લંડનઃ નવનાત વડીલ મંડળ દ્વારા દેશભક્તિના ગીતો, નૃત્ય અને નાટક દ્વારા ભારતના ૬૯મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. રવિવારને તા. ૨૮ જાન્યુઆરીએ બપોરે યોજાયેલા કાર્યક્રમની શરૂઆતમાં રંજનબહેન જાની અને તેમની ટીમે હાથમાં સળગતી મીણબત્તીઓ સાથે સંસ્કૃતમાં ભારતમાતાની શાસ્ત્રીય વંદના રજૂ કરી હતી. ત્યારબાદ ધર્મના નામે લડાઈ ઝઘડા બંધ કરવા અને શાંતિ, પ્રેમ અને ભાઈચારો ફેલાવવાના દરેકને સ્પષ્ટ સંદેશ સાથે સુંદર નાટક ભજવાયું હતું. નલિનીબહેન મહેતાએ ગાંધીજીનું, કલ્પનાબહેન ભટ્ટે ભારતમાતાનું અને ઈન્દિરાબહેન કામદાર, જયશ્રીબહેન રાવલ, સોનિયાબહેન મહેતા, અને ભદ્રેશ શેઠે વિવિધ ધર્મોના ભક્તોના પાત્ર ભજવ્યા હતા. નાટકનો સંદેશ વિવિધતામાં એકતાનો હતો. ત્યારબાદ, નૃત્ય સાથે રજૂ કરાયેલા ‘વંદે માતરમ’ ગીતનું કલ્પનાબહેન ભટ્ટે નેતૃત્વ કર્યું હતું. કાર્યક્રમનું સમાપન સૌ સભ્યો દ્વારા ભારતના રાષ્ટ્રગીતના ગાન સાથે થયું હતું. ભદ્રાબહેન શેઠે કાર્યક્રમનું સુંદર સંકલન કર્યું હતું. સૌએ કાર્યક્રમનો ખૂબ આનંદ માણ્યો હતો.

