લંડનઃ બર્મિંગહામના હેન્ડ્સવર્થના ૫૮ વર્ષીય મોહિન્દર સુરધારને યુકેમાં ક્રિમિનલ ગેંગ્સને પ્રતિબંધિત શસ્ત્રો અને દારૂગોળો પૂરા પાડવાના ગુનાસર બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ૧૪ વર્ષની જેલની સજા ફરમાવી હતી. ગ્લોસ્ટરશાયરના હાર્ડવિકના પોતાના મકાનમાં મીની આર્મ્સ ફેક્ટરી બનાવનારા કુખ્યાત આર્મ્સ ડિલર ૬૬ વર્ષીય પોલ એડમન્ડ્સ માટે સુરધાર વચેટિયા તરીકે કામ કરીને તેને શસ્ત્રો પૂરા પાડતો હતો. એડમન્ડ્સ તે શસ્ત્રો વેસ્ટ મીડલેન્ડ્સના ગેંગ્સ્ટર્સને વેચતો હતો. શસ્ત્રો પૂરા પાડવાના આ નેટવર્કમાં ભૂમિકા બદલ એડમન્ડ્સને ગયા ડિસેમ્બરમાં ૩૦ વર્ષની કેદ થઈ હતી.
સુરધાર ફાયરઆર્મ્સના કાયદેસરના સર્ટિફિકેટના ઉપયોગથી શસ્ત્રો મેળવીને એક શસ્ત્ર ૩,૦૦૦ પાઉન્ડની કિંમતે વેચતો હતો. કરાટે એક્સપર્ટ અને પીએચડીનો અભ્યાસ કરનારા સુરધારની ગણતરી સુશિક્ષિત અને આદરણીય વ્યક્તિ તરીકે થતી હતી.
પોલીસ અધિકારીઓએ એડમન્ડ્સના મકાન પર દરોડો પાડતા ત્યાંથી ૧૦૦,૦૦૦ કારતૂસ મળી આવ્યા હતા. સુરધાર વોટ્સએપ પર શસ્ત્રોનું વેચાણ કરવા ગન માટે ‘વોચ’ અને બુલેટ માટે ‘બેટરી’ જેવા કોડ વાપરતો હતો.એડમન્ડ્સને ત્યાંથી મળી આવેલા શસ્ત્રો પૈકી કેટલાંકનો ઉપયોગ બર્મિંગહામમાં ૨૦૧૫માં ડેરેક જુનિયર માયર્સ અને ૨૦૧૬માં કેનીચી ફિલિપ્સીની હત્યામાં થયો હતો.
સુરધાર બર્મિંગહામની કુખ્યાત ગેંગ ‘બર્ગર બાર બોયઝ’ને હથિયારો આપતા ૩૨ વર્ષીય સુન્દિશ નઝરાનને શસ્ત્રો પૂરા પાડતો હતો. નઝરાનને ૨૦૧૫માં ૧૩ વર્ષની જેલ થઈ હતી. પરંતુ, ૨૦૧૬માં તે વધારીને ૧૭ વર્ષ અને ત્રણ મહિના કરાઈ હતી જ્યારે ૪૧ વર્ષીય ગેંગલીડર નોસાખેર સ્ટીફન્સનને ૨૨ વર્ષની જેલ થઈ હતી. પોલીસે એડમન્ડ્સ અને સુરધારને અમેરિકાની ડ્રગ ક્રાઈમ ટીવી સિરિઝ ‘બ્રેકિંગ બેડ ઓફ ધ ગન વર્લ્ડ’ના આરોન પોલ અને બ્રાયન ક્રેન્સ્ટન જેવા ગણાવ્યા હતા.

