ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ

Wednesday 07th February 2018 07:00 EST
 

લંડનઃ મહાત્મા ગાંધીના નિર્વાણ દિન ૩૦ જાન્યુઆરીએ લોકો ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે પૂ. બાપૂની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી શકે તે માટે ભારતીય હાઈ કમિશને ઈન્ડિયા લીગના સહયોગથી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઈન્ડિયા લીગના ચેરમેન અને ‘ગુજરાત સમાચાર’ તથા ‘એશિયન વોઈસ’ના પ્રકાશક-તંત્રી સી બી પટેલે સો પ્રથમ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આ વર્ષ મહાત્મા ગાંધીની પ્રતિમાના અનાવરણનું સુવર્ણ જયંતિ વર્ષ છે. લંડનમાં ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે ગાંધીજીની પ્રતિમાની સ્થાપનામાં ઈન્ડિયન લીગની ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ પ્રતિમાનું શિલ્પકામ ફ્રેડા બ્રિલિયન્ટે કર્યું હતું અને પ્રતિમા માટે ભંડોળ એકત્ર કરનાર ઈન્ડિયા લીગની મદદ અને માર્ગદર્શન સાથે મહાત્મા ગાંધી મેમોરિયલ કમિટીએ તેની સ્થાપના કરી હતી.

રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ ૧૭મી મે ૧૯૬૮ના રોજ વડા પ્રધાન હેરોલ્ડ વિલ્સન MPએ કર્યું હતું. સ્વતંત્ર ભારતના પ્રથમ હાઈ કમિશનર વી કે કૃષ્ણમેનન પણ બ્લૂમ્સબરીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મેયર તેમજ કેમડન કાઉન્સિલના મહાનુભાવો તેમજ બ્રિટિશ રાજકારણના અન્ય અગ્રણીઓ આ ઐતિહાસિક ઘટના વખતે હાજર રહ્યા હતા.

ઈન્ડિયા લીગ સાથે ૧૯૨૦થી સંકળાયેલા વી કે કૃષ્ણમેનન આ પ્રોજેક્ટના મુખ્ય આધાર હતા. તેઓ ૧૯૩૪થી ૧૯૫૨ સુધી સેન્ટ પેન્ક્રાસ બરોના કાઉન્સિલર પણ હતા. સામાજિક અને રાજકીય વિચારક હેરોલ્ડ લેસ્કી અને ફિલોસોફર તથા નોબેલ વિજેતા બર્ટ્રાન્ડ રસેલ સહિત ઘણાં બ્રિટિશ મહાનુભાવોનું પણ ઈન્ડિયા લીગને સમર્થન હતું.

લંડન બરો ઓફ કેમડને ગાંધીજીની પ્રતિમા માટે સેન્ટ્રલ લંડનમાં ખૂબ મોકાની જગ્યા આપી હતી. તેની આજે પણ ઈન્ડિયા હાઉસ દ્વારા વ્યવસ્થિત જાળવણી થઈ રહી છે. યુકે ખાતેના ભારતીય હાઈ કમિશનના સ્ટાફ દ્વારા ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે ગાંધીજીની પ્રતિમાની જન્મજયંતી (૨જી ઓક્ટોબર) અને તેમના નિર્વાણ દિન(૩૦મી જાન્યુઆરી)ની જાળવણી કરવામાં આવે છે. પ્રતિમાની જાળવણી ઉપરાંત ઈન્ડિયા લીગના સહયોગથી ઈન્ડિયા હાઉસ દ્વારા ગાંધી જયંતી અને ગાંધી નિર્વાણ દિને પ્રાર્થનાસભાનું આયોજન કરાય છે. ૧૯૬૮થી આ બન્ને પ્રસંગે ભારતીય હાઈ કમિશનર હાજરી આપે છે.

ટેવિસ્ટોત સ્ક્વેર ખાતે સી બી પટેલે જણાવ્યું હતું કે ગયા વર્ષે નજીકમાં આવેલી SOAS (સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ) ના એક શિક્ષકે તેમને કહ્યું હતું કે વિદ્યાર્થીઓ, સ્કોલરો અને NGOના સભ્યો ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા વિશે પૂછતા હોય છે. આ મહાન વ્યક્તિએ લાખો માણસોને પ્રેરણા પૂરી પાડી હશે.

યુકે ખાતેના ભારતના હાઈ કમિશનર વાય કે સિંહાએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની ૭૦મી પુણ્યતિથિએ આપણે તેમના શાંતિ અને અહિંસાના શાશ્વત સંદેશને યાદ કરવો જોઈએ. તેમના ઉપદેશો અને આદર્શો આજના સમયમાં પણ પ્રસ્તુત છે અને તેમના સંદેશને આપણા જીવનમાં ઉતારવો તે જ તેમને શ્રેષ્ઠ અંજલિ ગણાશે. આ પ્રસંગે મેયર ઓફ કેમડન કાઉન્સિલર રિચાર્ડ કોટન, ભારતીય વિદ્યાભવનના સભ્યો, લંડન પીસ પેગોડાના જી નગાસે અને મિલ્ટન કેઈન્સ પીસ પેગોડાના વાય મારૂતા પણ ઉપસ્થિત રહ્યા હતા.

(વધુ માહિતી માટે વાંચો એશિયન વોઈસ અંક તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૧૮ )


    comments powered by Disqus