લંડનઃ સ્કોટલેન્ડના એલ્જિન ખાતેની ડો. ગ્રે હોસ્પિટલમાં ફરજ બજાવતા ૪૮ વર્ષીય ઓર્થોપેડિક સર્જન ડો. મિલિન્દ મહેતાએ જુનિયર મહિલા ડોક્ટર સાથે જાતીય ગેરવર્તણુક આચરી હતી. જોકે, તે અન્ય ડોક્ટરોને સાથી કર્મચારીઓને હેરાન કરતા અટકાવતા હોવાનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કરીને સજા ટાળી શક્યા હતા.
ડો. મહેતાએ મહિલા જુનિયર ડોક્ટરને છાતી સરસી ચાંપી, ગળું તથા ખભા પર ચુંબન કરવા તેની મેડિકલ સ્લાઈડ્સ જોવાના બહાને બોલાવી હતી. જુનિયર મહિલા ડોક્ટરની ડોક્ટર ડી તરીકે ઓળખ અપાઈ હતી. આ ઘટનાથી ક્ષોભ પામેલી ડો. ડીએ સિનિયર સાથી કર્મચારીઓને ફરિયાદ કરી હતી. આ ઘટના ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ બની હતી. તપાસ દરમિયાન એક દર્દીની માતા અને NHSની મહિલા મેનેજરે ડો. મહેતાએ અયોગ્ય વર્તન કર્યું હોવાનો દાવો કર્યો હતો.
માન્ચેસ્ટર ખાતે મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસની સુનાવણી થઈ હતી. તેમાં ડો. ડીની જાતીય સતામણી કરવા બદલ ડો. મહેતા દોષી જણાયા હતા. જોકે, ડો. મહેતાએ રજૂ કરેલા એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં તેમણે સાથી કર્મચારીઓને પરેશાન ન કરવા ૭૫ ડોક્ટરોને સમજાવ્યા હોવાનું જાણ્યા પછી ટ્રિબ્યુનલે તેમના પર કોઈ પ્રતિબંધ મૂક્યો ન હતો. પ્રેઝન્ટેશનમાં તેમણે પોતાનો કિસ્સો કેસ સ્ટડી તરીકે રજૂ કર્યો હતો અને પોતાની ભૂલોમાંથી બોધપાઠ લેવા સાથી ડોક્ટરોને અનુરોધ કર્યો હતો.

