લંડનઃ End Child Poverty સંસ્થાએ રજૂ કરેલા આંકડા મુજબ યુકેમાં બાળગરીબીની સમસ્યા વધી રહી છે. યુકેમાં દસમાંથી એક ગરીબ બાળકને બદલે હવે કેટલાંક મતવિસ્તારોમાં અડધાથી વધુ બાળકો ગરીબીમાં ઉછરી રહ્યા છે. અગાઉ જે વિસ્તારોમાં બાળગરીબીનો દર ખૂબ ઓછો હતો ત્યાં પણ આ દર વધી ગયો છે. બ્રેન્ટ અને હેરોના લંડન એસેમ્બલી મેમ્બર નવિન શાહ AMએ જણાવ્યું હતું, ‘લંડનમાં લગભગ ત્રીજા ભાગના બાળકો ગરીબીમાં ઉછરી રહ્યા છે તે ખરેખર ખૂબ દુઃખદ અને નિરાશાજનક બાબત છે. સરકારે બાળ ગરીબી દૂર કરવા વધુ પગલા લેવા જોઈએ.’
તેમણે ઉમેર્યું હતું કે લંડનમાં રહેવામાં વધતા ખર્ચને ઘટાડવા માટે બાળકોને મળતા લાભો ૨૦૨૦ સુધી અટકાવી રાખવાની સરકારની નીતિનો અંત લાવવા End Child Poverty એ કરેલા અનુરોધને મારું સમર્થન છે. ભાડા વધતા ભાડાના ખાનગી મકાનોમાં રહેતા પરિવારોનું બજેટ વધી જાય છે. બાળકોને ગરીબીમાંથી ઉગારવા માટેનો એક સીધો ઉપાય વધુ કાઉન્સિલ હાઉસિંગ બાંધવાની જરૂર છે. બાળ ગરીબી સર્જતી અસમાનતાઓનો અંત લાવવા માટે સરકારે હવે પગલાં લેવા જ જોઈએ. સરકાર પરિવારોને પોષાય તેવા ભાડા સાથેના કાઉન્સિલ હોમ્સ આપશે તો તે ખૂબ સારી શરૂઆત ગણાશે.’
સંસ્થાએ ડિસેમ્બર ૨૦૧૫માં રજૂ કરેલા આંકડાની સરખામણીમાં આ વખતે યુકેના કેટલાક સૌથી વધુ પછાત વિસ્તારોમાં બાળગરીબીમાં સૌથી મોટો વધારો નોંધાયો છે. ખાસ કરીને લંડન, બર્મિંગહામ અને માન્ચેસ્ટર સહિત મોટા શહેરોમાં બાળ ગરીબી સૌથી વધુ છે. બાળ ગરીબીનું પ્રમાણ સૌથી વધુ છે તેવા ૨૦ સંસદીય મતવિસ્તારોમાંથી સાત લંડનના અને ત્રણ-ત્રણ બર્મિંગહામ અને માન્ચેસ્ટરના છે.

