લંડનઃ બીબીસી વનની McMafiaસિરિઝ જેના જીવન પર આધારિત છે તે ભારતના અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની લંડન અને સાઉથ ઈસ્ટ ઇંગ્લેન્ડમાં અનેક મિલકતો હોવાનું એક અહેવાલમાં જણાયું હતું. ૬૨ વર્ષીય દાઉદ વિશ્વનો સૌથી ધનવાન અને મોસ્ટ વોન્ટેડ ગેગસ્ટર છે. આ સિરિઝમાં મહત્ત્વાકાંક્ષી ગેંગસ્ટર ડિલી મેહમુદનું પાત્ર દાઉદ પર આધારિત છે. મિશા ગ્લેનીએ McMafia પુસ્તક લખેલું છે જેના પરથી આ સિરિઝ બની છે. ગ્લેની તેની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર પણ હતી.
દાઉદે મેચ ફિક્સીંગ, ખંડણી અને વિશ્વમાં હેરોઈનની હેરફેર સહિતની પ્રવૃત્તિઓ માટે સિન્ડીકેટ બનાવી હતી. તે ૧૯૯૩ના મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોનો માસ્ટરમાઈન્ડ પણ છે. યુકે તેમજ ભારત ઉપરાંત યુએઈ, સ્પેન, મોરોક્કો, તુર્કી, સાયપ્રસ અને ઓસ્ટ્રેલિયામાં પણ દાઉદની મિલકતો સાથે તેની પાસે કુલ ૬.૭ બિલિયન ડોલરની સંપત્તિ હોવાનું મનાય છે. જો કે બૂકની લેખિકા મિશા ગ્લેનીએ કહ્યું હતું કે હજુ આ અંગે વધુ માહિતી મળી નથી કેમકે સરકાર હાલ આ મામલે મૂળ સુધી જવા માગે છે અને તપાસ ચાલુ છે.
દાઉદે એસેક્સ અને કેન્ટ જેવી ઈંગ્લિશ કાઉન્ટીમાં અનેક મિલકતો વસાવી છે. ‘મેક્ માફિયા’ પુસ્તકમાં તેવો ઉલ્લેખ છે. તે મુજબ યુકેમાં દાઉદ ઈબ્રાહિમ હોટેલ્સ, મેન્શન્સ, ટાવર બ્લોક્સ અને અનેક મકાનો ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. દાઉદની આવી સંપત્તિઓની ખરીદીની કામગીરી તેના જમણા હાથ ગણાતા મુહમ્મદ ઈકબાલ ‘મિરચી’ મેમણ દ્વારા કરાઈ હોવાનું અહેવાલમાં જણાવાયું હતું.

