડયો હતો. કોહલીએ ૨૦૦૮માં અંડર-૧૯ ટીમના કેપ્ટન તરીકે ૨૩૫ રન બનાવ્યા હતા જ્યારે ૨૦૧૨માં ઉન્મુક્ત ચંદે કેપ્ટન તરીકે ૨૪૬ રન ફટકાર્યા હતા. પૃથ્વી શોએ આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની લીગ મેચમાં સર્વાધિક ૯૪ રન બનાવ્યા હતા.

હાર્વિક દેસાઈનો વિજયી ચોક્કો

આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ છેક સુધી અજેય રહી હતી. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના ૨૧૬ રનના સ્કોર સામે ભારતનો વિજય આસાન જણાતો હતો, પરંતુ સમગ્ર ટુર્નામેન્ટમાં ઉમદા દેખાવ કરનારો મનજોત કાલરા સદીની નજીક હતો ત્યારે સામે છેડેથી વિકેટ પડે નહીં તેની સાવચેતી રાખવાની જવાબદારી ભાવનગરના હાર્વિકના માથે હતી. સ્મિત પટેલની માફક હાર્વિક પણ વિકેટકીપર છે અને તેણે આ જવાબદારી સારી રીતે અદા કરી હતી. વિલ સધરલેન્ડે ૩૯મી ઓવર ફેંકી જેના પાંચમા બોલે હાર્વિકે પોઇન્ટ તરફ આકર્ષક બાઉન્ડ્રી ફટકારીને ટીમનો સ્કોર ૨૨૦ સુધી પહોંચાડી દીધો. આ સાથે ભારતે ચોથી વખત આઇસીસી અંડર-૧૯ વર્લ્ડ કપ જીતી લીધો.

દ્રવિડની નમ્રતા

લિજન્ડ ક્રિકેટર દ્રવિડ તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન નમ્ર અને લો પ્રોફાઇલ જ રહ્યો છે, અને તેના માર્ગદર્શનમાં અંડર-૧૯ ટીમે વર્લ્ડ કપ જીત્યો પછી પણ તેનો અભિગમ સહેજેય બદલાયો નથી. દ્રવિડે તેને મળતા અભિનંદનનો ઉત્તર આપતા પોતે જશ ખાટી જવાની જગાએ એમ કહ્યું છે કે હું એકલો જ અભિનંદનનો અધિકારી નથી પૂરી સ્ટાફ ટીમ આ માટેની હકદાર છે. તેણે વિશેષ કરીને ફિલ્ડીંગ કોચ અભય શર્મા અને બોલિંગ કોચ પારસ મહામ્બ્રેના યોગદાનને બિરદાવ્યું હતું. તેણે કહ્યું કે સપોર્ટિંગ સ્ટાફમાં આઠ-દસ વ્યક્તિનો સમાવેશ થતો હોય છે.
યુવા ક્રિકેટરોનો ઉત્સાહ વધારવા ન્યુઝીલેન્ડમાં વસતાં ભારતીયો તેમના પરિવાર સાથે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગો લહેરાવતા જોવા મળતા હતા.


comments powered by Disqus