આંબા ડાળે ટહુકતી કોયલની જેમ ફેબ્રુઆરીમાં પ્રેમની ઋતુનું આગમન ધીરે પગલે વસંતના વધામણાનો અંદેશો આપે છે.
૧૪ ફેબ્રુઆરીનો દિવસ એટલે પ્રેમીઓમાં સૂતેલ પ્રેમ આળસ મરડીને ઉભો થવાનો અવસર. પ્રેમનો અનુભવ અદ્ભૂત હોય છે.
રોમાંચિત કરી દે એવા પ્રેમમાં પાગલપણ અને શાણપણ બે ય છે. એ દૂઆ પણ અને દવા પણ. એ પીડા પણ અને મલમ પણ. બે ચરમ બિંદુઓને એકસાથે અનુભવવાનો અહેસાસ એટલે પ્રેમ. ૧૪ ફેબ્રુઆરી આવતા જ ઉંડા ઉતરી ગયેલ પ્રેમના કૂવામાં ફરીથી પાણી ભરાવા લાગે છે. પ્રેમના આ ઉત્સવે બધા પ્રેમીઓ પ્રેમના મેદાનમાં ઉતરી પોતપોતાના દાવ અજમાવવા આતુર બને છે. હાથમાં લાલ ગુલાબ લઇ અડધા ઘૂંટણે બેસી ‘આઇ લવ યુ’ જેવા ઉદ્ગારો ઉચ્ચારી પોતાના પ્રેમને વાચા આપે છે. યુવાનો તો પ્રેમમાં તણાય છે પણ વૃધ્ધો ય પાછળ નથી! મોંમાંથી સરતા આ શબ્દો ગઝલ જેવા લાગે છે. એનો રણકાર ઝાંઝર જેવો કર્ણપ્રિય લાગે છે.
પ્રેમનો આ પ્રતાપ છે, પ્રભાવ છે. પ્રેમ એ અનુભૂતિ છે. એ જીવનની સંજીવની છે. પ્રેમ એ સ્વભાવગત લક્ષણ છે. જેમ લોહચૂંબક લોઢાને આકર્ષી લે છે એવું પ્રેમની લાગણીઓનું છે. લાગણીશીલ વ્યક્તિને પ્રેમ સ્પર્શે છે. પ્રેમપ્રકરણની શરૂઆત આંખોથી થાય છે અને છેલ્લા શ્વાસ સુધી એ ચાલે છે. પ્રેમ એ જીવનની દોરી છે. એટલે જ ભાગ્યે જ કોઇ એવી વ્યક્તિ મળશે કે જે પ્રેમના રંગે રંગાઇ ન હોય! પ્રેમનું સ્વરૂપ સર્વવ્યાપી છે. અનાદિકાળથી પ્રેમ ચાલ્યો આવે છે. પ્રાચીન સમયથી પ્રેમના મૂળિયાં જોવા મળતા હોય છે, કવિ કાલીદાસની ‘અભિજ્ઞાન શાંકુતલ’ કૃતિમાં રાજા દુષ્યંત અને ઋષિકન્યા શકુંતલા વચ્ચેના રોમાન્ટિક પ્રેમની કથા છે. જે મેળવવા શકુંતલાએ વર્ષો સુધી પ્રતિક્ષા કરી હતી. પ્રેમ સર્વવ્યાપી- સર્વકાલીન સનાતન હોવાથી એનો સદાય વિજય થતો આવ્યો છે. અને એટલે જ એને ‘લવ ફોર એવર’ કહેવાયું છે.
તમે ક્યારેય કોઇને પ્રેમ કર્યો છે? થોડીક ક્ષણો માટે આંખો બંધ કરી તમારા જીવનની એ પળને યાદ કરો જ્યારે તમે તમારી પ્રિય વ્યક્તિને અથવા તમારી પ્રિય વ્યક્તિએ તમને પહેલી વખત ‘આઇ લવ યુ’ કહ્યું હતું. કેવી હતી એ પળ? હ્દયના ધબકારાનો આંકડો ક્યાં જઇ પહોંચ્યો હતો? તમારા ચહેરાના ભાવ અને આંગળાના ટેરવાં શું સૂચવતા હતા? પહેલા સ્પર્શનો રોમાંચ મોસમના પહેલા વરસાદ જેવો હતો કે નહિ? જાણે કે દુનિયાભરનું સુખ તમારી ઝોળીમાં આવી ગયું હોય એવો અહેસાસ થયો હતો કે નહિ? ચાર આંખોમાં સઘળું વિશ્વ સમાઇ ગયું હોય એવી લાગણી થઇ હતી કે નહિ? એકબીજામાં ઓગળી જવાની એ પળ આજે ય રોમાંચક લાગે છે કે નહિ! પ્રેમના સ્વીકાર સાથે સર્વસ્વ મળી ગયાનો
ભાવ સંતોષની ચરમસિમાએ લઇ જાય છે.
પ્રેમનું મહત્વ માત્ર માનવજાત પૂરતું મર્યાદિત નથી, પશુ, પંખી, પ્રાણી સહિત સમગ્ર સજીવ સૃષ્ટિમાં એ વ્યાપ્ત છે. એક વ્યક્તિનો પ્રેમ માત્ર પ્રેમિકા કે પત્ની માટે જ નહિ, પોતાના મા-બાપ, ભાઇભાંડુ, સંતાનો, ધન-દોલત, દેશ, ધર્મ, જાતિ, પ્રકૃતિ માટે પણ મહત્વ ધરાવે છે. અઢી અક્ષરના આ શબ્દને કોઇ સિમામાં બાંધી શકાતો નથી!
વ્યક્તિ જેના પ્રેમમાં હોય છે એનું સાન્નિધ્ય ઝંખતી હોય છે. પ્રેમમાં સમર્પણની ભાવના તીવ્ર હોય છે. પ્રેમ દિવાની મીરા હોય કે કૃષ્ણ દિવાની રાધા, એને પોતાના પ્રિય પાત્ર સિવાય કશું દેખાતું જ નથી. ‘મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઇ...’ અને ‘રાધાને માલા જપી શ્યામકી, મૈંને ઓઢી ચૂનરિયાં તેરે નામકી...’ જેવું છે.
વર્ષો પહેલાના અને આજના પ્રેમની પરિભાષામાં પરિવર્તન જરૂર આવ્યું છે. પહેલા પ્રેમ વિશે મનાતું કે, ‘પ્રેમ એટલે બે આત્માઓનું મિલન’. હવે તો પ્રેમ મોબાઇલ, મેસેજ અને ચેટ, ફેસબુકમાં જોવા મળે છે. એ ક્યારે ડીલીટ થઇ જાય કહેવાય નહિ!! આજની સ્માર્ટ અને મોડર્ન પેઢીનો પ્રેમ વાસનાની ખાઇમાં ફસાઇ ગયો હોય એવું ક્યારેક ભાસે છે. વાવાઝોડાની માફક પ્રેમ ક્યારે થઇ જાય અને ક્યારે ઝંઝાવાતમાં એ વિલાઇ જાય એ કહેવાય નહિ!! યુવાનીને પાંખ આવતા જ મગજમાં પ્રેમ-પ્રેમ થઇ જાય છે પરંતુ એની સંપૂર્ણ સમજ હોતી નથી. ફિલ્મી પડદા પર પ્રેમના ગીતો જોઇ પ્રેમમાં પડવાની મજા આવે છે પણ એ ટેમ્પરરી હોય છે. બહારથી ગુલાબી દેખાતું પિક્ચર વાસ્તવિક જગતમાં એની સુંદરતા ખોઇ બેસે છે.
પ્રેમ એ માત્ર લાલ ગુલાબની આપ-લે નથી પરંતુ એની મહત્તા સમજવાની છે. પ્રેમ પવિત્ર છે. પ્રેમ પૂજા છે. પ્રેમ સત્ય છે. પ્રેમ સાધના છે. એમાં અધિકાર અને અપેક્ષાને અવકાશ ન હોય. જ્યારે અપેક્ષા જન્મે છે ત્યારે પ્રેમનું સ્થાન મોહ લઇ લે છે. મોહ સ્વાર્થી છે જ્યારે પ્રેમ નિ:સ્વાર્થી છે. પ્રેમ ગીત પણ અને સંગીત પણ. પ્રેમ એ ઇશ્વરીય દેન છે. માના પ્રેમથી શરૂ થયેલ પ્રેમની યાત્રા અવિરત છે. પ્રેમ એક જરૂરિયાત છે જેના વિના માનવીનું જીવન સંભવિત નથી. પ્રેમ એ પ્રેમ છે. એ એક અનુભૂતિ છે. સાચા અર્થમાં પ્રેમની વ્યાખ્યા સમજાય તો વ્યક્તિના જીવનમાં દુ:ખ દૂર ધકેલાય અને સુખના વાવેતર થાય. પછી જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં ત્યાં પ્રેમ અને પ્રેમ જ દેખાય. દૃષ્ટિમાં પ્રેમ, સૃષ્ટિમાં પ્રેમ. વૃષ્ટિ પ્રેમની.
આજના આ પ્રેમપર્વે પ્રેમને સમજવા ચિંતન કરીએ. સૌને સૌનો પ્રેમ મુબારક. પ્રેમ અમર રહો.
‘પ્યાર કો પ્યાર હી રહને દો, ઉસે કોઇ નામ ન દો.

