કચ્છની મિત્તલ ઠક્કર ‘મિસ ઇન્ડિયા દિવ્યાંગ’

Wednesday 07th March 2018 05:49 EST
 
 

કચ્છના ગાંધીધામમાં મીઠાઈની દુકાન ધરાવતા પિતા અને ગૃહિણી માતાની મૂક-બધિર પુત્રી મિત્તલ ઠક્કર ‘મિસ ઇન્ડિયા દિવ્યાંગ’ બની છે. મિત્તલના પિતા અભિનેતા પણ છે અને માતા ગાયિકા છે. મિત્તલની મોટી બહેનો હેતલ અને કોમલ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરે છે. અને મિત્તલનો ભાઈ એક ફિલ્મ પ્રોડક્શન કંપની સાથે જોડાયેલો છે.
મિત્તલનો પરિવાર કહે છે, ‘મિત્તલ નાની હતી ત્યારે તો નોર્મલ હતી, પણ તે સાતમા ધોરણમાં ભણતી હતી તે વખતે તેને તાવ આવ્યો હતો. તે વખતે ડોક્ટરે ગફલતથી કોઈ બીજા દર્દીની દવા મિત્તલને આપી દીધી હતી. મિત્તલ અને તેના પરિવારે દવાની ખરાબ અસર મિત્તલને થઈ રહી હોવાનું તબીબને જણાવ્યું હતું પણ તબીબે ધ્યાન ન આપતાં પરિણામ મિત્તલે ભોગવવાનું આવ્યું. તેનું સાંભળવાનું અને બોલવાનું બંધ થઈ ગયું. પરિવાર કહે છે કે, શરૂઆતમાં લાગેલા આઘાતમાંથી અમે ધીરે-ધીરે બહાર આવ્યા અને મિત્તલને સાઇન લેંગ્વેજ શીખવાવમાં ધ્યાન પરોવ્યું. તે ભણવા લાગી. તે બીજા કરતાં અલગ છે. તેનામાં કંઈ ખામી છે તેવું તેને ક્યારેય ન લાગે તેનું અમે ખાસ ધ્યાન અમે રાખ્યું. તેની સાથે અમે સામાન્ય બાળકો જેવો જ વ્યવહાર કર્યો. તેને ધોરણ-૧૨ સુધી સામાન્ય બાળકોની શાળામાં જ ભણાવી.’
હાલમાં મિત્તલ અન્ય મૂક-બધિર યુવતીઓને સાઈન લેંગ્વેજની તાલીમ આપે છે. મિત્તલનો પરિવાર કહે છે કે મિત્તલ ‘મિસ ગુજરાત દિવ્યાંગ’ બની અને ‘મિસ ઇન્ડિયા દિવ્યાંગ’ બની તેનાથી તેના આત્મવિશ્વાસમાં સતત વધારો દેખાય છે. હવે ‘મિસ વર્લ્ડ દિવ્યાંગ’ની સ્પર્ધા માટે તે તૈયારી કરી રહી છે.


comments powered by Disqus