ઈમરજન્સી વિનાના ઓપરેશન પર NHS દ્વારા પ્રતિબંધથી શિયાળામાં રાહત

Wednesday 07th February 2018 06:46 EST
 
 

લંડનઃ શિયાળામાં વધુ કામના ભારણને ઘટાડવા માટે ઈમરજન્સી ન હોય તેવા ઓપરેશન પર મૂકાયેલો પ્રતિબંધ આ મહિને ઉઠાવી લેવાશે તેમ NHS ઈંગ્લેન્ડ દ્વારા જણાવાયું હતું. શિયાળા દરમિયાન હોસ્પિટલમાં વધુ બેડ ખાલી રાખવાના અને સ્ટાફને દબાણમુક્ત રાખવાના પ્રયાસમાં NHS દ્વારા પ્રતિબંધનું પગલું લેવાયું હતું. જોકે, NHS ૩૧ જાન્યુઆરી પછી ભલામણને રિન્યુ કરશે નહીં.

નેશનલ ઈમરજન્સી પ્રેશર્સ પેનલ (NEPP)ની બેઠકમાં જણાવાયું હતું કે ડિસેમ્બરની સરખામણીમાં જાન્યુઆરીમાં NHS પર દબાણ ઓછું રહ્યું હતું. જેથી હોસ્પિટલો ફેબ્રુઆરીની શરૂઆતથી પૂર્ણ વૈકલ્પિક કેર પ્રોગ્રામની શરૂઆત માટે આયોજન કરી શકશે.

NHS ક્લિનિકલ કમિશનીંગ ગ્રૂપ્સ એન્ડ પ્રોવાઈડર ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુ઼ટિવ્સને પાઠવાયેલા પત્રમાં જણાવાયું હતું કે નવેમ્બર બજેટમાં ફાળવવામાં આવેલા વધારાના ભંડોળની સમાંતરે બેડ કેપેસિટીમાં વધારો થઈ રહ્યો છે. પ્રાથમિક સંકેતો મુજબ ફ્લૂની સ્થિતિ પણ થાળે પડી રહી છે. જોકે, માગ વધારે જ છે અને હજુ પડકારો આવશે.

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે જાન્યુઆરીની શરૂઆતમાં જણાવ્યું હતું કે ઈન્ટેન્સિવ કેરમાં દાખલ કરાયેલા ફ્લૂના દર્દીઓની સંખ્યામાં ૬૫ ટકા વધારો નોંધાયો હતો. A&E ડિપાર્ટમેન્ટસમાં રેકર્ડ ખૂબ ઓછા વેઈટિંગ ટાઈમમાં દર્દીઓની તપાસ વચ્ચે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ૫,૦૦૦થી વધુ દર્દીઓને એક કલાક કરતા વધુ રાહ જોવાની ફરજ પડાઈ હતી.


    comments powered by Disqus