‘હરે રામ હરે કૃષ્ણ’, ‘ડોન’, ‘યાદોં કી બારાત’, ‘સત્યમ શિવમ સુંદરમ’ અને ‘કુરબાની’ જેવી સુપરહિટ ફિલ્મોમાં અભિનય આપનારી સિત્તેરના દાયકાની અભિનેત્રી ઝીનત અમાને એક વેપારી સામે તેનો પીછો કરવાનો અને જાતીય સતામણી કરવાનો આરોપ મૂક્યો છે. મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં ઝીનતે વેપારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ૬૬ વર્ષીય અભિનેત્રીએ કરેલી ફરિયાદ પછી પોલીસે વેપારી સામે તપાસ હાથ ધરી છે. મુંબઈનો વેપારી નાસતો ફરતા હોવાના સમાચાર છે. વેપારી સામે આઇપીસીની કલમ ૩૦૪ડી (પીછો કરવો) અને ૫૦૯ (મહિલાના વિનયભંગ)ની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. દરમિયાન જાણવા મળ્યું છે કે ઝીનત અમાન અને આ વેપારી એકબીજાને અગાઉથી ઓળખાતા હતા. થોડા સમયથી ઝીનત અને વેપારી વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી હતી. જેના લીધે ઝીનતે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જોકે, તેમ છતાં તે વેપારી ઝીનતને કથિત રીતે ફોન કરતો હતો અને તેનો પીછો કરતો હતો. તેનાથી તંગ આવીને અભિનેત્રીએ ફરિયાદ નોંધાવી હતી. ઝીનત ૭૦ના દાયકાની સૌથી લોકપ્રિય અભિનેત્રીમાં સ્થાન ધરાવે છે.

