બાઈક પર રસીની પેટી લઈને રોજના ૨૦૦ બાળકોનું રસીકરણ કરતી ગીતા વર્માની તસવીર બની ‘ડબ્લ્યુએચઓ’નું કવરપેજ

Wednesday 07th March 2018 05:53 EST
 
 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ના કેલેન્ડર ૨૦૧૮નું પ્રથમ પેજ હિમાચલ પ્રદેશની ગીતા વર્માને સમર્પિત કરવામાં આવ્યું છે. કારણ કે ગીતા વર્મા મંડી જિલ્લાના દુર્ગમ સ્થળે જઈને બાળકોને પોલિયો અને રૂબેલાની રસી આપવાનું કામ કરે છે. ગીતા કરસોગ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના શંકર દેહરામાં ફરજ બજાવે છે. ગીતા જ્યાં કામ કરે છે તે મંડી જિલ્લાનો કેટલોક વિસ્તાર એટલો પછાત અને નિરક્ષર છે કે ત્યાં માતા-પિતાને સમજણ જ નથી હોતી કે બાળકો માટે કેટલીક રસીઓ તેમને જિંદગીભર માટે કેટલીક બીમારીઓમાંથી મુક્તિ અપાવે છે. ગીતાના કારણે આ વિસ્તારનાં દરેક બાળકનું રસીકરણ થાય છે.
આ વિસ્તારનાં દરેક બાળકોનું રસીકરણ થાય એ માટે જાણે ગીતાએ ભેખ ધરી છે. તે બાઈક પર રસીકરણની પેટી લઈને રોજ સવારે આ વિસ્તારની ગલીએ-ગલીએ ફરે છે. રોજનાં ૨૦૦ બાળકોના રસીકરણનો ટાર્ગેટ તો ગીતાએ પૂરો કર્યો જ છે, છતાં તેણે મિશન જારી રાખ્યું છે અને હજી રસીકરણથી વંચિત હોય તેવા બાળકોનું તે રસીકરણ કરે છે. ગીતાના આ કાર્યને સન્માનતિ કરવા માટે ડબ્લ્યુએચઓ દ્વારા સ્મૃતિચિહન અને પ્રશસ્તિ પત્ર પણ આપવામાં આવ્યાં છે.


comments powered by Disqus